Categories
વાચન સમૃદ્ધિ

તક્ષશિલા

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે. ઈ. સ. પૂ.ના છઠ્ઠા સૈકામાં ઈરાનીઓની, બીજા સૈકામાં ઇન્ડો-બૅક્ટ્રિયનોની અને પહેલા સૈકામાં સીથિયનોની તો ઈસુના પ્રથમ સૈકામાં કુષાણોની અને પાંચમા સૈકામાં હૂણોની રાજસત્તા અહીં પ્રવર્તતી હતી. ઈસુના છઠ્ઠા સૈકામાં આ શહેરનો નાશ થયો. મધ્ય એશિયા અને ભારત વચ્ચેના વેપારી માર્ગ ઉપરનું સ્થાન હોઈ એનું રાજકીય મહત્ત્વ તો હતું જ, પણ એક વિદ્યાકેન્દ્ર તરીકેની એની ખ્યાતિ વિશ્વમાં હતી. ઈ. સ. પૂ. સાતમી સદીથી ઈસવી છઠ્ઠી સદી સુધી તક્ષશિલા અપ્રતિમ ખ્યાતિ ધરાવતું વિદ્યાકેન્દ્ર હતું. ઉજ્જયિની, મથુરા, મિથિલા, રાજગૃહ, વારાણસી જેવાં મહાનગરો તથા કુરુ–કોશલ જેવા પ્રદેશોમાંથી નાતજાતના ભેદભાવ વિના વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચશિક્ષણ લેવા આવતા હતા. આ વિદ્યાકેન્દ્ર ગુરુકુલ સ્વરૂપનું હતું. વિદ્યાર્થીઓ ગુરુ–આચાર્યને ઘેર રહેતા હતા. ગરીબ વિદ્યાર્થીઓ દિવસે ગુરુના ઘરનું કામ કરતા અને રાતે અભ્યાસ કરતા. શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા. વિષમ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

તક્ષશિલા ખાતેનો બૌદ્ધ સ્તૂપ

આચાર્ય જીવક, ભગવાન કૌટિલ્ય, વૈયાકરણી પાણિનિ, કોશલ સમ્રાટ પ્રસેનજિત અહીંના વિદ્યાર્થી હતા. જીવક અને કૌટિલ્ય અહીં આચાર્યપદે રહેલા. બ્રાહ્મણદર્શનનું આ વિદ્યાકેન્દ્ર હોઈ અહીં ત્રણ વેદ, વ્યાકરણ અને દર્શન મુખ્ય વિષયો હતા. ઉપરાંત વૈદક, શલ્યકર્મ, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, યુદ્ધવિદ્યા, જ્યોતિષ, નામું, વાણિજ્ય, કૃષિ, ખગોળ, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે વિષયોનું અહીં અધ્યાપન થતું. અહીં વિશેષજ્ઞતા માટે જ વિદ્યાર્થીઓ આવતા. ચારિત્ર્ યનું ઘડતર, વ્યક્તિત્વનો વિકાસ, ધર્મ અને નીતિનું સિંચન, સંસ્કૃતિનું સંરક્ષણ વગેરે આ વિદ્યાકેન્દ્રનાં વ્યાવર્તક લક્ષણો હતાં. આજની મુક્ત વિદ્યાપીઠનું આ પૂર્વકાલીન સ્વરૂપ હતું. પદવી પરીક્ષા ન હતી. અભ્યાસ પૂરો કર્યા પછી વ્યાવહારિક અનુભવ માટે વિદ્યાર્થીઓ દેશાટને જતા. હૂણોના આક્રમણને પરિણામે આ નગરનો નાશ થયો તે પહેલાં ચીની પ્રવાસી ફાહિયાન અહીં આવ્યો હતો; પરંતુ સાતમી સદીમાં આવેલા યુઅન શ્વાંગે આ નગરની મુલાકાત લીધી તે વખતે તે ખંડિયેર અવસ્થામાં હતું, આ નગરના અવશેષો પ્રજાને પ્રત્યક્ષ કરવાનું  પ્રથમ કાર્ય જનરલ કનિંગહામે 19મી સદીના ઉત્તરાર્ધમાં કર્યું હતું. પરંતુ તેનું વ્યવસ્થિત ઉત્ખનન સર જ્હૉન માર્શલના માર્ગદર્શન હેઠળ આ સદીની શરૂઆતમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યારપછી 1944–45માં સર મોર્ટિમર વ્હીલરે તેના પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

સ્વામિનારાયણ સંપ્રદાય

સહજાનંદ સ્વામીએ સ્થાપેલો સંપ્રદાય.

સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસેના લોજ ગામમાં ઉદ્ધવના અવતાર મનાતા સ્વામી રામાનંદ પાસે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઈ નીલકંઠ બ્રહ્મચારી સ્વામી સહજાનંદ બન્યા. સ્વામી રામાનંદે પોતાના અવસાન પહેલાં પોતાના અનુયાયીમંડળના આચાર્યપદે સ્વામી સહજાનંદને સ્થાપ્યા. ગુરુ રામાનંદ સ્વામીના અવસાન બાદ ચૌદમા દિવસે સહજાનંદ સ્વામીએ વૈદિક તત્ત્વજ્ઞાનના સાર રૂપે ‘સ્વામિનારાયણ’નો મંત્ર આપ્યો. એ જ મંત્રથી તેઓ ‘ભગવાન સ્વામિનારાયણ’ તરીકે ઓળખાયા અને આ ઉદ્ધવ સંપ્રદાય વખત જતાં ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ના નામે ઓળખાયો.

સ્વામિનારાયણ મંદિર, મૂળી

ઈ. સ. ૧૮૦૧માં શ્રી સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આરંભી અને આ પ્રવૃત્તિએ થોડાં જ વર્ષોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને વ્યાપક સ્વીકૃતિ અપાવી. સહજાનંદ સ્વામી સંયમના ચુસ્ત આગ્રહી હતા, તેથી વૈષ્ણવ સંપ્રદાયમાં જે વિલાસિતાનાં તત્ત્વોએ પ્રવેશ કરવા માંડ્યો હતો તેને દૂર કરી ધર્મમાં સદાચારને પ્રાધાન્ય આપ્યું. એમણે યજ્ઞોને અહિંસક બનાવ્યા; એ સમયની અરાજક સ્થિતિનો લાભ ઉઠાવતી ધાડ અને ચોરીનો ધંધો કરતી કાઠી અને કોળી જેવી કોમોને શાંત, પ્રામાણિક, મહેનતુ અને ધર્મનિષ્ઠ બનાવી; લોકોનાં અફીણ, દારૂ ને તમાકુનાં વ્યસન છોડાવ્યાં; રાજપૂતો ને કાઠીઓનો દીકરીને દૂધ-પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો; સતી થવાના ચાલને પોતાની અસંમતિ આપી; વિધવાઓને ભગવાનને પતિ માની તેની ભક્તિ કરવાનો માર્ગ ચીંધી વૈધવ્યને ધર્મપરાયણ અને હેતુલક્ષી બનાવ્યું. આમ તળગુજરાત અને કાઠિયાવાડના લોકોમાં વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિનો ખાસ આગ્રહ રાખતા આ સંપ્રદાયે સનાતન ધર્મનું એક આગવું સ્થાન મેળવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની દાર્શનિક વિચારધારા રામાનુજદર્શન(શ્રીસંપ્રદાય)થી પ્રભાવિત છે; તેથી અહીં પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ – એમ પાંચ અનાદિ તત્ત્વોનો નિર્દેશ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ માયાથી પર છે. જીવ અને ઈશ્વર બ્રહ્મ સાથે એકતા કરી માયાથી પર થઈ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. સંપ્રદાયમાં શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલા સદાચારને ધર્મ ગણવામાં આવે છે, આથી સંપ્રદાયના ત્યાગી વર્ગને પંચવર્તમાન – નિષ્કામ, નિ:સ્નેહ, નિ:સ્વાદ, નિર્માન અને નિર્લોભ – આ પાંચ વ્રતો પાળવાનાં હોય છે. આ ઉપરાંત દરેક ત્યાગી-ગૃહસ્થી સત્સંગીએ લસણ-ડુંગળીનો ત્યાગ પણ કરવાનો હોય છે.

રાજશ્રી મહાદેવિયા

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વામિનારાયણ સંપ્રદાય, પૃ. 98)

Categories
વાચન સમૃદ્ધિ

ઢાલશંકુ (shield cone)

જ્વાળામુખીના નિર્ગમમુખની આજુબાજુ ફક્ત ખડકોના ટુકડા કે ફક્ત લાવાપ્રવાહ અથવા આ બંને દ્રવ્યોથી બનતી લગભગ શંકુ આકારની રચના. ઢાલશંકુ એ જ્વાળામુખી શંકુનો જ એક પ્રકાર છે. તે એક જ સ્થાને જ્વાળામુખીકંઠની આજુબાજુ લાવા પ્રસ્ફુટનનાં વારંવારનાં આવર્તનોથી એકત્રિત થઈ શંકુ આકાર ધારણ કરે છે. જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા શાંત કે વિસ્ફોટક પ્રકારની હોઈ શકે છે. આવા શંકુ ઓછી ઊંચાઈવાળા, ચોતરફથી પહોળા દેખાવવાળા હોય છે. ફાટ દ્વારા થતાં વારંવારનાં લાવાપ્રવાહનાં પ્રસ્ફુટનોથી વિસ્તરણ થવાને બદલે એક જ ફાટ વિભાગની આજુબાજુ લાવા જમા થતો જાય તો તે પહોળા, ગોળાકાર ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપો રચે છે. તેને ઢાલશંકુ કહે છે. તેની ટોચ પર યોદ્ધાની ઢાલને મળતો આવતો આછો બહિર્ગોળ ઉચ્ચસપાટપ્રદેશ જેવો આકાર રચાતો હોવાથી તેનું નામ ઢાલશંકુ પડેલું છે. જોવા મળેલા ઢાલશંકુઓ પૈકી કેટલાકનું કદ હજારો ઘન કિલોમીટરનું હોય છે. આવા ઢાલશંકુઓમાં શિખરભાગથી ટેકરીની નીચેની બાહ્ય કિનારીઓ સુધીની ફાટ જામીને લાંબી દીવાલ જેવી દેખાતી હોય છે. ઢાલશંકુઓ લગભગ સંપૂર્ણપણે અસંખ્ય ઉપરાઉપરી પાતળા લાવા-પ્રવાહોનાં આવર્તનોથી બનેલા હોય છે. પૅસિફિક મહાસાગરના હવાઈ ટાપુના મોના લોઆ અને કિલોઆ ઢાલશંકુનાં લાક્ષણિક ઉદાહરણો છે. આઇસલૅન્ડના વિશાળ બેસાલ્ટયુક્ત જ્વાળામુખી પણ ઉદાહરણરૂપ ગણાવી શકાય.

મોના લોઆનો ઢાલશંકુ

ઢાલશંકુઓના બાહ્ય ઢોળાવો તદ્દન આછા (3O થી 8O સુધીના) હોય છે. તેમના શિખરભાગોમાં સપાટ તળભાગવાળાં અને લગભગ ઊભી કે ત્રાંસી દીવાલોવાળાં જ્વાળામુખો હોય છે. ઢાલશંકુઓમાં જોવા મળતાં આ પ્રકારનાં વિશિષ્ટ જ્વાળામુખો ગર્ત-જ્વાળામુખ તરીકે ઓળખાય છે. ઢાલશંકુઓને તેમના વિશાળ કદ અને રચનાત્મક માળખાને આધારે નીચે મુજબના બે પ્રકારોમાં વહેંચેલા છે : (1) આઇસલૅન્ડ પ્રકાર : તે પ્રમાણમાં ઓછા પરિમાણવાળા હોય છે, ઊંચાઈ 100થી 1000 મીટર વચ્ચેની હોય છે, તેમના તળેટીભાગનો વ્યાસ ઊંચાઈ કરતાં આશરે વીસગણો હોય છે, જ્યારે ટોચ પરના જ્વાળામુખોનો વ્યાસ 100થી 2000 મીટર જેટલો હોય છે. (2) હવાઈઅન પ્રકાર : આઇસલૅન્ડ પ્રકારની સરખામણીએ તેમનાં પરિમાણ અત્યંત વિશાળ હોય છે. સમુદ્રસપાટીથી નીચે વિસ્તરેલા ઢોળાવો સહિતનો ‘મોના લોઆ’ જ્વાળામુખી શંકુ આ પ્રકારનું ઉદાહરણ છે. તેની ઊંચાઈ આશરે 10,000 મીટર છે, તળભાગનો વ્યાસ આશરે 400 કિમી. જેટલો છે, બાજુઓના ઢોળાવના ખૂણા 6Oથી વધુ હોતા નથી, જ્યારે તેમના શિખરભાગો ક્યારેક ઉચ્ચસપાટપ્રદેશ સ્વરૂપના બની રહે છે. બધા જ ઢાલશંકુ લગભગ સંપૂર્ણપણે બેસાલ્ટ (કે ઑલિવીન બેસાલ્ટ) ખડક બંધારણવાળા હોય છે. હવાઈઅન ઢાલશંકુઓમાં બેસાલ્ટની સાથે સ્વભેદનક્રિયાથી તૈયાર થયેલા ટેફ્રાઇટ, ટ્રેકાઇટ અને ફોનોલાઇટ પણ ગૌણ પ્રમાણમાં જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8