Categories
વાચન સમૃદ્ધિ

અરુણા દેસાઈ

જ. 13 મે, 1924 અ. 16 ફેબ્રુઆરી, 2007

મહિલાઓનાં સ્વાતંત્ર્ય અને રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા અરુણાબહેનનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક બન્યાં હતાં. માત્ર ત્રણ વર્ષની વયે માતાનું અવસાન થતાં ફોઈ પુષ્પાબહેનની છત્રછાયામાં ઉછેર થયો. પુષ્પાબહેન ગુજરાતનાં સુપ્રસિદ્ધ સમાજસેવિકા હતાં. અરુણાબહેનને પુષ્પાબહેન પાસેથી બાળપણથી જ જીવનઘડતરના પાઠ શીખવા મળ્યા અને તેમણે આજીવન સમાજસેવાનો ભેખ લઈ લીધો. પુષ્પાબહેનના વિકાસગૃહનાં કાર્યોમાં મદદ કરતાં. તેઓ સ્વાતંત્ર્યચળવળમાં પણ પુષ્પાબહેનની પ્રવૃત્તિઓમાં સહકાર આપતાં. 1945માં પુષ્પાબહેને વઢવાણમાં સ્થાપેલા વિકાસ વિદ્યાલયમાં સમાજસેવાની જવાબદારી અરુણાબહેને ઉપાડી લીધી હતી. અહીં અનાથ નિરાધાર બાળકો, ત્યક્તાઓ, વિધવાઓ, તિરસ્કૃત સ્ત્રીઓને આશ્રય અપાતો. તેઓ વઢવાણની ભૂમિ પર બાળકો ભણીગણીને પોતાના પગ પર ઊભા રહી સ્વતંત્ર રીતે જીવન જીવી શકે તે માટે પ્રયત્નશીલ હતાં. આવી બાળાઓનું ખૂબ સુંદર જીવનઘડતર કરતાં. સમાજસેવા અને સ્ત્રીઉન્નતિ સાથે તેના પાયા સમી આર્થિક વિકાસની સમસ્યાને હલ કરવા ખૂબ પરિશ્રમ કર્યો. અરુણાબહેનના કઠિન પરિશ્રમને કારણે વિકાસ વિદ્યાલય આજે એક મોટું સેવાશ્રમ બની રહ્યું છે. આ સંસ્થાની ઘણી શાખાઓ ગુજરાતમાં સ્થપાઈ છે. વઢવાણની ધરતી પરથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી તેમનાં સત્કાર્યોની સુવાસ પહોંચી. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા, જેમાં મુખ્યત્વે 1981માં બાલકલ્યાણક્ષેત્રે રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર, 1989માં મહિલા સુરક્ષા પુરસ્કાર, 2002માં રાજીવ ગાંધી માનવસેવા પુરસ્કાર અને 2005માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ ફોર ડેવલપમેન્ટ ઍન્ડ વેલ્ફેર ઑવ્ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

રાધાકૃષ્ણ તાહિલિયાની

જ. 12 મે, 1930 અ. 14 ઑક્ટોબર, 2015

ભારતીય નૌકાદળના ફ્લેગ ઑફિસર, એડમિરલ રાધાકૃષ્ણ તાહિલિયાનીનો જન્મ સિંધી પરિવારમાં  થયો હતો. તેમણે નેવલ વૉર કૉલેજ, યુનાઇટેડ સ્ટેટ્સ અને નૅશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.

1 સપ્ટેમ્બર, 1950ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા અને 17 મે, 1952ના રોજ સબ-લેફ્ટનન્ટ તરીકે બઢતી મળી. તેઓ ભારતીય નૌકાદળ વાયુસેનામાં જોડાયા. 1960માં લેફ્ટનન્ટ કમાન્ડર બન્યા. 18 મે, 1961ના રોજ હોકર સી હોક ફાઇટરને લૅન્ડ કરીને INS વિક્રાંતના ડેક પર વિમાન લૅન્ડ કરનાર પ્રથમ નૌકાદળ પાઇલટ બન્યા. 1970માં કૅપ્ટન બન્યા. તેમણે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં INAS300 સ્ક્વૉડ્રનને કમાન્ડ કર્યું. તેમણે INS ત્રિશૂલ અને ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રાંતનું પણ કમાન્ડ કર્યું હતું. 1977માં કાર્યકારી રીઅર એડમિરલ તરીકે બઢતી મળી, તેઓ ગોવા નેવલ એરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ બન્યા. 1978માં તેમને સબસ્ટેન્ટિવ રીઅર એડમિરલ તરીકે બઢતી મળી. તેઓ નેવલ હેડક્વાર્ટર ખાતે આસિસ્ટન્ટ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા પછી ડેપ્યુટી ચીફ ઑફ નેવલ સ્ટાફ બન્યા. તેઓ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ સધર્ન નેવલ કમાન્ડ, ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ, વાઇસ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા હતા. 1 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય નૌકાદળના ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 11મા નૌકાદળના વડા તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી 8 ફેબ્રુઆરી, 1990થી 20 સપ્ટેમ્બર, 1994 સુધી સિક્કિમના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ભારતીય ચેપ્ટરના સ્થાપક સભ્ય અને અધ્યક્ષ હતા. તેમણે બે નૌકાદળના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્ય કર્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

કર્નલ સોનમ વાંગચુક

જ. 11 મે, 1964 અ. 10 એપ્રિલ, 2026

ભારતીય લશ્કરના નિવૃત્ત કર્નલ. આખું નામ વાંગચુક સોનમ. હિમાચલ પ્રદેશના સોલન નગર ખાતે સેંટ લુકેની પ્રાથમિક શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. 1973માં તેમના પિતા 14મા દલાઈલામાની સુરક્ષા વિભાગમાં જોડાતાં તેમણે ધરમશાલા ખાતે સ્થળાંતર કરવું પડ્યું. 1975માં દિલ્હીની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરીને શ્રી વેંકેટશ્વર કૉલેજમાંથી ઇતિહાસ વિષયમાં સ્નાતક થયા. તેમના સગા કર્નલ વાંગડુએ તેમને લશ્કરમાં જોડાવા આગ્રહ કર્યો. વાંગચુકે ચેન્નાઈ ખાતે આવેલી ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં તાલીમ મેળવીને અસમ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટનો હોદ્દો મેળવ્યો. ભારતીય સૈન્ય દ્વારા તેઓએ ‘ભારતીય શાંતિદળ’માં જોડાઈને શ્રીલંકા ખાતે સેવા આપી. ત્યારબાદ સિંધુ વિભાગના ‘લદ્દાખ સ્કાઉટ’માં નિયુક્ત થયા. ભારત-પાકિસ્તાનના 1994ના કારગીલ યુદ્ધમાં સિંધુ વીંગ અને લદ્દાખ સ્કાઉટના સહયોગથી ઑપરેશન વિજયનો પ્રારંભ કર્યો. ચોરબાટ લા ઘાટ પાસે પાકિસ્તાનના સૈનિકોને શિકસ્ત આપીને 5,500 મીટર ઊંચાઈએ હિમાચ્છાદિત વિસ્તારની ‘Line of Control’ની કરાડ (Ridge) ઉપર પ્રભુત્વ મેળવ્યું. આ સફળતાને લક્ષમાં રાખીને ભારત સરકાર તરફથી તેમણે મહાવીર ચક્રનો ખિતાબ મેળવ્યો. તેઓએ જીવના જોખમે બટાલિક યુદ્ધ ક્ષેત્રને દુશ્મનોથી મુક્ત કર્યો. આ સાહસને લક્ષમાં રાખીને 2017ના ઑગસ્ટ માસની 21મી તારીખે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ‘Lion of Ladakh’ તરીકે નવાજ્યા હતા. ભારતીય સૈન્યમાં તેઓએ મહાવીર ચક્ર, ઑપરેશન વિજય, 50મી ઍનિવર્સરી ઑફ ઇન્ડિપેન્ડન્સ મેડલ, સૈન્ય સેવા મેડલ, સ્પેશિયલ સર્વિસ મેડલ જેવા મહત્ત્વના બાર જેટલા ઍવૉર્ડ મેળવ્યા હતા. હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.