Categories
વાચન સમૃદ્ધિ

ડેવિડ ઍડવર્ડ હ્યૂજેસ

જ. 16 મે, 1830 અ. 22 જાન્યુઆરી, 1900

વેલ્શ-અમેરિકી સંશોધક, વ્યવહારુ પ્રયોગકર્તા અને સંગીતજ્ઞ ડેવિડ હ્યૂજેસનો જન્મ લંડનમાં થયો હોવાનું મનાય છે. તેમનો જન્મ સંગીતપ્રતિભાથી સંપન્ન પરિવારમાં થયો હતો. તેમની સાત વર્ષની વયમાં તેમનો પરિવાર અમેરિકા જઈ વસ્યો. તેઓ 6 વર્ષની વય થતાં સુધીમાં તો હાર્પ (harp) અને અંગ્રેજી કોન્સર્ટિના (English concerting) વગાડવામાં સક્ષમ થઈ ગયા હતા. સમય જતાં ઉત્તમ કક્ષાના વાદ્યસંગીતમાં તેઓ નિપુણ થઈ ગયા. તેમની સંગીતપ્રતિભા જોઈ અમેરિકાના એક પ્રખ્યાત જર્મન પિયાનોવાદક હેરહાસ્ટે તેમને કેંટકીની સેંટ જોસેફ કૉલેજમાં સંગીતના પ્રોફેસર તરીકે નિયુક્તિ અપાવી. 1855માં હ્યૂજેસે એક પ્રિન્ટિંગ ટેલિગ્રાફી પ્રણાલી તૈયાર કરી. તેમણે પ્રિન્ટિંગ ટેલિગ્રાફની અમેરિકી પેટન્ટ પ્રાપ્ત કરી. 1857માં તેઓ પાછા લંડન ગયા. યુરોપમાં હ્યૂજેસની ટેલિગ્રાફ પ્રણાલીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળી. 1878માં ટેલિફોન માટે વિકસિત કરાતી ધ્વનિ(ઇલેક્ટ્રૉનિક સાઉન્ડ ઇફેક્ટ)ની અસર પર સંશોધન કર્યું. તેમનું આ સંશોધન નવા માઇક્રોફોન તરીકે ઓળખાયું. તેમની આ શોધ પર તેમણે પેટન્ટ ક્યારેય ન કઢાવી જેથી ભવિષ્યમાં બીજા નિષ્ણાતો તે પર વધુ સંશોધન કરી શકે. તેમનો શોધપત્ર 8 મે, 1878માં લંડનની રૉયલ સોસાયટી સમક્ષ થોમસ હેનરી હકસલ દ્વારા વાંચવામાં આવ્યો અને તેમના આ નવા માઇક્રોફોનને ટેલિગ્રાફ જર્નલ અને ઇલેક્ટ્રિકલ રિવ્યૂના 1 જુલાઈના અંકમાં સમાવિષ્ટ કર્યો. તેમણે સંશોધનોમાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખીને ઉત્તમ પ્રકારના કાર્બન માઇક્રોફોનની શોધ કરી. આ વિકસિત કાર્બન માઇક્રોફોને ટેલિફોનમાં ધ્વનિને સ્પષ્ટ રૂપથી પ્રસારિત કરવાનું શક્ય બનાવ્યું. તેઓ રેડિયોતરંગોની શોધક્ષેત્રે તથા વિદ્યુતસંચારક્ષેત્રે અગ્રણી ગણાય છે. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ તેમને અનેક સુવર્ણચંદ્રકો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 1880માં રૉયલ સોસાયટીના ફેલો નિમાયા. 1885માં રૉયલ મેડલથી પુરસ્કૃત થયા. તેમના અવસાન બાદ રૉયલ સોસાયટી દ્વારા ભૌતિકવિજ્ઞાનક્ષેત્રે મૌલિક શોધ કરનાર વૈજ્ઞાનિકને હ્યૂજેસ મેડલથી સન્માનવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન્દ્રનાથ ટાગોર

જ. 15 મે, 1817 અ. 19 જાન્યુઆરી, 1905

દેશપ્રેમી, ધર્મસુધારક અને તત્ત્વચિંતક દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા દ્વારકાનાથ અને માતા દિગંબરી દેવી. સાત વર્ષ ઘરે અને પછી હિંદુ કૉલેજમાં અભ્યાસ કર્યો. 18 વર્ષની ઉંમરે દાદીમાના મૃત્યુ સમયે તેમને રહસ્યપૂર્ણ અનુભવ થયો એ પછી તેઓ આધ્યાત્મિક માર્ગે વળ્યા. તેઓ રાજા રામમોહન રાય અને કેશવચન્દ્ર સેનના સંપર્કમાં આવ્યા. તેમણે મૂર્તિપૂજા અને સતીપ્રથાનો વિરોધ કર્યો. તેમણે 1832માં ‘સર્વ તત્ત્વદીપિકા સભા’ નામની સંસ્થાની સ્થાપના કરી. 1939માં ‘તત્ત્વબોધિની સભા’ની સ્થાપના કરી અને તેના મંત્રી બન્યા. તેમણે 1846માં ‘હિંદુ હિતાર્થી વિદ્યાલય’ની અને 1851માં ‘ધ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના કરી. તેમણે પંડિતોની મદદ લઈ ‘બ્રહ્મોધર્મ’ ગ્રંથ તૈયાર કર્યો. 1843માં ‘હિંદુ થિયૉફિલૅન્થ્રૉપિક સોસાયટી’માં જોડાયા. તેમણે બોલપુરમાં ‘બ્રહ્મચર્યાશ્રમ’ની સ્થાપના કરી. તેમના પુત્ર રવીન્દ્રનાથ ટાગોરે ત્યાં શાંતિનિકેતનની સ્થાપના કરી. તેઓ ભારતીય સંસ્કૃતિના પક્ષધર હતા. તેમણે ‘તત્ત્વબોધિની પત્રિકા’ પ્રકાશિત કરી હતી. તેઓ મહર્ષિ તરીકે જાણીતા હતા. ‘બ્રહ્મોધર્મ’ અને ‘આત્મત્તતો વિદ્યા’, ‘જ્ઞાન ઓ ધર્મેર ઉન્નતિ’, ‘પોરોલો ઓ મુક્તિ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના ‘બ્રહ્મોધર્મ’ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમણે ગરીબ ગ્રામજનોના ચોકીદારી કરને માફ કરવા માટે અને ભારતને સ્વતંત્ર કરવાની માગ કરતો બ્રિટિશ સંસદને પત્ર લખ્યો હતો. તેઓ બાળલગ્ન અને બહુપત્નીત્વના વિરોધી હતા. તેમણે વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

મૃણાલ સેન

જ. 14 મે, 1923 અ. 30 ડિસેમ્બર, 2018

ભારતના હિન્દી તથા બંગાળી સિનેમાના નિર્માતા, નિર્દેશક તથા પટકથાલેખક મૃણાલસેનનો જન્મ ફરીદપુરમાં થયો હતો. શાળાકીય શિક્ષણ ફરીદપુરમાં લીધા બાદ તેઓ કૉલકાતા ગયા જ્યાં સ્કૉટિશ ચર્ચ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન ફિલ્મના સૌંદર્યશાસ્ત્ર પર આધારિત એક પુસ્તક એમને પ્રાપ્ત થયું. જેના કારણે મૃણાલ સેનની સિનેમા પ્રત્યેની રુચિ વધી તથા સિનેમા પ્રત્યે સંપૂર્ણ સૌંદર્યલક્ષી અભિગમ કેળવાયો. અભ્યાસ પૂરો કર્યા પછી શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવની નોકરી સ્વીકારી, પરંતુ કલાના જીવનને એ કામ શુષ્ક તથા બોજ સમાન લાગ્યું. એ નોકરીને તિલાંજલી આપીને તેઓ કૉલકાતા પરત ફર્યા. ફિલ્મ સ્ટુડિયોમાં ધ્વનિ ટૅકનિશિયનનું કામ સ્વીકાર્યું. જે પાછળથી સ્વતંત્ર નિર્માણ નિર્દેશન વખતે પણ કામ લાગ્યું. 1955માં ‘રાત ભોર’ પ્રથમ ફિલ્મનું નિર્દેશન કર્યું. ત્યારબાદ ‘નીલ આકાશેર નીચે’ દ્વારા એમની એક આગવી ઓળખ બની. ત્રીજી ફિલ્મ ‘બાઇશે શ્રાવણ’ દ્વારા એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. ‘ભૂવનશોમ’, ‘ખંડહર’, ‘એક દિન અચાનક’, ‘કોરા કાગઝ’, ‘અકાલ કે સંધાન’, ‘મૃગિયા’  જેવી અનેક ફિલ્મોના નિર્દેશન દ્વારા કલાજગતને એમણે ખૂબ મોટી ભેટ આપી છે. 2003માં ‘આમાર ભૂવન’નું નિર્દેશન નિર્માણ એ મૃણાલ સેનનું અંતિમ સર્જન હતું. તેમની કારકિર્દી દરમિયાન તેમની ફિલ્મોને કાન્સ, બર્લિન, વેનિસ, મૉસ્કો, કાર્લોવી, મોન્ટ્રિયલ, શિકાગો અને કૈરો સહિત લગભગ તમામ ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ફિલ્મફેર તથા રાષ્ટ્રીય પુરસ્કારોની સાથે 2003માં એમને ‘દાદાસાહેબ ફાળકે’ના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1983માં ભારત સરકાર દ્વારા સિનેમાજગતમાં યોગદાન બદલ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૃણાલ સેનની ફિલ્મો દર્શકોના આત્માને જગાડીને વિચારતા કરી મૂકતી હતી. યથાર્થવાદી, રાજનીતિક તથા પ્રયોગવાદી સિનેમાનું સર્જન એ એમની ઓળખ હતી. બંગાળી સમાંતર સિનેમાના રાજદૂત તરીકે એમને ઓળખવામાં આવતા. 95 વર્ષની વયે હૃદયરોગના હુમલામાં એમનું કૉલકાતા ખાતે અવસાન થયું.