Categories
વાચન સમૃદ્ધિ

માણિક બંધોપાધ્યાય

જ. 19 મે, 1908 અ. 3 ડિસેમ્બર, 1956

વીસમી સદીના પ્રખ્યાત બંગાળી નવલકથાકાર અને વાર્તાકારનો જન્મ દુમકા, બિહાર(હાલમાં ઝારખંડ)માં થયો હતો. તેમનું મૂળ નામ પ્રબોધ કુમાર, પણ હુલામણું નામ માણિક હતું. શાળામાં તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. 1928માં કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ગણિતના વિષય સાથે બી.એસસી. કર્યું. ત્યારબાદ જીવનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતાં કૉલેજ છોડી દેવી પડી. મિત્રોનો પડકાર ઝીલતાં તેમણે એક વાર્તા લખી – ‘અતશીમામી’, જે પ્રતિષ્ઠિત માસિક ‘વિચિત્ર’માં પ્રકટ થઈ અને તેઓ બંગાળી વાચકોમાં પ્રસિદ્ધ બની ગયા. 1935માં તેમની પ્રથમ નવલકથા ‘જનની’ પ્રગટ થઈ અને તે જ વર્ષે ‘અતશીમામી અને અન્ય વાર્તાઓ’નો સંગ્રહ પ્રગટ થયો. 1936માં તેમની સૌથી લોકપ્રિય બે નવલકથાઓ ‘પદ્માનદીર માંઝી’ અને ‘પુતલનાચેર’ પ્રકાશિત થઈ, જે દુનિયાના પીડિતો અને દલિતો વાસ્તવિક પ્રતિનિધિના રૂપમાં આવે છે. 1941માં તેમણે ‘અહિંસા’ લખી જેમાં જે ધર્મને અસંખ્ય લોકો પાળી રહ્યા હતા તેની પોકળતા ઉઘાડી પાડી છે. વળી બીજા વિશ્વયુદ્ધના સમયે લોકો જે સંદેહમાં જીવન જીવતા હતા તેનો ચિતાર રજૂ કર્યો છે. તેઓએ માર્કસ, લેનિન અને સ્ટાલિન જેવા સોશિયાલિસ્ટ ફિલસૂફોની ફિલૉસૉફીથી પ્રભાવિત થઈ 1944માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બનવાનું પસંદ કર્યું, જે જીવનભર નિભાવ્યું. 1945માં ‘દર્પણ’ની રચના થઈ જેમાં જુદા જુદા સમુદાયોની વચ્ચેનો સંઘર્ષ આલેખ્યો છે. આ ઉપરાંત ‘આદાયેર ઇતિહાસ’ (1947), ‘માટિર મશૂલ’(1948)ની વાર્તાઓમાં આઝાદી પછીના વ્યાપક ભ્રમનિરસનનું ચિત્રણ છે. ‘સ્વાધીનતાનો સ્વાદ’ (1951), ‘સોનાર ચેયે દામી’, ‘આરોગ્ય’ નવલકથાઓની રચના કરી છે. અઠ્ઠાવીસ વર્ષની સાહિત્યિક સફરમાં તેમણે 38 નવલકથાઓ, 306 વાર્તાઓ, નાટક, કવિતાઓ અને નિબંધોની રચના કરી હતી. તેમની નવલકથાઓ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં પણ અનૂદિત થયેલી છે. તેમની નવલકથા ‘પદ્માનદીર માંઝી’ (બોટમૅન ઑફ પદ્મા) 7-8 ભારતીય ભાષાઓમાં, ત્રણ વાર અંગ્રેજી ભાષામાં તથા સ્વીડિશ, ઝેક, જર્મન, હંગેરિયન, ચાઇનીઝ, બલ્ગેરિયન, રશિયન તથા ફ્રેન્ચ ભાષાઓમાં અનૂદિત થઈ છે. લગભગ 70 જેટલી ટૂંકી વાર્તાઓ ભારતીય અને બીજી વિદેશી ભાષાઓમાં અનુવાદ પામી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઉમર ખય્યામ

જ. 18 મે, 1048 અ. 4 ડિસેમ્બર, 1131

ફારસી કવિ, ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને દાર્શનિક ઉમર ખય્યામનો જન્મ ઈરાનના નિશાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ગ્યાસુદ્દીન અબુલ ફતહ ઉમર ઇબ્ન ઇબ્રાહીમ અલ-ખય્યામી હતું. ખય્યામનો અર્થ તંબુ બનાવનાર. તત્કાલીન સમયની રૂઢિવાદી સામાજિકતા સામે ફારસી ભાષામાં પદ્યના માધ્યમથી એમણે અવાજ ઉઠાવ્યો હતો. સ્વાભાવિક રીતે સમાજે પહેલાં એમનો સ્વીકાર ન કર્યો, પરંતુ પરમ તત્ત્વ સાથેના એક સંધાનને કારણે ઉમર ખય્યામ એમનાં કાર્યોમાં રત રહ્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ક્યૂબિક સમીકરણો હલ કરવા માટે જ્યામિતીય પદ્ધતિઓની એમણે શોધ કરી. બીજગણિતને સમજવા અને સમજાવવા એમણે વિવિધ પદ્ધતિઓના પ્રયોગ કર્યા. સૌર વર્ષની સ્પષ્ટ ગણના સાથે જલલી કૅલેન્ડરની એમણે રચના કરી હતી. વળી સંસારની ક્ષણભંગુરતાને કેન્દ્રમાં રાખીને અનેક રૂબાઈ અર્થાત્ ચોપાઈઓની એમણે રચના કરી. 19મી સદીમાં ઍડવર્ડ ફિટ્ઝ ગેરાલ્ડે ઉમર ખય્યામના કાવ્યસંગ્રહ ‘રૂબાઇયત’નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. હિન્દી ભાષામાં ‘ખય્યામ કી મધુશાલા’ એ ખૂબ પ્રખ્યાત કાવ્યસંગ્રહ છે. પરમ તત્ત્વ તથા સંસારનું તત્ત્વજ્ઞાન ઉમર ખય્યામે ઉમદા રીતે સમજાવ્યું હતું. ભારતના દાર્શનિકો પણ ઉમર ખય્યામના જ્ઞાનથી પ્રભાવિત હતા. પરમહંસ યોગાનંદ સ્વામીએ ઉમર ખય્યામનાં પુસ્તકો તથા વિચારોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. 83 વર્ષની વયે એમનું અવસાન થયું. સંગીત, સાહિત્ય તથા જીવનના તત્ત્વજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર બાબતે ઉમર ખય્યામનું પ્રદાન આજે એક હજાર વર્ષે પણ યાદ કરવામાં આવે છે. જીવનનાં તથા બ્રહ્મનાં રહસ્યો ખોલી આપતું એવું ઉમર ખય્યામનું સર્જન માનવજાત માટે મોટી મિરાત સમું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કુમુદિની લાખિયા

જન્મ 17 મે, 1930 અવસાન 12 એપ્રિલ, 2025

 કલાપ્રેમી કુટુંબમાં જન્મેલાં કુમુદિનીબહેનનો નૃત્યપ્રેમ માતા લીલા જયકરે નાનપણમાં જ પારખી  લીધો હતો. માતા ખુદ ગાયિકા હોવાથી તેમણે કુમુદિનીને નૃત્યકળામાં પોતાની કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યાં. સાત વર્ષની ઉંમરે તેમણે બનારસ અને બિકાનેર ઘરાનાના ગુરુજનો પાસે તાલીમ શરૂ કરી. 1947માં સત્તર વર્ષની ઉંમરે તેમને નૃત્યકાર શ્રી રામ ગોપાલ સાથે નૃત્યનાટિકામાં કામ કરવાની તક મળી, આ તક તેમના જીવનમાં સીમાચિહનરૂપ બની રહી. તેમણે  દેશ-વિદેશમાં તેમની સાથે અઢળક કાર્યક્રમો કર્યાં. જયપુર ઘરાનાના ગુરુઓ પાસે તથા લખનૌ ઘરાનાના ગુરુ શંભુ મહારાજ પાસે તેમણે નૃત્યની વિશેષ તાલીમ લીધી. તેમણે કથકને વ્યક્તિગત રજૂઆત સુધી સીમિત ન રાખતાં સમૂહમાં રજૂ કરવાનું બીડું ઝડપ્યું અને ખૂબ લોકચાહના પામ્યાં. કથકની રજૂઆતોમાં ચાલ્યા આવતા પરંપરાગત વાર્તાસંદર્ભોમાં પણ તે જહેમતથી આમૂલ પરિવર્તન લાવ્યાં. 1967માં તેમણે અમદાવાદમાં ‘કદંબ’ સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં નવી પેઢીને તેમણે આગવી પદ્ધતિથી કથક શીખવવાનું શરૂ કર્યું અને તેથી જ આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી. આ સંસ્થાના કલાકારોએ 1988માં રશિયામાં ઉઝબેકિસ્તાનમાં અને 2007માં ટોકિયોમાં સફળ નૃત્યપ્રસ્તુતિ કરી હતી. 1980માં દિલ્હી ખાતે યોજાયેલ વાર્ષિક કથક મહોત્સવમાં  તેમણે રજૂ કરેલ ‘અત: કિમ?’, 1997-98માં આઝાદીની સુવર્ણજયંતી નિમિત્તે રજૂ કરેલ ‘ડ્રીમ ઑફ ફ્રીડમ’ અને ‘સુવર્ણ’ પણ ખૂબ વખણાઈ. તેમની અન્ય જાણીતી નૃત્યનાટિકા પ્રસ્તુતિમાં ‘ઓખાહરણ’, ‘દશાવતાર’, ‘હોરી’, ‘ધબકાર’, ‘યુગલ’ વગેરે. ‘સૂરસંગમ’, ‘ઉમરાવ જાન’ જેવી હિન્દી ફિલ્મોમાં તેમણે નૃત્યકાર તરીકે કામ કર્યું. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા, જેમાં ઇશીરા પરીખ, મૌલિક શાહ, ઊર્જા ઠાકોર, દક્ષા શેઠ વગેરેનો સમાવેશ થાય છે. નૃત્યકળાને જીવી જનાર આ નૃત્યાંગનાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને મરણોત્તર પદ્મવિભૂષણ(2025)થી સન્માનિત કરાયાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ કલાક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતીને અપાતો ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ 2022માં તેમને અર્પણ કરવામાં આવ્યો હતો.