Categories
વાચન સમૃદ્ધિ

હોમી વાડિયા

જ. 22 મે, 1911 અ. 10 ડિસેમ્બર, 2004

ભારતીય સિનેજગતના નિર્દેશક અને નિર્માતાનો જન્મ સૂરતમાં થયો હતો.  શિક્ષણ માંડ મૅટ્રિક સુધીનું. ત્યારબાદ મોટા ભાઈ જે. બી. વાડિયા ફિલ્મક્ષેત્રે હોવાથી તેમણે પણ ફિલ્મક્ષેત્રે જવાનું પસંદ કર્યું. તેઓ 1933માં સ્થાપિત વાડિયા મૂવીટોન પ્રોડક્શનના સહ-સંસ્થાપક હતા. તેમણે સૌપ્રથમ 1934માં ‘વીર ભારત’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. પ્રથમ ફિલ્મથી જ સ્ટંટ ફિલ્મોની શ્રેણીનો પ્રભાવ શરૂ થયો. આ ફિલ્મો ભવ્ય સેટ્સ, ભવ્ય વેશભૂષાને લીધે ચકિત કરી દેનારાં દૃશ્યોવાળી સાબિત થઈ અને તેમણે સ્ટંટ ફિલ્મોમાં આગવી નામના મેળવી. તેમાં તેમને સૌથી મોટો આધાર અભિનેત્રી નાદિયાનો મળ્યો. નાદિયાનાં દિલધડક સ્ટંટ દૃશ્યો પ્રેક્ષકોને હેરત પમાડે તેવાં હતાં અને તેથી ટિકિટબારી પર ટંકશાળ પડતી હતી. ફિલ્મોમાં રેલવે, ટ્રેન, પ્રાણીઓ, પિસ્તોલ જેવી વસ્તુઓનો સૌપ્રથમ ઉપયોગ કરનાર હોમી વાડિયા હતા. તેમણે 1942માં વસંત પિક્ચર્સની સ્થાપના કરી. તેમણે ચાળીસથી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું જેમાં ‘હંટરવાલી’ (1935), ‘મિસ ફ્રંટિયર મેલ’ (1936), ‘હીરે કી રાની’ (1940) તથા ‘હાતિમ તાઈ’ (1956)નો પણ સમાવેશ છે. 1954માં સ્થાપિત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’ના એક સંસ્થાપક સભ્ય પણ હતા. 1942 સુધી વાડિયા મૂવીટોનની બાર ફિલ્મો હોમી વાડિયાએ દિગ્દર્શિત કરેલી. 1949માં ગુજરાતી ફિલ્મો પણ તેમણે બનાવેલી. તેમની એક ફિલ્મ ‘નૌજવાન’ ગીત વિનાની ફિલ્મ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વિલેમ આઇંથોવન

જ. 21 મે, 1860 અ. 27 સપ્ટેમ્બર, 1927

ડચ ચિકિત્સક અને શરીરક્રિયા વિજ્ઞાની (Physiologist) વિલેમ આઇંથોવનનો જન્મ ઇન્ડોનેશિયામાં જાવાના સેમારંગમાં થયો હતો. તેમને આધુનિક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ(ECG/EKG)ના જનક માનવામાં આવે છે. તેમના પિતા જેકબ આઇંથોવન નેધરલૅન્ડની સેનામાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વિલેમની છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેમનાં માતા બાળકોને લઈને નેધરલૅન્ડ આવીને ઉટ્રેક્ટમાં વસ્યાં. 1885માં તેમણે ઉટ્રેક્ટ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરની પદવી મેળવી. માત્ર 26 વર્ષની વયે તેઓ લીડેન વિશ્વવિદ્યાલયમાં ફિઝિયૉલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યા. લીડેનમાં અધ્યાપન દરમિયાન શરૂઆતમાં તેમણે પ્રકાશિકી, શ્વસન તથા હૃદયને લગતાં સંશોધનકાર્યો કરવા માંડ્યાં. પાછળથી તેમણે હૃદયની ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરની શોધ કરી. સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરનો ઉપયોગ શરૂઆતમાં દરિયાની અંદર પસાર થતા કેબલમાં વિદ્યુત signalને મજબૂત (amplify) બનાવવા કરાતો. વિલેમે વિચાર્યું કે આ તકનીકનો ઉપયોગ હૃદય દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિકલ સંવેદનો માપવા માટે કરી શકાય. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી તેમણે ECGની શોધ કરી. તેમનું કાર્ય આજે પણ હૃદયરોગના નિદાન માટે આધારભૂત ગણાય છે. આજે પણ દુનિયાભરની હૉસ્પિટલોમાં ECG મશીનોનો ઉપયોગ કરાય છે. સમય સાથે ટૅક્નૉલૉજી વિકસિત થતી ગઈ, પરંતુ હજી પણ ECG મશીનો વિલેમ દ્વારા વિકસિત મૂળ સિદ્ધાંતો અને ટૅક્નૉલૉજી અનુસાર કાર્ય કરી રહ્યાં છે. તેમણે હૃદયની વિદ્યુત ગતિવિધિઓને માપવા માટે શરીરનાં અંગો પર ઇલેક્ટ્રોડ લગાડવાની એક પ્રણાલી વિકસિત કરી, જે આઇંથોવન ત્રિકોણ (Einthoven’s Triangle) તરીકે જાણીતી છે. તેમના જીવનકાળ દરમિયાન તેમની ઉપલબ્ધિઓ માટે અનેક સન્માનો પ્રાપ્ત થયાં. 1924માં તેમને ચિકિત્સાક્ષેત્રે અદ્ભુત શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

સિગ્રિડ ઉંસેત

જ. 20 મે, 1882 અ. 10 જૂન, 1949

1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાકાર ઉંસેત સિગ્રિડનો જન્મ ડેનમાર્કમાં પણ ઉછેર નૉર્વેમાં થયો હતો. તેના પિતા પુરાતત્ત્વજ્ઞ હતા, તેઓએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો. સિગ્રિડ 16 વર્ષની હતી ત્યારે  તેના પિતાનું મૃત્યુ થતાં તેને કારકુની કરવી પડી. તેને બીજી બે નાની બહેનોની જવાબદારી લેવી પડી હતી. કુટુંબની પરિસ્થિતિને જોતાં સિગ્રિડને અભ્યાસ પડતો મૂકી 16 વર્ષની ઉંમરે સેક્રેટરીની નોકરી લેવી પડી. આ કામ આનંદદાયક ન હતું, પણ સંજોગોને આધીન થઈ તેણે દસ વર્ષ સુધી નોકરી કરવી પડી. ત્યારબાદ 1907માં નૉર્વેજિયન લેખકના યુનિયનમાં સામેલ થઈ ગઈ. 1907માં તેણે નોંધપોથી રૂપે લખેલ પ્રથમ નવલકથા ‘ફ્રુ માર્થા ઔલી’ પ્રગટ થઈ. 1909માં ‘ધ હેપી એજ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. નવલકથા ‘જેની’(1911)એ તેને સફળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ અપાવી. તેમાં પાત્રો સાથે તાદાત્મ્ય સધાયું હોવાથી પાત્રો જીવંત લાગે છે. 1912માં પ્રગટ થયેલ ‘ધ પુઅર ફેટ્સ’ વાર્તાસંગ્રહમાંની ‘સિમોન્સેન’ વાર્તા નૉર્વેની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણના પામેલી છે. ‘ધ વાઇઝ વર્જિન્સ’ 1918માં પ્રશંસાથી મુક્ત, પ્રેમમાં તૃપ્ત, આત્મબલિદાન આપતી ઉદારચરિત સ્ત્રીઓની વાર્તાઓ છે. તેની મહાન નવલત્રિપુટી ‘ક્રિસ્ટીન લાવાન્સ ડૉટર’માં ચૌદમી અને પંદરમી સદીની કથાઓ છે. લેખિકાએ 1931માં પ્રગટ કરેલ ‘વાઇલ્ડ ઑર્કિડ’ 1905થી 1931નો સમય આલેખતી આધુનિક નવલકથા છે. ત્યારબાદ ‘ગુન્નાર્સ ડૉટર’માં દરિયાખેડુઓનું જીવન છે. ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિગ્રિડના જેવી સફળતા ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થઈ હશે. સિગ્રિડ ઉપદેશક નથી તે જીવનબીજ વાવે છે. તેના નૈસર્ગિક વિકાસમાં જ તેનો જીવનસંદેશ છુપાયેલો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં નૉર્વે પર આક્રમણ થતાં સિગ્રિડ નૉર્વે છોડી અમેરિકા ગઈ. યુદ્ધ બાદ પાછી ફરતાં વતનપ્રેમી પ્રવૃત્તિ અને લેખન માટે ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ સેંટ ઓલાવ’ અર્પણ કરીને 1949માં તેનું સન્માન કર્યું.