Categories
વાચન સમૃદ્ધિ

એમર્સન રાલ્ફ વાલ્ડો

જ. 25 મે, 1803 અ. 27 એપ્રિલ, 1882

અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ એમર્સન રાલ્ફ વાલ્ડોનો જન્મ અમેરિકાના બોસ્ટનમાં થયો હતો. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બોસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી તેમની ફોઈએ તેમની સંભાળ રાખી હતી. તેમણે બૉસ્ટનની પબ્લિક લૅટિન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 18 વર્ષની ઉંમરે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઉપાધિ મેળવી લીધી હતી. બૉસ્ટનની એક શાળામાં ત્રણ વર્ષ સુધી તેઓ શિક્ષક તરીકે રહ્યા હતા. 1825માં 22 વર્ષની વયે હાર્વર્ડની ડિવિનિટી સ્કૂલમાં દાખલ થયેલા. 1829માં પોતે પાદરી બન્યા, પરંતુ મનથી તેઓ જુનવાણી પ્રથાઓનો સ્વીકાર કરી શક્યા નહિ. તેમનાં પત્નીનું અવસાન થતાં 1832માં તેઓ પાદરીપદેથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. 1833માં તેઓ કૉન્કોર્ડમાં વસ્યા. અહીં તેમણે ‘ધ ફિલૉસૉફી ઑવ્ હિસ્ટરી’, ‘હ્યૂમન કલ્ચર’, ‘હ્યૂમન લાઇફ’ અને ‘ધ પ્રેઝન્ટ એજ’ જેવા વિષયો ઉપર રસપ્રદ વ્યાખ્યાનો આપ્યાં. ‘નેચર’ (1836) તેમનું પ્રથમ પ્રકાશન હતું. ‘રોડોરા’, ‘ઝેનોફેનીઝ’, ‘ઇચ ઍન્ડ ઑલ’, ‘ધ સ્નો સ્ટોર્મ’ વગેરે ઊર્મિકાવ્યો કૉન્કોર્ડના વસવાટ દરમિયાન રચાયાં. ‘ધી અમેરિકન સ્કૉલર’ હાર્વર્ડના બૌદ્ધિકોને ઉદ્દેશીને રજૂ થયેલાં વ્યાખ્યાનો છે. ‘એડ્રેસ એટ ડિવિનિટી કૉલેજ’માં ધાર્મિક સંસ્થાઓ અને જિસસના દેવત્વને આડખીલીરૂપ ગણાવ્યાં છે. અગોચર જ્ઞાનને પામવા મથતી તેમની ‘યૂન્સેન્ડેન્ટલ ક્લબ’ યુવકો માટે નવી પ્રેરણાનો સ્રોત્ર બની હતી. ‘યુરિયલ’ બોધકથા નવા સત્યને પામવાની મથામણ દર્શાવે છે. તેમણે ‘ધ ડાયલ’ નામનું સામયિક શરૂ કરેલું. ત્યારપછી તેમણે પોતાના નિબંધો બે ભાગમાં પ્રકાશિત કર્યા. જેમની ખ્યાતિ દેશદેશાવરમાં પ્રસરી હતી. ‘થ્રેનોડી’, ‘પોએમ્સ’ અને ‘મે-ડે’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘રિપ્રેઝન્ટેટિવ મૅન’, ‘ઇંગ્લિશ ટ્રેટ્સ’, ‘ધ કન્ડક્ટર ઑવ્ લાઇફ’, ‘થોરો’, ‘ધ બૉસ્ટન હિમ’, ‘વોલન્ટરિઝ’ તેમની અન્ય કૃતિઓ છે. ‘સોસાયટી ઍન્ડ સૉલિટ્યૂડ’ (1870) તેમની છેલ્લી ગદ્યકૃતિ હતી. તેમના પત્રવ્યવહારમાં 5000 પત્રોનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

કાઝી નઝરુલ ઇસ્લામ

જ. 24 મે, 1899 અ. 29 ઑગસ્ટ, 1976

બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ, લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક અને ફિલ્મ અભિનેતા નઝરુલ ઇસ્લામનો જન્મ બંગાળ પ્રેસિડેન્સીના ચુરુલિયામાં થયો હતો. તેમણે મદરેસામાં કુરાન, હદીસ, ઇસ્લામિક ફિલસૂફી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ ‘લેટોર ડોલ’માં જોડાયા. અભિનય શીખ્યા. નાટકો માટે ગીતો અને કવિતાઓ લખી. તેમણે ‘ચાશા શોંગ’, ‘શેકુનીબોધ’, ‘રાજા યુધિષ્ઠિરેર શોંગ’, ‘દાતા કોર્ણો’, ‘અકબર બાદશાહ’, ‘કોબી કાલિદાસ’ વગેરે લોકનાટકો લખ્યાં. 1917માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની 49મી બંગાળ રેજિમેન્ટમાં જોડાયા. તેમને કરાંચી છાવણીમાં મૂકવામાં આવ્યા. તેમણે ત્યાં પંજાબી મૌલવી પાસેથી પર્શિયન કવિતા શીખી. 1920માં બંગાળ રેજિમેન્ટને વિખેરી નાખતાં કૉલકાતામાં સ્થાયી થયા. 1920માં તેમની પ્રથમ નવલકથા ‘બંધન-હારા’ પ્રકાશિત થઈ. તેમણે ‘ધૂમકેતુ’ નામનું દ્વિ-સાપ્તાહિક સામયિક શરૂ કર્યું હતું. પોલીસે ‘ધૂમકેતુ’ની ઑફિસ પર દરોડા પાડી તેમની ધરપકડ કરી હતી. તેમણે જેલમાં બ્રિટિશ જેલ સુપરિટેન્ડેન્ટના દુર્વ્યવહારના વિરોધમાં 40 દિવસના ઉપવાસ કર્યા હતા. તેમણે જેલવાસ દરમિયાન કવિતાઓ અને ગીતોની રચના કરી હતી. તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા. તેમને ‘બિદ્રોહી કવિ’નું બિરુદ મળ્યું. તેમનાં ગીતો ‘નઝરુલ ગીતી’ તરીકે ઓળખાય છે. તેમણે 500થી વધુ હિંદુ ભક્તિગીતો લખ્યાં છે. તેમની કવિતાનો અંગ્રેજી, સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષાઓમાં અનુવાદ થયો છે. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘ધ્રુવ ભક્ત’ હતી. તેમાં અભિનેતા, ગાયક, સંગીતનિર્દેશક તરીકે કામ કર્યું હતું. તેમનું અવસાન થયું ત્યારે ભારતની સંસદે તેમના માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. બાંગ્લાદેશ સરકારે 1972માં તેમને ‘રાષ્ટ્રીય કવિ’નો દરજ્જો આપ્યો હતો. તેમને 1945માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા ‘જગત્તારિણી સુવર્ણચંદ્રક’ અને 1960માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. તેમને 1974માં ઢાકા યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લિટ. અને 1976માં ‘એકુશે પદક’ એનાયત કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં માર્ગો, યુનિવર્સિટીઓ, કૉલેજો, સંસ્થાઓ, પુસ્તકાલયો, ઍરપૉર્ટ, સ્ટેશન વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીમાં તેમના નામ પર એક ખુરશીનું નામ આપવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

પી. સી. વૈદ્ય

જ. 23 મે, 1918 અ. 12 માર્ચ, 2010

સ્પેસ ટાઇમ જ્યોમેટ્રીના સંશોધનકર્તા, ગણિતજ્ઞ અને આદર્શ શિક્ષક પી. સી. વૈદ્યનો જન્મ જૂનાગઢ તાલુકાના શાપુરમાં થયો હતો. પિતા ચુનિલાલ અને માતા નિર્મળબહેન. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ઉચ્ચશિક્ષણ મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી મેળવ્યું. 1938માં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે બી.એસસી. અને 1940માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે એમ.એસસી.ની પદવી મેળવી. 1942માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત પર સંશોધન કર્યું. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સમીકરણનો ઉકેલ તેમણે આપ્યો. આ ઉકેલ ‘વૈદ્ય ઉકેલ’ તરીકે જાણીતો છે.

તેમણે ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ; એમ.ટી.બી. કૉલેજ, સૂરત; વી. પી. સાયન્સ કૉલેજ, વલ્લભવિદ્યાનગર; એમ. એન. કૉલેજ, વિસનગરમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગણિત વિભાગમાં જોડાયા અને સંશોધન પ્રવૃત્તિને વેગ આપ્યો. તેમણે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી અને ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો હતા. તેઓ વૈદ્ય મેટ્રિક, વૈદ્ય-પટેલ સૉલ્યુશન અને આઇન્સ્ટાઇન ફિલ્ડ ઇક્વેશન્સ માટે જાણીતા હતા. તેમણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા. તેઓ યુજીસીની કમિટી ઑન રિલેટિવિટી ઍન્ડ કૉસ્મોલૉજી, ઇન્ડિયન મૅથેમૅટિકલ સોસાયટી, ઇન્ડિયન ઍસોસિયેશન ફોર રિલેટિવિટી ઍન્ડ ગ્રૅવિટેશન વગેરેના અધ્યક્ષ હતા. તેમણે ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા હતા. તેઓ ખાદી પહેરતા. સાઇકલ પર ગાંધીટોપી પહેરીને નીકળતા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ અને વેડછી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ગુજરાતમાં ગણિત મંડળ શરૂ કર્યું. 1963માં ‘સુગણિતમ્’ અને 1990માં ‘બૉના મૅથમેટિકા’ શરૂ કર્યું. તેમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ચૉક ઍન્ડ ડસ્ટર’, ‘પસ્તીનાં પાનાં’, ‘ગણિતદર્શન’, ‘દશાંશ પદ્ધતિ શા માટે ?’, ‘નવું ગણિત શું છે ?’, ‘દાદાજીની વિજ્ઞાનવાર્તાઓ’ નોંધપાત્ર છે. ગુજરાત સરકારે 1993માં ડૉ. વિક્રમ સારાભાઈ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.