Categories
વાચન સમૃદ્ધિ

વિનાયક સાવરકર

જ. 28 મે, 1883 અ. 27 ફેબ્રુઆરી, 1966

સ્વાતંત્ર્યસેનાની, ક્રાંતિકારી, પ્રખર હિંદુત્વવાદી સમાજસુધારક અને સાહિત્યકાર વિનાયક સાવરકરનો જન્મ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચશિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા. 1904માં મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ વર્ષ એલએલ.બી.ની તથા 1905માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની આર્થિક સહાયથી 1906માં બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયા. 1909માં બાર-ઍટ-લૉની પરીક્ષા પાસ કરી, પરંતુ પદવી ગ્રહણ કરવાની સ્પષ્ટ ના પાડી. પંદર વર્ષની વયે સ્વતંત્રતાની દેવી સમક્ષ દેશની સ્વાધીનતા માટે પ્રાણોની આહુતિ આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. 1900માં નાશિક ખાતે યુવા સંગઠનની રચવાની પહેલ, 1903માં રાષ્ટ્રભક્તિથી અભિભૂત થઈ પ્રથમ કવિતા ‘જ્યોસ્તુતે’ની રચના કરી સાહિત્યસર્જનની શરૂઆત કરી. 1904માં ‘અભિનવ ભારત’ ક્રાંતિ-સંગઠનની સ્થાપનામાં પણ સક્રિય ભાગ લીધો. 1907માં લંડન ખાતે 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઉજવણીમાં ભાગ લીધો. ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના કર્ણધાર જૉસેફ મૅઝિનીના લખેલ ચરિત્રનું પ્રકાશન કર્યું. 1910માં પૅરિસ ખાતે બૉમ્બ બનાવવાની ટૅકનિક જાણવા ગયા પણ ત્યાં ધરપકડ થઈ. ફ્રાન્સના માર્સેઇલ્સ બંદર નજીક જહાજના શૌચાલયમાંથી દરિયામાં છલાંગ મારી અને ડિસેમ્બરમાં ‘કાળાપાણી’ની જન્મટીપની કઠોર શિક્ષા ભોગવી. તેમને આંદામાનની સેલ્યુલર જેલની એકલ કોટડીમાં ગોંધી રાખી ઘાણી ચલાવવા જેવી કઠોર શારીરિક શ્રમની સજા કરી. કેદીઓ પરના જુલમોનો વિરોધ કરવા ભૂખહડતાળ અને સામૂહિક પ્રદર્શન ચાલુ રાખ્યાં. મરાઠીમાં રચેલું ‘કમલા’ મહાકાવ્યનું નિર્માણ ખીલી જેવી અણીદાર વસ્તુથી જેલની કોટડીની ભીંત પર કોતર્યું હતું. લગભગ એક વર્ષ સુધી બંગાળની અલિપુર જેલ તથા મુંબઈની રત્નાગિરિ જેલમાં પૂરવામાં આવ્યા. થોડો સમય પુણેની યરવડા જેલમાં પણ રાખવામાં આવ્યા. 1924ના જાન્યુઆરીમાં રાજકારણમાં ભાગ નહીં લેવાની તથા રત્નાગિરિ જિલ્લાની સરહદની બહાર ન જવાની શરતે છોડવામાં આવ્યા. 1970માં તેમની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. 2002માં પૉર્ટ બ્લેર ઍરપૉર્ટને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ’ જાહેર કરવામાં આવ્યું. 2003માં ભારતીય સંસદમાં તેમનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણદેવ મુલગુંડ

જ. 27 મે, 1913 અ. 11 મે, 2004

પ્રખ્યાત મરાઠી નર્તક, કૉરિયૉગ્રાફર અને કૉસ્ચ્યુમ ડિઝાઇનર કૃષ્ણદેવ મુલગુંડનો જન્મ નાશિકમાં થયો હતો, જ્યાં તેમનું બાળપણ વીત્યું. 21 વર્ષની ઉંમરે, તેઓ ફાઇન આર્ટસનો અભ્યાસ કરવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા. તેમણે ક્યારેય ઔપચારિક રીતે નૃત્યનો અભ્યાસ કર્યો ન હતો, પરંતુ આ સમય દરમિયાન તેઓ મુંબઈના ઓપન થિયેટર્સમાં અવારનવાર જવા માંડ્યા. ભારતીય શાસ્ત્રીય નર્તક ઉદય શંકરને નૃત્ય કરતા જોવાનો લ્હાવો તેમના જીવનની એક નિર્ણાયક ઘડી હતી. ઉદય શંકરનું નૃત્ય જોવા માટે ટિકિટ લેવાના પૈસા ન હોવાને કારણે તેમણે પોતાના રંગો અને બ્રશ વેચી ટિકિટ લીધી. નૃત્ય જોઈને તેઓ એટલા  અભિભૂત થઈ ગયા કે દરવાનને થોડા આનાની લાંચ આપી, ઉદય શંકરને મળ્યા. તેમને પોતાની કથની વર્ણવી અને ઉદય શંકરે મુલગુંડ તેમના બધા જ શો વિના મૂલ્યે જોઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી. સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી સ્નાતક થયા પછી, તેઓ પુણે આવ્યા. અહીં તેઓ રેણુકા સ્વરૂપ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. ત્યાં તેમણે લોકનૃત્ય શીખવવાનું શરૂ કર્યું. પુણેમાં બાળકોના રંગભૂમિ અને બાળનાટ્યનો વિચાર વિકસાવ્યો. તે સમયે રોહિણી હટ્ટંગડી અને સ્મિતા પાટિલ જેવાં કુશળ મરાઠી કલાકારો પણ શરૂઆતના દિવસોમાં તાલીમ માટે તેમની પાસે આવતાં હતાં. તેમણે મુલગુંડના બાળનાટક ‘મંત્રેલું પાણી’માં અભિનય પણ કર્યો હતો. નાટકો લખવાની સાથે, તેઓ ફિલ્મો માટે કૉરિયૉગ્રાફી અને કૉસ્ચ્યુમ ડિઝાઇન પણ કરતા હતા. ‘ઘાસીરામ કોટવાલ’માં પણ તેમનું મહત્ત્વનું યોગદાન હતું. મુલગુંડે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત નાટક બાબાસાહેબ પુરંદરેના ‘જાણતા રાજા’નું પણ કૉરિયૉગ્રાફ કર્યું હતું. તેમણે સમર્થ રામદાસના કાર્ય પર આધારિત ‘આનંદ વન ભુવાની’માં પણ કામ કર્યું હતું. કલા અને નૃત્યક્ષેત્રે મુલગુંડના યોગદાનને બિરદાવતાં તેમને કલાછાયા ઍવૉર્ડ, કલાગૌરવ ઍવૉર્ડ અને અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ નાયક

જ. 26 મે, 1901 અ. 29 મે, 1994

સ્વાતંત્ર્યસેનાની અને પંચમહાલના આદિવાસીઓના નિઃસ્પૃહી સેવક ડાહ્યાભાઈ નાયકનો જન્મ સૂરત જિલ્લાના ભાંડુતમાં મધ્ય પરિવારમાં થયો હતો. ડુમ્મસ અને ધરમપુરમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો. 1920માં અસહકારની ચળવળ સમયે કૉલેજ છોડી, ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1922માં ઝાલોદ તાલુકાના જંગલમાં આવેલ મીરાંખેડીમાં ભીલ બાળકોના આશ્રમમાં સંચાલક તરીકે કાર્ય કર્યું. 1923માં મીરાંખેડીમાં સહકારી ક્રૅડિટ સોસાયટી સ્થાપી. 1934 પછી ભીલ સેવા મંડળના મંત્રી તરીકે દાહોદ ગયા. પંચમહાલ જિલ્લા ગ્રામવિકાસ મંડળ અને જિલ્લા લોકલ બોર્ડનું સંચાલન કર્યું. 1939માં દાહોદમાં ભીલ કન્યા આશ્રમ તથા ઝાલોદમાં શબરી કન્યા આશ્રમ શરૂ કર્યા. આ ઉપરાંત સર્વોદય યોજના હેઠળ સેંકડો કૂવા ખોદાવ્યા, સુધારેલું બિયારણ, મરઘા ઉછેર કેન્દ્ર, પશુસુધારણા, ખાદીવણાટ વગેરે પ્રવૃત્તિઓ, 25 શાળાઓ અને પાંચ બાલવાડીઓ શરૂ કરાવી. દુષ્કાળનાં વર્ષોમાં રાહતકાર્યો શરૂ કરાવ્યાં. પંચમહાલ જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ તથા મુંબઈ રાજ્યના પછાતવર્ગ બોર્ડ, વિભાગીય વિકાસ કાઉન્સિલ વગેરેની મહત્ત્વની સમિતિઓના સભ્ય તરીકે ઉમદા સેવા કરી. દેશી રાજ્યોનાં વિલીનીકરણ બાદ આદિવાસીઓ તથા દલિતોના વિકાસ માટે યોજના બનાવી જેમાં 18 આશ્રમશાળાઓ, 22 આશ્રમો, 22 બાળવાડીઓ, 11 માધ્યમિક શાળાઓ, મહિલા અધ્યયન મંદિર, મહિલા તાલીમ કેન્દ્રો, દાઇ કેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે. 1955માં પંચમહાલ જિલ્લા સહકારી બૅન્કની સ્થાપના થઈ તેમાં અધ્યક્ષ રહ્યા. 1964માં જિલ્લા વિકાસ સંઘની રચના કરી. ખાદીવણાટ અને સૂતર-ઉત્પાદનની સંસ્થા શરૂ કરી. આ દરમિયાન દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા બદલ ત્રણ વાર જેલવાસ પણ ભોગવ્યો. 1977થી 1986 સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે યશસ્વી સેવા બજાવી. ભારત સરકારે 1960માં તેમને પદ્મશ્રીનો ઍવૉર્ડ એનાયત કર્યો હતો.