Categories
વાચન સમૃદ્ધિ

દેવેન્દ્રનાથ ટાગોર

જ. 15 મે, 1817 અ. 19 જાન્યુઆરી, 1905

દેશપ્રેમી, ધર્મસુધારક અને તત્ત્વચિંતક દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા દ્વારકાનાથ અને માતા દિગંબરી દેવી. સાત વર્ષ ઘરે અને પછી હિંદુ કૉલેજમાં અભ્યાસ કર્યો. 18 વર્ષની ઉંમરે દાદીમાના મૃત્યુ સમયે તેમને રહસ્યપૂર્ણ અનુભવ થયો એ પછી તેઓ આધ્યાત્મિક માર્ગે વળ્યા. તેઓ રાજા રામમોહન રાય અને કેશવચન્દ્ર સેનના સંપર્કમાં આવ્યા. તેમણે મૂર્તિપૂજા અને સતીપ્રથાનો વિરોધ કર્યો. તેમણે 1832માં ‘સર્વ તત્ત્વદીપિકા સભા’ નામની સંસ્થાની સ્થાપના કરી. 1939માં ‘તત્ત્વબોધિની સભા’ની સ્થાપના કરી અને તેના મંત્રી બન્યા. તેમણે 1846માં ‘હિંદુ હિતાર્થી વિદ્યાલય’ની અને 1851માં ‘ધ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના કરી. તેમણે પંડિતોની મદદ લઈ ‘બ્રહ્મોધર્મ’ ગ્રંથ તૈયાર કર્યો. 1843માં ‘હિંદુ થિયૉફિલૅન્થ્રૉપિક સોસાયટી’માં જોડાયા. તેમણે બોલપુરમાં ‘બ્રહ્મચર્યાશ્રમ’ની સ્થાપના કરી. તેમના પુત્ર રવીન્દ્રનાથ ટાગોરે ત્યાં શાંતિનિકેતનની સ્થાપના કરી. તેઓ ભારતીય સંસ્કૃતિના પક્ષધર હતા. તેમણે ‘તત્ત્વબોધિની પત્રિકા’ પ્રકાશિત કરી હતી. તેઓ મહર્ષિ તરીકે જાણીતા હતા. ‘બ્રહ્મોધર્મ’ અને ‘આત્મત્તતો વિદ્યા’, ‘જ્ઞાન ઓ ધર્મેર ઉન્નતિ’, ‘પોરોલો ઓ મુક્તિ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના ‘બ્રહ્મોધર્મ’ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમણે ગરીબ ગ્રામજનોના ચોકીદારી કરને માફ કરવા માટે અને ભારતને સ્વતંત્ર કરવાની માગ કરતો બ્રિટિશ સંસદને પત્ર લખ્યો હતો. તેઓ બાળલગ્ન અને બહુપત્નીત્વના વિરોધી હતા. તેમણે વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

મૃણાલ સેન

જ. 14 મે, 1923 અ. 30 ડિસેમ્બર, 2018

ભારતના હિન્દી તથા બંગાળી સિનેમાના નિર્માતા, નિર્દેશક તથા પટકથાલેખક મૃણાલસેનનો જન્મ ફરીદપુરમાં થયો હતો. શાળાકીય શિક્ષણ ફરીદપુરમાં લીધા બાદ તેઓ કૉલકાતા ગયા જ્યાં સ્કૉટિશ ચર્ચ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન ફિલ્મના સૌંદર્યશાસ્ત્ર પર આધારિત એક પુસ્તક એમને પ્રાપ્ત થયું. જેના કારણે મૃણાલ સેનની સિનેમા પ્રત્યેની રુચિ વધી તથા સિનેમા પ્રત્યે સંપૂર્ણ સૌંદર્યલક્ષી અભિગમ કેળવાયો. અભ્યાસ પૂરો કર્યા પછી શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવની નોકરી સ્વીકારી, પરંતુ કલાના જીવનને એ કામ શુષ્ક તથા બોજ સમાન લાગ્યું. એ નોકરીને તિલાંજલી આપીને તેઓ કૉલકાતા પરત ફર્યા. ફિલ્મ સ્ટુડિયોમાં ધ્વનિ ટૅકનિશિયનનું કામ સ્વીકાર્યું. જે પાછળથી સ્વતંત્ર નિર્માણ નિર્દેશન વખતે પણ કામ લાગ્યું. 1955માં ‘રાત ભોર’ પ્રથમ ફિલ્મનું નિર્દેશન કર્યું. ત્યારબાદ ‘નીલ આકાશેર નીચે’ દ્વારા એમની એક આગવી ઓળખ બની. ત્રીજી ફિલ્મ ‘બાઇશે શ્રાવણ’ દ્વારા એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. ‘ભૂવનશોમ’, ‘ખંડહર’, ‘એક દિન અચાનક’, ‘કોરા કાગઝ’, ‘અકાલ કે સંધાન’, ‘મૃગિયા’  જેવી અનેક ફિલ્મોના નિર્દેશન દ્વારા કલાજગતને એમણે ખૂબ મોટી ભેટ આપી છે. 2003માં ‘આમાર ભૂવન’નું નિર્દેશન નિર્માણ એ મૃણાલ સેનનું અંતિમ સર્જન હતું. તેમની કારકિર્દી દરમિયાન તેમની ફિલ્મોને કાન્સ, બર્લિન, વેનિસ, મૉસ્કો, કાર્લોવી, મોન્ટ્રિયલ, શિકાગો અને કૈરો સહિત લગભગ તમામ ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ફિલ્મફેર તથા રાષ્ટ્રીય પુરસ્કારોની સાથે 2003માં એમને ‘દાદાસાહેબ ફાળકે’ના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1983માં ભારત સરકાર દ્વારા સિનેમાજગતમાં યોગદાન બદલ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૃણાલ સેનની ફિલ્મો દર્શકોના આત્માને જગાડીને વિચારતા કરી મૂકતી હતી. યથાર્થવાદી, રાજનીતિક તથા પ્રયોગવાદી સિનેમાનું સર્જન એ એમની ઓળખ હતી. બંગાળી સમાંતર સિનેમાના રાજદૂત તરીકે એમને ઓળખવામાં આવતા. 95 વર્ષની વયે હૃદયરોગના હુમલામાં એમનું કૉલકાતા ખાતે અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

અરુણા દેસાઈ

જ. 13 મે, 1924 અ. 16 ફેબ્રુઆરી, 2007

મહિલાઓનાં સ્વાતંત્ર્ય અને રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા અરુણાબહેનનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક બન્યાં હતાં. માત્ર ત્રણ વર્ષની વયે માતાનું અવસાન થતાં ફોઈ પુષ્પાબહેનની છત્રછાયામાં ઉછેર થયો. પુષ્પાબહેન ગુજરાતનાં સુપ્રસિદ્ધ સમાજસેવિકા હતાં. અરુણાબહેનને પુષ્પાબહેન પાસેથી બાળપણથી જ જીવનઘડતરના પાઠ શીખવા મળ્યા અને તેમણે આજીવન સમાજસેવાનો ભેખ લઈ લીધો. પુષ્પાબહેનના વિકાસગૃહનાં કાર્યોમાં મદદ કરતાં. તેઓ સ્વાતંત્ર્યચળવળમાં પણ પુષ્પાબહેનની પ્રવૃત્તિઓમાં સહકાર આપતાં. 1945માં પુષ્પાબહેને વઢવાણમાં સ્થાપેલા વિકાસ વિદ્યાલયમાં સમાજસેવાની જવાબદારી અરુણાબહેને ઉપાડી લીધી હતી. અહીં અનાથ નિરાધાર બાળકો, ત્યક્તાઓ, વિધવાઓ, તિરસ્કૃત સ્ત્રીઓને આશ્રય અપાતો. તેઓ વઢવાણની ભૂમિ પર બાળકો ભણીગણીને પોતાના પગ પર ઊભા રહી સ્વતંત્ર રીતે જીવન જીવી શકે તે માટે પ્રયત્નશીલ હતાં. આવી બાળાઓનું ખૂબ સુંદર જીવનઘડતર કરતાં. સમાજસેવા અને સ્ત્રીઉન્નતિ સાથે તેના પાયા સમી આર્થિક વિકાસની સમસ્યાને હલ કરવા ખૂબ પરિશ્રમ કર્યો. અરુણાબહેનના કઠિન પરિશ્રમને કારણે વિકાસ વિદ્યાલય આજે એક મોટું સેવાશ્રમ બની રહ્યું છે. આ સંસ્થાની ઘણી શાખાઓ ગુજરાતમાં સ્થપાઈ છે. વઢવાણની ધરતી પરથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી તેમનાં સત્કાર્યોની સુવાસ પહોંચી. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા, જેમાં મુખ્યત્વે 1981માં બાલકલ્યાણક્ષેત્રે રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર, 1989માં મહિલા સુરક્ષા પુરસ્કાર, 2002માં રાજીવ ગાંધી માનવસેવા પુરસ્કાર અને 2005માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ ફોર ડેવલપમેન્ટ ઍન્ડ વેલ્ફેર ઑવ્ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન ઍવૉર્ડનો સમાવેશ થાય છે.