Categories
વાચન સમૃદ્ધિ

રવીન્દ્રનાથ ટાગોર

જ. 7 મે, 1861 અ. 7 ઑગસ્ટ, 1941

આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નવલકથાકાર, સમાજસુધારક, ચિત્રકાર અને સંગીત રચયિતા. જ્યારે 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો ત્યારે આ નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. મૂળ અટક ઠાકુર. જન્મ કૉલકાતામાં જોડાસાંકાની ઠાકુરવાડીમાં. સાતમે વર્ષે બ્રિટિશ પરંપરાની નૉર્મલ સ્કૂલમાં ભણવા મૂક્યા પણ ત્યાં ફાવ્યું નહિ તેથી ઘેર રહીને જ અભ્યાસ કર્યો. 1878માં મોટા ભાઈ સત્યેન્દ્રનાથ સાથે ઇંગ્લૅન્ડ ભણવા ગયા, પણ 17 મહિના બાદ કોઈ ડિગ્રી મેળવ્યા વગર જ ભારત પાછા આવ્યા. જોકે ત્યાં તેમણે ‘ભગ્નહૃદય’ નામે ગીતિનાટ્ય લખવાનું શરૂ કરેલું. ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા બાદ એક આધ્યાત્મિક અનુભવ થવાને પરિણામે ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ કવિતા રચી. 1910માં ઈશ્વરને અર્ઘ્ય રૂપે ‘ગીતાંજલિ’ની રચના કરી. તેમણે બંગભંગઆંદોલનમાં સક્રિય ભાગ લીધો, પણ રાજકારણ અનુકૂળ ન આવતાં પાછા શાંતિનિકેતનમાં શિક્ષણ અને સાહિત્યની સાધનામાં લાગી ગયા. તેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમનાં લખાણનાં બે ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગાન અનુક્રમે ‘અમાર સોનાર બાંગલા’ અને ‘જન ગણ મન’ સૌ માટે જીવનભરનાં સંભારણાં સમાં બની રહ્યાં. નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત ‘ગીતાંજલિ’નો અંગ્રેજી, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં અનુવાદ થયો. 1914માં બ્રિટિશ સરકારે ટાગોરને ‘સર’નો ઇલકાબ આપી નવાજ્યા પણ 1919માં જલિયાંવાલા હત્યાકાંડથી વ્યગ્ર થયેલા તેમણે તે ઇલકાબ પાછો મોકલ્યો. 1921માં ડિસેમ્બરની 23મી તારીખે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની સ્થાપના કરી અને બીજે વર્ષે શ્રીનિકેતનની શરૂઆત કરી. 1940માં 7મી ઑગસ્ટે ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ટાગોરને ‘ડૉક્ટરેટ’ની માનાર્હ ઉપાધિ પ્રદાન કરી. જીવનના આખરી દિવસોમાં ‘છેલે બૅલા’નામે પુસ્તકમાં કવિએ બચપણની સ્મૃતિઓ આલેખી છે. ટાગોરે ટૂંકી વાર્તાઓ, કિશોરવાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને ગીતિનાટ્યની રચના કરી છે. તેમણે 49 જેટલા કાવ્યસંગ્રહોમાં હજાર જેટલાં કાવ્યો અને બે હજાર જેટલાં ગીતો કવિએ આપ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સિગમન્ડ ફ્રૉઇડ

જ. 6 મે, 1856 અ. 23 સપ્ટેમ્બર, 1939

મનોવિશ્લેષણ વિચારધારાના પ્રણેતા તરીકે જગતભરમાં ખ્યાતિ પામેલા મનોવિજ્ઞાની સિગમન્ડનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. ચાર વર્ષની વયે તેઓ પરિવાર સાથે વિયેના આવ્યા. ત્યાં તેમનું બાળપણ ઘરની આર્થિક તંગી તથા વિકટ સંજોગોમાં પસાર થયું. પાંચ વર્ષની વયે તેઓ શાળામાં દાખલ થયા, ભણવામાં મોખરે રહ્યા. તેઓએ રમવાની ઉંમરમાં સતત અભ્યાસ, વાચન અને પરિશ્રમમાંથી આનંદ લેવાનું વલણ વિકસાવ્યું. 17 વર્ષની વયે તેઓએ ઉજ્જ્વળ સફળતા સાથે શાળાનું શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ તેમણે તબીબી વિદ્યાનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. 1873માં તેમણે વિયેના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, તેઓનો મુખ્ય વિષય તબીબી વિદ્યા હોવા છતાં તેમની શૈક્ષણિક અભિરુચિનું ક્ષેત્ર ખૂબ વ્યાપક રહ્યું. 1876માં તેઓએ સંશોધનના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. તેમણે 1885માં મજ્જાકીય રોગો વિશેનાં તેમનાં સંશોધનો અને નિરીક્ષણોને આધારે ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ત્યારબાદ તેઓ મજ્જાવિકૃતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેઓએ ‘સ્ટડીઝ ઑવ્ હિસ્ટેરિયા’ પર પુસ્તક લખ્યું છે. સમગ્ર જીવન દરમિયાન ફ્રૉઇડે ઘણાં બધાં પુસ્તકો, લેખો, સંશોધન-અહેવાલો લખ્યાં છે. તેમના અચેતન મનના સિદ્ધાંતે વિચારકો અને વૈજ્ઞાનિકોમાં ખળભળાટ મચાવેલો. છેલ્લાં સો વર્ષમાં વૈચારિક ક્રાન્તિમાં વિશિષ્ટ પ્રભાવ પાડનારાઓમાં ફ્રૉઇડનું સ્થાન મોખરે રહ્યું. તેના વિચારો અને સિદ્ધાંતોનો પ્રભાવ ચિકિત્સાક્ષેત્રે અને સંશોધનક્ષેત્રે બહુ જ પ્રબળ અને વ્યાપક બન્યો. તે ઉપરાંત રોજિંદા જીવનને સમજવામાં, સાહિત્ય-કળાઓને મૂલવવામાં, ધર્મનાં રહસ્યો સમજવામાં અને સાંસ્કૃતિક ઘટનાઓ સમજવા સુધી તેનો વ્યાપ વધતો ગયો. જિંદગીનાં છેલ્લાં 16 વર્ષ તેઓ વિકટ પરિસ્થિતિમાં જીવ્યા. 1938માં નાઝી ઉગ્રવાદીઓને કારણે તેમને ઑસ્ટ્રિયા છોડવું પડ્યું અને લંડન સ્થાયી થયા. ત્યાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત રઘુનાથ મુર્મૂ

જ. 5 મે, 1905 અ. 1 ફેબ્રુઆરી, 1982

ઓલ ચીકી લિપિને વિકસિત કરનાર લેખક રઘુનાથ મુર્મૂનો જન્મ ઓડિશાના ડાંડબુસ ગામમાં થયો હતો. પિતા નંદલાલ અને માતા સલમા. તેમનું બાળપણનું નામ ચુનુ મુર્મૂ હતું. તેમણે શાળેય શિક્ષણ ગાંબરિયા યુ. પી. સ્કૂલ અને બહલદા પ્રાથમિક શાળામાં મેળવ્યું. 1928માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. તેમણે બારીપાડા પાવરહાઉસમાં નોકરી શરૂ કરી. પછી ઔદ્યોગિક તાલીમ માટે સેરામપોર મોકલવામાં આવ્યા. તેઓ બારીપાડા ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે જોડાયા. 1933માં બદામતલિયા પ્રાથમિક શાળામાં જોડાયા. શિક્ષણકાર્ય દરમિયાન તેમને સંથાલી સાહિત્યમાં રસ જાગ્યો. સંથાલી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે એક અલગ લિપિની આવશ્યકતા જણાઈ. તેમણે એ માટે ઓલ ચીકી લિપિ વિકસાવી. ઓલ ચીકી લિપિમાં ‘હોર સેરેંજ’ તેમનું પહેલું પુસ્તક હતું જે 1936માં પ્રકાશિત થયું હતું. 1942માં પહેલું નાટક ‘બિદુ ચંદન’ પ્રકાશિત થયું. તેમણે ઓલ ચીકી માટે ‘પારસી પોહા’, ‘પારસી ઈતુન’, ‘રણારહ’, ‘અલખા’ વગેરે પુસ્તકો લખ્યાં. ‘દાડે ગે ધોન’, ‘સિદ્ધુ-કાન્હૂ’, ‘ખેરવાડ બીર’ તેમનાં જાણીતા પુસ્તકો છે. તેમણે વ્યાકરણ, કવિતા, નાટક, નવલકથાનાં 150થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમના માર્ગદર્શનમાં સંતાલી સાહિત્યનો વ્યાપ વધારવા માટે ‘સાગેન સકમ’ સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. તેમણે બાબા તિલક માઝી પુસ્તકાલય શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1953માં આદિવાસી સાંસ્કૃતિક સંગઠન નામની સંસ્થા શરૂ કરી. આજે એનું નામ આદિવાસી સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંગઠન છે. તેમના વિશિષ્ટ યોગદાન બદલ રાંચી યુનિવર્સિટી અને ઘુમકુરિયા સંસ્થાએ તેમને ડી.લિટ.ની પદવી આપી હતી. મયૂરભંજ આદિવાસી મહાસભાએ ‘ગુરુ ગોમકે’ની પદવી આપી હતી. ઊડિયા સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારે કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.