Categories
વાચન સમૃદ્ધિ

રાધાબાઈ સુબારાયણ

જ. 22 એપ્રિલ, 1891 અ. 1 જાન્યુઆરી, 1960

ભારતનાં પ્રથમ મહિલાસાંસદ. રાધાબાઈનો જન્મ મેંગ્લોર, કર્ણાટકમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મેંગ્લોરની જ એક શાળામાં પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ મદ્રાસ(ચેન્નાઈ)ની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયાં. પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડની સમરવિલે કૉલેજમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. તેઓ અખિલ ભારતીય મહિલા સંમેલનનાં સભ્ય બન્યાં અને તેમાં કાર્યરત રહ્યાં. 1930માં બેગમ શાહનવાઝ સાથે તેઓએ લંડનમાં પ્રથમ ગોળમેજી સંમેલનમાં ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વળી દ્વિતીય ગોળમેજી સંમેલનમાં પણ ભાગ લીધો અને મહિલાઓ માટે પાંચ પ્રતિશત આરક્ષણની માંગ પણ કરી હતી. 1937માં તેઓ જનરલ બેઠક પરથી કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઇચ્છતાં હતાં, પણ મદ્રાસ પ્રોવિન્શિયલ રિસેપ્શન સમિતિના અધ્યક્ષે તેમને સમર્થન ના આપ્યું. તેમણે સી. રાજગોપાલાચારી પાસે પણ પોતાનો પક્ષ રાખ્યો, પણ તેમને સફળતા ન મળી. જોકે 1938માં તેમણે ચૂંટણીમાં ભાગ લીધો અને નિર્વિવાદ રાજ્ય પરિષદમાં ચૂંટાઈ આવ્યાં હતાં. આમ તેઓ ભારતનાં પ્રથમ મહિલાસાંસદ બન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

નંદશંકર મહેતા

જ. 21 એપ્રિલ, 1835 અ. 17 જુલાઈ, 1905

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ના લેખક નંદશંકર મહેતાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા તુળજાશંકર અને માતા ગંગાલક્ષ્મી. બાળપણ મોસાળ ઓલપાડમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો અને એ જ શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1958માં તેઓ પહેલા ભારતીય હેડમાસ્ટર બન્યા. એ પછી સૂરતની શિક્ષક તાલીમ કૉલેજના આચાર્ય તરીકે જોડાયા અને 1867 સુધી કાર્ય કર્યું. તેમણે લાઇસન્સ ટૅક્સ ખાતામાં અને મુલકી ખાતામાં કામ કર્યું. તેઓ અંકલેશ્વરના મામલતદાર બન્યા. 1880થી 1883 સુધી કચ્છ રાજ્યના દીવાન અને 1883માં ગોધરામાં આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ થયા. તેઓ નાંદોદમાં આસિસ્ટન્ટ ઍડમિનિસ્ટ્રેટર અને ચીફ રેવન્યૂ ઑફિસર હતા. સૂરત મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ સમાજસુધારક હતા. તેઓ વિધવા પુનર્લગ્ન, સ્ત્રીશિક્ષણ માટે તેમજ વિદેશયાત્રા પર પ્રતિબંધ નાબૂદી માટે સતત પ્રયત્ન કરતા હતા. તેમણે અસ્પૃશ્યતાનો પણ વિરોધ કર્યો હતો. દુર્ગારામ મહેતા, દલપતરામ તથા અન્ય સાથીદારો સાથે ‘માનવધર્મની સભા’ની સ્થાપના કરી. તેઓ ‘બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય હતા. 1890માં નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ સામાજિક સંગઠનોમાં કામ કર્યું હતું. તેમણે એકમાત્ર નવલકથા ‘કરણઘેલો’ લખી. આર. જી. ભંડારકરના ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખો લખ્યા હતા. તેમના પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તેઓ હંસા જીવરાજ મહેતાના દાદા હતા. 1877માં તેમને રાવબહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

જુથિકા રૉય

જ. 20 એપ્રિલ, 1920 અ. 5 ફેબ્રુઆરી, 2014

અત્યંત મધુર અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા જુથિકા રૉયનો જન્મ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં થયો હતો. ખૂબ નાની વયથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ ઉર્ફે ‘કાઝીદા’ જુથિકા રૉયના માર્ગદર્શક અને પથપ્રદર્શક હતા. તેમની દોરવણી હેઠળ જુથિકાનું પ્રથમ આલબમ બહાર પડ્યું હતું. તે સિવાય બંગાળી સંગીતનિર્દેશક કમલ દાસગુપ્તાના સંગીત હેઠળ પણ તેમણે સુંદર ગીતો ગાયાં છે. 1934-1961ના લગભગ ત્રણ દાયકામાં જુથિકાએ ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા આશરે 225 અને બંગાળી ગીતોની સંખ્યા આશરે 140 જેટલી છે. બંગાળી અને હિંદી ભાષાનાં ભજનો ઉપરાંત તેમણે ઉર્દૂ અને તમિળ ભાષામાં પણ થોડાંક ગીતો ગાયાં છે. ભજન અને ગીતો ઉપરાંત તેમણે કવ્વાલી પણ રજૂ કરેલ છે. મીરાંનાં ભજનો ગાવામાં તે વિશેષ ખ્યાતિ ધરાવે છે. મીરાંનાં ભજનોની વિશિષ્ટ પ્રકારની ગાયકીને કારણે જુથિકા રૉય તેમના પ્રશંસકોમાં ‘આધુનિક મીરાં’ના ઉપનામથી જાણીતાં બન્યાં છે. મીરાંબાઈનાં ભજનો ઉપરાંત જુથિકાએ સંત તુલસીદાસ, સંત સૂરદાસ અને સંત કબીર જેવા સંતકવિઓની રચનાઓને પણ પોતાનો કંઠ આપ્યો છે. તેમણે થોડાંક ફિલ્મી ગીતો ગાયાં છે, તેમ છતાં ભજનગાયિકા તરીકે તેમની પ્રતિષ્ઠા વધારે ઊંચી છે. તેમના પ્રશંસકોમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને સત્ય સાંઈબાબા જેવાનાં નામ મોખરે મૂકી શકાય. 15 ઑગસ્ટ, 1947ના રોજ તીનમૂર્તિ ભવનના પોતાના શાસકીય નિવાસથી લાલ કિલ્લા સુધી રાષ્ટ્રને સંબોધવા જવા માટે પંડિત નહેરુ પસાર થતા હતા તે જ સમયે આકાશવાણી પરનું જુથિકાનું ગાયન પૂરું થયું હતું, પરંતુ પંડિતજીના સૂચનથી જુથિકા તરત જ આકાશવાણી કેન્દ્ર પાછાં ફર્યાં હતાં અને પંડિતજી લાલ કિલ્લા પર પહોંચે ત્યાં સુધી ભક્તિસંગીત ચાલુ રાખ્યું હતું. ગાંધીજી કોમી એખલાસ અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે નોઆખલીનો પ્રવાસ ખેડતા હતા ત્યારે બેલઘાટ ખાતેના તેમના રોકાણ દરમિયાન ગાંધીજીના આગ્રહથી જુથિકાએ તેમને પાંચથી છ ભજન સંભળાવ્યાં હતાં. 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રી ઇલકાબથી સન્માન્યાં હતાં.