Categories
વાચન સમૃદ્ધિ

વિમલાતાઈ ઠકાર

જ. 25 એપ્રિલ, 1921 અ. 11 માર્ચ, 2009

અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક અને સંનિષ્ઠ જીવનસાધક વિમલાતાઈ ઠકારનો જન્મ રામનવમીના દિવસે, મહારાષ્ટ્રમાં થયો હતો. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. પિતાની તેજસ્વિતાનો વારસો પુત્રી વિમલામાં પણ ઊતર્યો હતો. નાનાના પરિવારમાં સત્સંગનું વાતાવરણ હતું. તેમની પાસેથી વિમલાતાઈએ નાનપણથી જ સ્વાશ્રય, પરિશ્રમ, સચ્ચાઈ અને વ્યવહારશુદ્ધિના સંસ્કાર લીધા. પાંચ વર્ષની વયથી જ ઈશ્વરની ખોજ શરૂ થઈ અને ચૌદ વર્ષની વયે સંન્યાસ લેવાની પ્રતિજ્ઞા કરી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. અને ત્યાંની જ મોરિસ કૉલેજમાંથી દર્શનના વિષય સાથે એમ.એ.ની પદવી સર્વોચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરી. કૉલેજમાં ભણતાં હતાં ત્યારે અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑવ્ યૂથ’માં દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ યંગ વિમેન’ની વૈશ્વિક પરિષદમાં પણ ભાગ લીધો હતો. યુનેસ્કો દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવા પરિષદમાં પણ સક્રિય ભાગ લીધો હતો. નાગપુરમાં ભણતાં હતાં ત્યારથી દાદા ધર્માધિકારીના અંગત પરિચયમાં આવ્યાં અને તેમની સાથે સર્વોદય સંમેલનમાં હાજરી આપી. વિનોબા ભાવેના ‘ભૂદાન’ આંદોલનમાં ચૌદ વર્ષ સુધી સક્રિય ભાગ લીધો. દેશમાં કટોકટીનો વિરોધ કરનારાંઓમાં વિમલાતાઈ પણ જયપ્રકાશ નારાયણ સાથે મોખરે હતાં. તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણ, અર્થકારણ અને સમાજકારણનાં પ્રખર હિમાયતી હતાં. તે ઉપરાંત તેઓ ‘અનાગ્રહી ચિત્ત’ તથા ‘સંસારમુક્ત ચેતના’નાં પુરસ્કર્તા હતાં. વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરેલી નથી કે અનુયાયીઓના કોઈ વર્ગને માળખાકીય માન્યતા આપેલી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં પોતાનો સમય પસાર કરતાં હતાં. તેમના માર્ગદર્શન હેઠળ જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ત્રણ એકમોની નિશ્રામાં ચાલતી હતી : ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન. તેમના વિચારો પર પ્રકાશ પાડતા ગ્રંથોમાં 91 અંગ્રેજી ભાષામાં, 123 ગુજરાતીમાં, 46 હિંદીમાં અને 27 મરાઠીમાં પ્રકાશિત થયા છે. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

એસ. એફ. નાડેલ

જ. 24 એપ્રિલ, 1903 અ. 14 જાન્યુઆરી, 1956

પ્રસિદ્ધ માનવશાસ્ત્રી એસ. એફ. નાડેલનો જન્મ તેમજ ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમણે વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી, પરંતુ તેમને શરૂઆતમાં સંગીત પ્રત્યે ઊંડી રુચિ હતી. તેમણે ઑપેરા સંગીત મંડળી પણ સ્થાપી હતી. નાડેલે સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક લખ્યું છે. તેમણે સંગીતના કેટલાક કાર્યક્રમો પણ આપ્યા હતા. 1930માં આફ્રિકામાં વાસ્તવિક રીતે માનવશાસ્ત્રમાં ક્ષેત્રકાર્ય દ્વારા પ્રવેશ કર્યો હતો. તેમણે Nupe જાતિ અને અન્ય આદિવાસી જાતિઓ વિશે નાઇજીરિયામાં અને ઍંગ્લો-ઇજિપ્શિયન સુદાનમાં ન્યુબા જાતિ પર સંશોધનકાર્ય કર્યું હતું. 1954માં આદિવાસી જાતિના ધાર્મિક જીવન વિશે સુંદર પુસ્તક લખ્યું છે. સમાજની સંરચનાના પૃથક્કરણની દૃષ્ટિએ તે મહત્ત્વનું ગણાય છે. આ ગ્રંથે તેમને ઍથ્નોગ્રાફર ઉપરાંત માનવશાસ્ત્રના સૈદ્ધાંતિક અભ્યાસની કક્ષામાં પ્રવેશ આપ્યો હતો. તેમના વિચારો પર અનેક ખ્યાતનામ સમાજશાસ્ત્રીઓની છાયા હતી છતાં તેમનાં લખાણો કોઈ વિચારશાખાના બીબામાં ગોઠવાયેલાં ન હતાં. તેમણે વર્ણનાત્મક રજૂઆત કરવાને બદલે સૈદ્ધાંતિક પૃથક્કરણ પર વધુ ભાર મૂક્યો છે. તેમના લખેલ ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ સોશિયલ સ્ટ્રક્ચર’માં વ્યક્તિની ક્રિયાઓ અને દિશાઓ પ્રત્યે સંરચનાત્મક વિશ્લેષણની રજૂઆત કરી છે. સામાજિક સંરચનાને દર્શાવવા તેઓ ત્રણ પ્રકારનાં ભૂમિકા સ્વરૂપોની સમજણ આપે છે. આમ સામાજિક સંરચના વિશેના માનવશાસ્ત્રમાં તેમના વિચારો માર્ગદર્શક ભૂમિકારૂપ બન્યા છે. આ રીતે સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાંના સામાજિક સંરચના વિશેના તેમના વિચારો ચિંતનમાં મહત્ત્વના બન્યા. માનવશાસ્ત્રીય પૃથક્કરણમાં તેમણે મનોવૈજ્ઞાનિક ભૂમિકાને સ્થાન આપવા પર ભાર મૂક્યો તથા સહસંબંધ બાંધવાના અભિગમને વધુ મહત્ત્વ આપ્યું. આફ્રિકાના વિદ્યાર્થીઓ માટે ઍથ્નોગ્રાફિક લખાણના સંદર્ભમાં નાડેલ આશીર્વાદરૂપ બન્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણસુખ નાયક

જ. 23 એપ્રિલ, 1910 અ. 12 માર્ચ, 1989

ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા પ્રાણસુખ નાયકનો જન્મ મહેસાણા જિલ્લાના જગુદણ ગામે થયો હતો. પિતા મણિલાલ મૂળચંદ નાયક પણ લોકપ્રિય ભવાઈકલાકાર હતા. અભિનયનો વારસો પરિવારમાંથી પ્રાપ્ત થયો હતો. તેમણે ગુજરાતી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નવ વર્ષની ઉંમરથી રંગભૂમિ સાથે જોડાયા. તેઓ સૌપ્રથમ સૂરતની દેશી નાટક કંપનીમાં જોડાયા. એ પછી મોતીલાલ નંદવાણાની આર્યનીતિ નાટક સમાજ અને એ પછી પ્યારેલાલ મહેતાની વિદ્યાવિનોદ નાટક સમાજ અને મુંબઈ ગુજરાતી નાટકમંડળીમાં જોડાયા. ગુજરાત નાટકમંડળીમાં સૂરજરામ નાયક, બાપુલાલ નાયક અને જયશંકર ‘સુંદરી’ દ્વારા તાલીમ મળી. તેમણે ‘કુમળી કળી’ નાટકમાં બનારસની નારીનું પાત્ર ભજવ્યું આથી ‘લખનોરી તેતર’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે ‘કૉલેજગર્લ’માં કૉલેજકન્યાનો રોલ કર્યો. તેઓ પ્રાણસુખ ‘તેતર’ના નામે જાણીતા હતા. મુંબઈ નાટકમંડળી બંધ થતાં તેઓ પાલિતાણા ભક્તિપ્રદર્શક મંડળી અને પ્રભાત નાટકમંડળીમાં જોડાયા. ‘નટમંડળ’ના ‘મિથ્યાભિમાન’ નાટકમાં જીવરામ ભટ્ટની અને ‘મેનાં ગુજરી’માં બ્રાહ્મણની ભૂમિકા ભજવી. તેમણે દર્પણ એકૅડેમી ઑવ પર્ફૉર્મિંગ આર્ટસમાં અને શ્રેયસ ફાઉન્ડેશનમાં પણ સેવા આપી હતી. તેમણે ‘પ્રાણ થિયેટર્સ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે રંગમંચ પર 22,455 વખત અભિનય કર્યો હતો. આથી 1989માં ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડસમાં તેમનું નામ નોંધવામાં આવ્યું છે. તેમણે ‘જુગલ જુગારી’, ‘પવિત્ર લીલાવતી’, ‘સત્તાનો મદ’, ‘વીણાવેલી’, ‘સંતાનોના વાંકે’, ‘સતી દમયંતી’ જેવાં ઘણાં પ્રસિદ્ધ નાટકોમાં અભિનય કર્યો હતો. ‘ભવની ભવાઈ’ ફિલ્મમાં જ્યોતિષી તરીકે અભિનય કર્યો હતો. તેમણે અભિનય ઉપરાંત આઠ નાટકો લખ્યાં હતાં, જેમાં ‘બાળોતિયાંના બળેલા’, ‘બંધ છીપનાં મોતી’, ‘બિરબલની છત્રી’, ‘બાળભક્ત પ્રહલાદ’નો સમાવેશ થાય છે. 1963માં ગુજરાત રાજ્ય નાટક અકાદમી દ્વારા અને 1974માં સંગીત નાટક અકાદમી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.