જ. ૬ જુલાઈ, ૧૯૪૩ અ. ૨૭ ઑક્ટોબર, ૨૦૦૩

ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ મનોજ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતા વ્રજલાલ ખંડેરિયા મહેસૂલી અધિકારી હોવાથી તેમની વારંવાર બદલી થવાને કારણે મનોજ ખંડેરિયાએ ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ અને જામનગર જેવાં વિવિધ સ્થળોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને ૧૯૬૫માં બી.એસસી. અને ૧૯૬૭માં એલએલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૮થી જૂનાગઢમાં વકીલાત શરૂ કરી હતી. થોડો સમય તેમણે જૂનાગઢની કૉલેજમાં વાણિજ્ય કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે પણ સેવા આપી હતી. ૧૯૮૪થી પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે પણ સંકળાયા હતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. મનોજ ખંડેરિયાનો પ્રથમ સંગ્રહ ‘અચાનક’ અને બીજો સંગ્રહ ‘અટકળ’ નામે પ્રગટ થયો હતો. પરંપરાગત ગઝલને તેમણે આધુનિકતાના સંદર્ભે પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. તેમના અન્ય બે સંગ્રહો ‘હસ્તપ્રત’ અને ‘અંજની’ ૧૯૯૧માં પ્રગટ થયા હતા. ૧૯૯૪માં પ્રગટ થયેલ ‘કોઈ કહેતું નથી’ સંગ્રહમાં તેમની ગઝલો અને ૨૦૦૪માં તેમની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો ‘એમ પણ બને’ એવા શીર્ષકથી નીતિન વડગામા દ્વારા સંપાદિત થયાં છે. ‘ક્યાંય પણ ગયો નથી’ એ એમનો છેલ્લો ગઝલસંગ્રહ છે.
‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ – કવિનો યાદગાર શેર છે.
મનોજ ખંડેરિયાના ‘અચાનક’ કાવ્યસંગ્રહ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ‘અટકળ’ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને ‘અંજની’ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે તો એમના ‘હસ્તપ્રત’ સંગ્રહને પણ અકાદમી અને પરિષદ બંને દ્વારા પોંખવામાં આવ્યો છે. ૧૯૯૯માં આઈ. એન. ટી. (મુંબઈ) દ્વારા તેમને કલાપી ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડની તમામ રકમ એમણે આઈ. એન. ટી.ને પરત કરી અને તેમાંથી વર્ષ દરમિયાન પ્રગટ થયેલ ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યું હતું. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.
અશ્વિન આણદાણી