Categories
વાચન સમૃદ્ધિ

ગંગુબાઈ હંગલ

જ. 5 માર્ચ, 1913 અ. 21 જુલાઈ, 2009

‘ખયાલ’ ગાયકીનાં મહારથી ગંગુબાઈનો જન્મ ધારવાડ, કર્ણાટકમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિકુરાવ નાડિગર અને માતાનું નામ અંબાબાઈ. ગંગુબાઈ શાળાના પ્રાથમિક શિક્ષણ બાદ હિંદુસ્તાની સંગીતના અભ્યાસ અર્થે કુટુંબ સાથે હુબલી સ્થિર થયાં. તેમનાં માતા કર્ણાટકી સંગીતનાં જાણકાર હતાં એટલે સંગીત તેમની રગેરગમાં ધબકતું હતું. 13 વર્ષની ઉંમરે તેઓ કિન્નરી(વીણા જેવું વાદ્ય)વાદક શ્રી કૃષ્ણાચાર્ય હલ્ગર પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. બાળપણની આર્થિક સંકડામણો વચ્ચે પણ તેમણે સંઘર્ષ કરીને માત્ર પોતાના માટે જ નહીં, પણ અન્ય સ્ત્રીઓ માટે પણ શાસ્ત્રીય સંગીતનાં દ્વાર ખોલ્યાં. તેમણે શ્રી દત્તોપંત દેસાઈ અને કિરાના ઘરાનાના મહાન ગાયક પંડિત સવાઈ ગંધર્વ પાસે તાલીમ લીધી હતી. સંગીતની સાધના કરવા તેઓ ટ્રેનમાં લાંબું અંતર કાપીને ગુરુ પાસે પહોંચતાં.  તેમનો અવાજ એક સર્જરી પછી ઘેરો બની ગયો હતો અને એ જ અવાજે તેમને અન્ય સ્ત્રીગાયિકાઓથી અલગ તારવ્યાં. સામાજિક ભેદભાવની રેખાઓને અવગણી તેઓ હંમેશાં શુદ્ધ શાસ્ત્રીય સંગીતને વળગી રહ્યાં. તેમણે ભારતભરમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કર્યા. 1945 સુધી ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ ગાયું. શરૂઆતમાં તેઓ ભજન, ઠૂમરી ગાનપ્રકારો ગાતાં, પણ પછીથી તેમણે ખયાલ ગાયન અને રાગદારી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાં સંગીતનાં પ્રોફેસર તરીકે માનદ સેવા આપી. તેમને કર્ણાટક સંગીત નૃત્ય એકૅડેમી ઍવૉર્ડ ઉપરાંત પદ્મભૂષણ (1971), પદ્મવિભૂષણ (2002) અને બીજા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. 2014માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડેલી. આજે પણ કર્ણાટક રાજ્યની ગંગુબાઈ હંગલ મ્યુઝિક ઍન્ડ પર્ફૉર્મિંગ આર્ટસ યુનિવર્સિટી ગુરુ-શિષ્ય પરંપરાથી શીખવવા કટિબદ્ધ છે.

Categories
વાચન સમૃદ્ધિ

દરવાનસિંહ નેગી

જ. 4 માર્ચ, 1883 અ. 24 જૂન, 1950

વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત થયેલા પ્રથમ ભારતીય સૈનિકોમાંના એક દરવાનસિંહ નેગીનો જન્મ ગઢવાલ જિલ્લાના કફરતીર ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા કલામસિંહ નેગી જમીનમાલિક અને ખેડૂત હતા. તેઓ 1902માં 19 વર્ષની ઉંમરે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સમાં જોડાયા હતા. જોડાયા પછી ઉત્તરાખંડના લેન્સડાઉનમાં લશ્કરી તાલીમ મેળવી 1914માં નાયકના પદ પર પહોંચ્યા હતા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સની પહેલી બટાલિયનને જોડાવાનું થયું. બટાલિયન 9 ઑગસ્ટ, 1914ના રોજ લેન્સડાઉનમાં એકત્રિત થઈ. મુંબઈ થઈ 14 ઑક્ટોબરે માર્સેલ્સ પહોંચી. 29 ઑક્ટોબર સુધીમાં યુનિટ એસ્ટાયર્સની નજીક ફ્રન્ટ લાઇન પર પહોંચી ગઈ. સતત તોપમારા અને ગોળીબાર વચ્ચે 21 દિવસ અને 20 રાત્રિપાળી ભરેલી ખાઈઓમાં રહીને યુદ્ધમાં ભાગ લીધો. મર્યાદિત હથિયારો હતાં. બ્રેડ અને બિસ્ટિક પર નભીને લડ્યા. 23-24 નવેમ્બર, 1914ની રાત્રે દરવાનસિંહે અસાધારણ બહાદુરી દર્શાવી. તેમના યુનિટને દુશ્મનના કબજા હેઠળની ખાઈઓ પાછી મેળવવાનો આદેશ આપવામાં આવ્યો. બૉમ્બ અને ગોળીના વરસાદ વચ્ચે તેમણે ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના માથામાં બે વખત અને ડાબા હાથમાં ઈજાઓ થઈ તેમ છતાંય હિંમત હાર્યા નહીં. દુશ્મનો પાસે ખાઈઓ મેળવીને કાર્યવાહી પૂરી થયા પછી તેમણે પોતાને થયેલી ઈજાઓની જાણ કરી. ‘ધ લંડન ગૅઝેટ’માં તેમની મહાન બહાદુરીની પ્રશંસા કરવામાં આવી. 5 ડિસેમ્બર, 1914ના રોજ તેમને જ્યોર્જ પંચમના હસ્તે વિક્ટોરિયા ક્રૉસ એનાયત કરવામાં આવ્યો. તેઓ 1915માં ભારત પાછા ફર્યા. તેઓ હવાલદાર, જમાદાર અને પછી સૂબેદારના પદ સુધી પહોંચ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમણે ઇરાકમાં સેવા આપી. બ્રિટિશ સામેના આરબ બળવાને ખાળવા માટે તેમણે કાર્ય કર્યું હતું. તેઓ મે, 1926માં નિવૃત્ત થયા. તેમની સ્મૃતિમાં ઉત્તરાખંડના લેન્સડાઉનમાં આવેલા ગઢવાલ રાઇફલ્સના રેજિમેન્ટલ મ્યુઝિયમને દરવાનસિંહ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મયૂરધ્વજસિંહજી મેઘરાજસિંહજી ત્રીજા

જ. 3 માર્ચ, 1923 અ. 1 ઑગસ્ટ, 2010

ધ્રાંગધ્રા-હળવદ રજવાડાના અંતિમ શાસક હીઝ હાઇનેસ મેજર મહારાણા મહારાજ સર મયૂરધ્વજસિંહજીનો જન્મ ધ્રાંગધ્રાના સુંદરવિલાસ ખાતે થયો હતો. પિતા મહારાજા સર ઘનશ્યામસિંહજી અને માતા આનુદકુંવરબા સાહેબા. તેમના જન્મ વખતે યુદ્ધનાં ઢોલ વગાડવામાં આવ્યાં હતાં અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ મહેલની શાહી શાળામાં થયું. ત્યારબાદ તેમને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. તેમણે સમરસેટમાં મિલફિલ્ડ સ્કૂલ અને હર્ટફોર્ડશાયરમાં હીથ માઉન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. હેલીબરી કૉલેજમાં અભ્યાસ કરી ભારત પરત ફર્યા. 1942માં પિતાનું અવસાન થતાં તેઓ ગાદી પર બેઠા. તેમણે દહેરાદૂનની સેન્ટ જૉસેફ એકૅડેમી અને પુણેની શિવાજી મિલિટરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. તેમણે શાસનકાળ દરમિયાન અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીઓને મિલકત ધરાવવાનો અને પુનર્લગ્ન કરવાની મંજૂરી, ફરજિયાત મફત પ્રાથમિક શિક્ષણ જેવા અનેક મહત્ત્વના કાયદા બનાવ્યા. તેઓ બ્રિટિશ હાઉસ ઑફ કૉમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલના અંતિમ વાચનના સાક્ષી હતા. તેઓ સૌરાષ્ટ્રના ડેપ્યુટી ગવર્નર બન્યા. પ્રથમ ચૂંટણીઓનું અધ્યક્ષપદ સંભાળ્યું. થોડો સમય સ્ટેટ બૅન્કના પ્રમુખ રહ્યા. 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ વર્લ્ડ અફેર્સ, મિલફિલ્ડ સોસાયટી, કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશન, ન્યૂ નિસ્મેટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અને હેરાલ્ડ્રી સોસાયટી ઑવ્ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાના સભ્ય હતા. રૉયલ ઍન્થ્રૉપૉલૉજિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ અને રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો હતા. તેમણે ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેમને કિંગ જ્યોર્જ VI રાજ્યાભિષેક ચંદ્રક, ભારતીય સ્વતંત્રતા ચંદ્રક અને નાઇટ કમાન્ડર ઑવ્ ધ ઑર્ડર ઑવ્ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.