Categories
વાચન સમૃદ્ધિ

આઈ. જી. પટેલ

જ. 11 નવેમ્બર, 1924 અ. 17 જુલાઈ, 2005

આઈ. જી. પટેલના નામે જાણીતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર ઇન્દ્રપ્રસાદનો જન્મ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામમાં થયો હતો. પિતા ગોરધનભાઈ અને માતા કાશીબહેન. તેમણે મુંબઈ યુનિવર્સિટીની વડોદરા કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને પછી એમ.એ.ની પદવી મેળવી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી. થયા. 1949માં વડોદરા કૉલેજમાં આચાર્ય તથા અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા. 1950માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના સંશોધન વિભાગમાં જોડાયા. પાંચ વર્ષ પછી 1954માં કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક સલાહકાર તરીકે જોડાયા અને 18 વર્ષ ભારત સરકારમાં કોઈ ને કોઈ ઉચ્ચ પદ પર રહીને કાર્ય કર્યું. 1972માં યુનોના ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ઉપનિયામક બન્યા. 1977થી 1982 સુધી ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે કાર્ય કર્યું પછી 1982થી 1984 સુધી આઈ.આઈ.એમ., અમદાવાદના ડિરેક્ટર બન્યા. 1984થી 1990 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ડિરેક્ટર બન્યા. આ પદ સંભાળનાર તેઓ પહેલા ભારતીય હતા. તેઓ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામના ભારત ખાતેના ચૅરમૅન હતા. ઑગસ્ટ, 1996થી આઈ.આઈ.એમ. અમદાવાદના ચૅરમૅન બન્યા હતા. તેઓ ગુજરાત ઇકૉનૉમિક્સ ઍસોસિયેશનના તથા ચારુતર વિદ્યામંડળના પ્રમુખ હતા. 1991માં તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિંહરાવે તેમને ભારતના નાણામંત્રીની જવાબદારી સ્વીકારવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે સ્વીકારી નહોતી. તેમણે અર્થશાસ્ત્ર સંબંધિત અનેક પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘એસે ઇન ઇકૉનૉમિક્સ ઍન્ડ ઇકૉનૉમિક ગ્રોથ’, ‘ઑન ધ ઇકૉનૉનિક્સ ઑફ ડેવલપમેન્ટ’, ‘પોલિસીસ ફોર આફ્રિકન ડેવલપમેન્ટ એન એન્કાઉન્ટર વિથ હાયર એજ્યુકેશન : માય યર્સ એટ લંડન ઑફ ઇકૉનૉમિક્સ’ મુખ્ય છે. 1991માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દત્તોપંત ઠેંગડી

જ. 10 નવેમ્બર, 1920 અ. 14 ઑક્ટોબર, 2004

લેખક, કુશળ સંગઠક, વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીનો જન્મ મહારાષ્ટ્રના આર્વીમાં થયો હતો. પિતા બાપૂરાવ વકીલ હતા. માતા જાનકીદેવી ભગવાન દત્તાત્રેયનાં ભક્ત હતાં. દત્તોપંતજીએ શાળેય શિક્ષણ આર્વી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મેળવ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે ‘વાનરસેના’ અને આર્વીની મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. 1936માં મોરિસ કૉલેજમાં દાખલ થયા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન સાથે જોડાયા. અનુસ્નાતક થયા પછી નાગપુરની લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. તેઓ 22 માર્ચ, 1942ના રોજ પ્રચારક બન્યા. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિસ્તાર કરવા માટે કાલિકટ ગયા. 1945માં કૉલકાતામાં પ્રચારક તરીકે ગયા. 1949માં બંગાળ-અસમ પ્રાંતપ્રચારક બન્યા. 1950માં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(INTUC)ના સંગઠનમંત્રી બન્યા. તેઓ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં જનસંઘના સંગઠનમંત્રી હતા. તેમણે ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણમંચ, સામાજિક સમરસતામંચ, સર્વ પંથ સમાદર મંચ અને પર્યાવરણ મંચની સ્થાપના કરી. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહસ્થાપક હતા. તેઓ 1964થી 1976 સુધી રાજ્યસભાના  સભ્ય હતા. 1969માં સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હંગેરી અને સોવિયેત રશિયાની મુલાકાત લીધી. તેઓ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન પરિષદમાં પ્રતિનિધિ તરીકે હંગેરી ગયા અને 1977માં જિનીવા ખાતે બીજી આંતરરાષ્ટ્રીય રંગભેદ વિરોધી પરિષદમાં હાજરી આપી. તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.

તેઓ હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં લેખન કરતા હતા. તેમણે 100 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ઇમરે કેરતેસ

જ. 9 નવેમ્બર, 1929 અ. 31 માર્ચ, 2016

ઇમરેનો જન્મ હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે હજારો યહૂદીઓને પકડીને પોલૅન્ડની આશવિઝ શિબિરમાં મૂક્યા હતા, તેમાં કેરતેસ પણ હતા. ત્યારબાદ તેમને જર્મનીની શિબિરમાં મૂક્યા. યુદ્ધ પૂરું થયું અને મુક્તિ મળી પણ કેરતેસને શિક્ષણ મળ્યું જ નહીં. 19 વર્ષની વયે તેમણે સમાચારપત્રમાં કામ કર્યું. 1957થી હંગેરી પર કમ્યુનિસ્ટોનું શાસન આવ્યું. લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. રશિયાએ હંગેરીની પ્રજા પર અનેક સિતમ વરસાવ્યા. કેરતેસને ગુલામી પસંદ નહોતી, તેથી તેમણે નોકરી છોડવી પડી. ત્યારબાદ તેમણે નિત્શે ફ્રૉઇડ, વિટગેંસ્ટાઇન, શ્વાઇત્ઝર વગેરેના સાહિત્યનો અનુવાદ કરી તેની કમાણીમાંથી પેટગુજારો કર્યો. આ રીતે ચાળીસ વર્ષ વીતી ગયાં. આ કઠોર જીવનને લીધે તેમણે મુશ્કેલીઓ સામે હસતાં શીખી લીધું. તેઓ યહૂદી પરિવારમાં જન્મ્યા હતા તેથી ઘણી યાતનાઓ વેઠવી પડી. સાહિત્યનું નોબેલ પારિતોષિક તેમણે 2002માં મળ્યું. આ પારિતોષિક મેળવનાર તેઓ પહેલા હંગેરિયન છે. 1989માં સામ્યવાદી રશિયાનું માળખું તૂટી પડ્યું ત્યારે હંગેરી રશિયાની ચુંગાલમાંથી છૂટ્યું અને આઝાદીના શ્વાસ લીધા. ઇમરેની પ્રથમ નવલકથા ‘ફેટલેસ’ 1965માં લખાઈ, જે નોબેલ પારિતોષિક માટે મુખ્ય કારણ છે. ત્યારબાદ 1988માં ‘ફિઆસ્કો’, અને 1990માં ‘કૅડિશ ફોર એ ચાઇલ્ડ નોટ બોર્ન’ નામની નવલકથા લખી. 1992માં ‘ગેબી ડાયરી’ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. આ સર્વ રચનામાં વીસમી સદીની ત્રાસદાયક ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી છે. આ પુસ્તકો વાચકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં. તેઓને ‘બ્રેન્ડેનબર્ગ’ જર્મન પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.