જ. ૧૭ જૂન, ૧૮૮૭ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૬૮

ભારતના એક અગ્રણી રાજકારણી, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય સંરક્ષણમંત્રી. કૈલાશ નાથ કાત્જુનો જન્મ જાઓરા (હાલના મધ્યપ્રદેશના) નામે એક રજવાડામાં થયો હતો. તેમનો પરિવાર કાશ્મીરી પંડિતોનો હતો, જેઓ જાઓરામાં સ્થાયી થયા હતા. તેમના પિતા ત્રિભુવન નાથ કાત્જુ રાજ્યના ભૂતપૂર્વ દીવાન હતા. તેઓ ૧૯૦૫માં લાહોરની ફોરમૅન ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા હતા. ૧૯૦૭માં તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. ૧૯૦૮માં તેમણે તે જ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૧૪માં કાનપુરમાં કાયદાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે ૧૯૧૯માં અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદામાં ડૉક્ટરેટ પૂર્ણ કર્યું અને ૧૯૨૧માં અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે જોડાયા હતા. ૧૯૩૩માં અલાહાબાદ હાઈકોર્ટમાં મેરઠ કાવતરાના આરોપીઓનો અને બાદમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે ભારતીય રાષ્ટ્રીય સૈન્યના કેસોમાં આરોપી લશ્કરી અધિકારીઓનો બચાવ કાત્જુએ કર્યો હતો. ૧૭ જુલાઈ, ૧૯૩૭ના રોજ, તેઓ ગોવિંદ વલ્લભ પંતના મંત્રીમંડળમાં સંયુક્ત પ્રાંતના કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી બન્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી, કાત્જુએ ઘણા ઉચ્ચ રાજકીય હોદ્દા સંભાળ્યા હતા. શરૂઆતમાં તેમને ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭થી ૨૦ જૂન, ૧૯૪૮ સુધી ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ ૨૧ જૂન, ૧૯૪૮ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા અને ૩૧ ઑક્ટોબર, ૧૯૫૧ સુધી આ પદ પર રહ્યા. ૧૯૫૧માં તેઓ મંદસૌર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા અને જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં કાયદામંત્રી તરીકે જોડાયા હતા. નવેમ્બર, ૧૯૫૧માં તેઓ દેશના ત્રીજા ગૃહમંત્રી અને ૧૯૫૫માં તેમને સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ૩૧ જાન્યુઆરી, ૧૯૫૭ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા અને ૧૧ માર્ચ, ૧૯૬૨ સુધી આ પદ પર રહ્યા હતા.
– મયંક ત્રિવેદી