ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાકીય દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓની જાળવણી તથા પ્રદર્શન જ્યાં થતું હોય તે મથક – સંસ્થા. દેશપરદેશની અજાયબી ભરેલી, જાણવા અને જોવાલાયક વસ્તુઓનો સંગ્રહ કરીને તેને એક સ્થળે રાખવામાં આવ્યો હોય તેને સંગ્રહાલય, સંગ્રહસ્થાન કે મ્યુઝિયમ કહેવામાં આવે છે. તેના બે પ્રકારો છે : એક જાહેર સંગ્રહાલય – જેનું સંચાલન ને વહીવટ સાર્વજનિક સ્તરે – રાષ્ટ્રસ્તરે અથવા સ્થાનિક સત્તાતંત્ર મારફત થાય છે અને બીજું ખાનગી સંગ્રહાલય – જેનો વહીવટ કોઈ વ્યક્તિ કે ટ્રસ્ટીમંડળને હસ્તક હોય છે. સંગ્રહાલય લોકશિક્ષણનું અગત્યનું અંગ છે. આંખ અને સ્પર્શ દ્વારા અપાતી કેળવણીની યોજનામાં આવાં સંગ્રહાલયો શિક્ષણ માટેનું મહત્ત્વનું અંગ હોય છે. સંગ્રહાલયનો નિયામક (ક્યુરેટર) પ્રદર્શિત નમૂનાઓ સાથે સંકળાયેલા વિષયોનો નિષ્ણાત હોય છે. પ્રદર્શિત કરવા માટેની ચીજવસ્તુના મૂલ્યમહિમાનો તે જાણતલ હોય છે. કઈ વસ્તુ કઈ રીતે પ્રદર્શિત કરવી, તેને કઈ જગ્યાએ ગોઠવવી અને તેની જાળવણી કેવી રીતે કરવી તે તે નક્કી કરે છે.
સંગ્રહાલય પરંપરાગત રીતે આજ દિન સુધી વિકસેલી ને ટકેલી સંસ્કૃતિનો સાર્વજનિક ખજાનો હોય છે. તેમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળની અવનવી ચીજવસ્તુઓના મૂળ કે અનુકૃત નમૂનાઓનો સંગ્રહ કરેલો હોય છે. તેમાં અનેક જુદા જુદા વિભાગો હોય છે; જેમ કે, ઐતિહાસિક-સાંસ્કૃતિક, કલા અને વિજ્ઞાનને લગતા તથા પ્રાકૃતિક વગેરે. સંગ્રહસ્થાનોમાં પ્રાણીવિભાગ હોય તો ત્યાં પ્રાણીઓના શબને ચર્મપૂરણ કરી પ્રદર્શિત કરવાની પણ વ્યવસ્થા કરાય છે.
ઐતિહાસિક સંગ્રહાલયમાં ઇતિહાસના જે તે સમયનાં સ્થળ કે વ્યક્તિ વિશેની માહિતી મળે છે. વળી ક્યારેક કોઈ વ્યક્તિએ સંઘરેલા સિક્કાઓ, ચંદ્રકો, ટિકિટો, ફર્સ્ટ-ડે-કવરો વગેરેનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક સંગ્રહાલયમાં જુદા જુદા સમયના લોકોની જીવનશૈલી પ્રમાણે વસ્ત્રો, અલંકારો, જે તે સમયે વપરાતાં વાસણો, રાચરચીલું તથા રહેઠાણ વગેરેની માહિતી મળે છે. ક્યારેક વિજ્ઞાન અને તકનીકી સંગ્રહાલયમાં વિજ્ઞાનનાં પુરાતન ઉપકરણોથી માંડીને આધુનિક શોધોનાં ઉપકરણો જોવા મળે છે. કલાના સંગ્રહાલયમાં ચિત્રો, શિલ્પો અને હસ્તકલાના નમૂનાઓ વગેરે જોવા મળે છે.
ભારતમાં સાચા અર્થમાં ‘સંગ્રહાલય’નો ખ્યાલ ૧૮મી અને ૧૯મી સદીમાં અંગ્રેજો લાવ્યા. તે પહેલાં રાજાઓના મહેલમાં વૈભવની દૃષ્ટિએ અલભ્ય ચિત્રો, શિલ્પો, શસ્ત્રાસ્ત્રો કે કલાકૃતિઓને રાખવામાં આવતાં હતાં, પણ સામાન્ય લોકોને આ બધું જોવા-જાણવા કે માણવા માટે મળતું નહોતું. ભારતનું સૌથી પ્રથમ સંગ્રહાલય ૧૮૭૫માં કૉલકાતામાં બનાવવામાં આવ્યું હતું.
રાજશ્રી મહાદેવિયા
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સંગ્રહાલય [મ્યુઝિયમ], પૃ. 63)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી