મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે ૪૭° ૦૦´ ઉ. અ. અને ૨૦° ૦૦´ પૂ. રે. પર વિસ્તરેલો છે. તે લગભગ ૯૩,૦૩૨ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સ્લોવાકિયા, ઈશાને યુક્રેન, પૂર્વમાં રુમાનિયા, દક્ષિણે ક્રોએશિયા અને સર્બિયા, નૈર્ઋત્યમાં સ્લોવેનિયા તથા પશ્ચિમે ઑસ્ટ્રિયા જેવા દેશો આવેલા છે. હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ છે. હંગેરીની વસ્તી ૯૬,૩૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે.
પ્રાકૃતિક દૃષ્ટિએ દેશના ભૂપૃષ્ઠને ચાર વિભાગોમાં વહેંચી શકાય : (૧) વિશાળ મેદાન, (૨) ટ્રાન્સડેન્યૂબિયા, (૩) નાનું મેદાન, (૪) ઉત્તરનો ઉચ્ચપ્રદેશ. ડેન્યૂબ અહીંની મુખ્ય નદી છે. ડેન્યૂબ નદી પડોશી દેશો સાથેના જળવ્યવહારમાં ખૂબ ઉપયોગી બની રહે છે. હંગેરીના પશ્ચિમ ભાગમાં મધ્ય યુરોપનું સૌથી મોટું સરોવર બાલાટોન (૫૯૬ ચોકિમી.) આવેલું છે. તેનું કદ એટલું વિશાળ છે કે તે ‘હંગેરિયન સી’ (sea) તરીકે ઓળખાય છે ! પ્રવાસીઓ માટેનું કુદરતી સૌંદર્યથી ભરપૂર એ પ્રિય સ્થળ છે. વેલેન્સી અહીં આવેલું અન્ય જાણીતું સરોવર છે. અહીં પક્ષીઓની અનેક જાતિઓ જોવા મળે છે. અહીં ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. અહીં સરેરાશ વરસાદ ૬૦૦ મિમી. જેટલો પડે છે.

બુડાપેસ્ટની યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇકૉનૉમિક્સ, હંગેરીનો રાષ્ટ્રીય પોશાક અને નૃત્ય
દેશમાં ખનિજસંપત્તિ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અહીંથી લોહઅયસ્ક, બૉક્સાઇટ અને મૅંગેનીઝનાં ખનિજો, ખનિજતેલ અને કુદરતી વાયુ મળી રહે છે. હંગેરીના મુખ્ય કૃષિપાકોમાં મકાઈ, ઘઉં, જવ, સૂરજમુખીનાં ફૂલ, સફરજન, બટાકા અને શર્કરા-કંદનો સમાવેશ થાય છે. હંગેરીમાં સડકમાર્ગો તથા રેલમાર્ગની સુવિધા સારી છે. નદીઓ દ્વારા જળવ્યવહાર ચાલે છે. બુડાપેસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. ૧૭૮૨માં સ્થપાયેલી યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજી દુનિયાની જૂનામાં જૂની યુનિવર્સિટી છે. દેશમાં લગભગ ૭૭૬ જેટલાં મ્યુઝિયમ અને કલાદીર્ઘાઓ આવેલાં છે. ‘રેડ પેપરિકા’(red paparika) ખાસ હંગેરીમાં જ ઉગાડેલાં મરચાંમાંથી બનાવવામાં આવે છે. તે હંગેરીનો રાષ્ટ્રીય તેજાનો ગણાય છે. સૉકર, સ્વિમિંગ જેવી રમતો અહીં પ્રિય છે. અહીં વારતહેવારે સંગીતના જલસાઓ યોજાય છે. પાટનગર બુડાપેસ્ટ હંગેરીનું સૌથી મોટું શહેર છે. આખું શહેર ભવ્ય ઐતિહાસિક સ્થાપત્યોથી ભરેલું છે. અહીં ગૉથિક શૈલી, બરોક શૈલી અને નિયો-રોમન તથા નિયો-ક્લાસિકલ શૈલીનાં કલાત્મક સ્થાપત્યો તથા ઇમારતો આવેલાં છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં અનોખું સ્થાપત્ય ધરાવતું ફિશરમૅન્સ બાસ્ટિયન મુખ્ય છે. આ ટાવર પરથી ડેન્યૂબ નદી, માર્ગરેટ આઇલૅન્ડ, પાર્લમેન્ટ હાઉસનું વિહંગમ દૃશ્ય નજરે પડે છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હંગેરી, પૃ. 145)


