Categories
વાચન સમૃદ્ધિ

નાયક જદુનાથસિંહ રાઠોડ

જ. 21 નવેમ્બર, 1916 અ. 6 ફેબ્રુઆરી, 1948

વીર યોદ્ધા જદુનાથસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના ખજૂરી ગામે થયો હતો. પિતા બીરબલસિંહ અને માતા યમુના કંવર. ગામની શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડ્યો અને ખેતીના કામમાં લાગ્યા. તેમને કસરત અને કુસ્તીનો ભારે શોખ હતો. તેઓ નિયમિત વ્યાયામ કરતા અને દિવસમાં ત્રણ વખત દૂધ પીતા. નબળી આર્થિક સ્થિતિને કારણે ભાભીએ દૂધ બાબતમાં મહેણું મારતાં તેમણે ઘરનો ત્યાગ કર્યો અને બ્રિટિશ હિંદની સેનામાં જોડાયા. લશ્કરી તાલીમ મેળવી 21 નવેમ્બર, 1941ના રોજ બ્રિટિશ હિંદ સેનાની 7મી રાજપૂત રેજિમેન્ટમાં જોડાયા. 1942માં બર્માના અરાકનમાં જાપાન વિરુદ્ધ યુદ્ધમાં તેઓ બહાદુરીપૂર્વક લડ્યા. આઝાદી પછી પહેલી રાજપૂત રેજિમેન્ટમાં નાયક બન્યા.

6 ફેબ્રુઆરી, 1948ના રોજ સવારે 6:40 કલાકે પાકિસ્તાની સેનાએ તૈનધાર ટેકરી પર હુમલો કર્યો, જે અસફળ રહ્યો. પાકિસ્તાની સૈન્યએ ટેકરીની ડાબી બાજુએથી હુમલો કર્યો. સામસામે ગોળીબાર થયા, જેમાં આપણા ચાર જવાનો ઘાયલ થયા. હુમલો અસફળ રહ્યો આથી પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. આ હુમલામાં આપણા બીજા બે જવાનો ઘવાયા. જદુનાથસિંહ ચોકી છોડીને મશીનગન લઈને દુશ્મન સેના તરફ ગયા. ગોળીઓ ખૂટી પડતાં હૅન્ડગ્રેનેડ્સથી હુમલો કર્યો અને દુશ્મનોને હરાવ્યા. ટુકડીના નવ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થતાં ચોકીની જવાબદારી જદુનાથસિંહ પર આવી. જદુનાથસિંહને જમણા ખભા અને જમણા પગમાં ગોળી વાગી. પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. તેણે મશીનગન લઈને ચોકીની બહાર આવી ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનની ગોળી તેમની છાતી પર વાગી છતાંય લડતા રહ્યા. દારૂગોળો ખૂટી પડતાં દુશ્મનોની પાસે જઈ હાથોહાથની લડાઈ કરી. એક દુશ્મનની તલવાર લઈ ઘણાને ઘાયલ કર્યા અને માર્યા. વળી દુશ્મનની મશીનગન હાથમાં આવતાં ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ઘાયલ દુશ્મનો મેદાન છોડીને ભાગ્યા. અચાનક બે ગોળીઓ આવી અને ખોપરીમાં અને ફેફસાંમાં વાગી. આઠ ગોળીઓથી વીંધાયેલા બહાદુર જવાને પ્રાણ ત્યાગ્યા. છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો સાથે લડતા રહી અપ્રતિમ પરાક્રમ કરવા બદલ 1950માં ભારત સરકારે પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરી તેમને સન્માનિત કર્યા.

Categories
વાચન સમૃદ્ધિ

વિષાદયોગનો મર્મ

‘હું જાણું છું કે મારા જીવનની શ્રેષ્ઠતમ નિધિ તમે છો. એવું કોઈ ધન નથી કે જે તમારા સમાન હોય. આમ છતાં મારું ઘર ભંગાર વસ્તુઓથી ભરેલું છે, એને હું ફેંકી શકતો નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ પંક્તિઓ માનવહૃદયમાં વસતા મોહના આકર્ષણને દર્શાવે છે. એ મોહ માણસને ઘેરી લે છે. એના આત્મા પર એક એવું કાળું ઘનઘોર વાદળ છવાઈ જાય છે કે જેનાથી એનો આત્મસૂર્ય ઢંકાઈ જાય છે. એ મોહ માનવીને વાસ્તવિક પરિસ્થિતિથી અળગો કરી દે છે અને એ આંખો બંધ કરીને એની પાછળ સતત દોડે છે. એથીયે વિશેષ તો એ મોહને કારણે પરિસ્થિતિનો સાચો તાગ મેળવી શકતો નથી. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદને આપણે ઘટના રૂપે જોઈએ છીએ. ક્યારેક અર્જુનના વિષાદયોગની વાત કરીએ છીએ, પરંતુ એ ઘટનાની ભીતરમાં છુપાયેલા ભાવને જાણવો પડે. અર્જુન વીર છે, બુદ્ધિશાળી છે, કુશળ ધનુર્ધર છે અને છતાં એ કપરી વેળાએ મોહગ્રસ્ત બને છે. શું અર્જુનને ખબર નહોતી કે એને આ કૌરવો સાથે યુદ્ધ કરવાનું છે ? પાંડવોનો નાશ કરવા માટેની, કૌરવોનાં કેટલાંય ષડયંત્રોની એને પૂરેપૂરી જાણ હતી અને આમ છતાં યુદ્ધ સમયે મોહ જાગે છે. એ મોહ પર માનવીએ વિજય મેળવવો જોઈએ. ઘોડો તોફાની બને, તો તેના પરનો સવાર લગામ છોડી દેતો નથી, પણ ઘોડાને વશ કરવા પ્રયત્ન કરે છે. આ ઘટનાનો મર્મ એ છે કે આપણે મક્કમ મને નિર્ણય કર્યો હોય, પરંતુ જ્યારે એ પ્રમાણે કાર્ય કરીએ, ત્યારે મુશ્કેલી આવે છે અને તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે, ‘તારી મોહગ્રસ્તતામાં તને તારું શુભ દેખાતું નથી.’ આનો અર્થ એટલો જ કે બુદ્ધિથી નિર્ણય કરવો એ એક વાત છે અને એથીયે વિશેષ મહત્ત્વનું તો એ નિર્ણયને કાર્યાન્વિત કરવાનું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રશેખર શંકર ધર્માધિકારી

જ. 20 નવેમ્બર, 1927 અ. 3 જાન્યુઆરી, 2019

સ્વાતંત્ર્યસેનાની, વકીલ, ન્યાયાધીશ અને લેખક ચંદ્રશેખર શંકર ધર્માધિકારીનો જન્મ મધ્યપ્રદેશના રાયપુરમાં. પિતા દાદા ધર્માધિકારી અને માતા દમયંતી. માતાપિતાએ આઝાદીનાં આંદોલનોમાં ભાગ લીધો હતો અને જેલમાં ગયાં હતાં. ચંદ્રશેખર શંકરે પણ ચૌદ વર્ષની ઉંમરે 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ નાગપુરની અને વર્ધાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાંથી મેળવ્યું. માધ્યમિક શિક્ષણ નવભારત વિદ્યાલય, વર્ધામાં મેળવ્યું. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1954થી 1972 સુધી વકીલાત કરી. 1972માં બૉમ્બે હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 2014માં તેમના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ મહારાષ્ટ્ર સરકારને હોટલ અને રેસ્ટોરન્ટમાં બાર ગર્લ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી જેથી મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ ઘટી શકે. તેમણે મહિલાઓના અધિકારો, આદિવાસી અને જેલના કેદીઓના કલ્યાણ માટે શકવર્તી ચુકાદાઓ આપ્યા હતા. તેઓ ગાંધીમૂલ્યોના સમર્થક હતા. સત્ય અને અહિંસાના આગ્રહી હતા. તેમણે અનેક સંસ્થાઓમાં વિવિધ પદ પર રહીને સમાજસેવા કરી હતી. તેઓ મહારાષ્ટ્ર વહીવટી ટ્રિબ્યૂનલ, રાષ્ટ્રીય મહિલા આયોગ, જમનાલાલ બજાજ ફાઉન્ડેશન, ગ્લોબલ સ્કૂલ્સ ફાઉન્ડેશન, ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન, કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન જેવી  અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં 24 જેટલાં પુસ્તકો લખ્યાં છે; જેમાં ‘શોધ ગાંધીંચા’, ‘ચંદ્રોદય’, ‘અંતરયાત્રા’, ‘સહપ્રવાસ’, ‘લોકતંત્ર પરહેજ ઔર પાબંદિયાં’, ‘રિફલેક્શન્સ ઑન ઇન્ડિયા કૉન્સ્ટિટ્યૂશન–રિલિજિયન ઍન્ડ રુલ ઑફ રુલ’ મુખ્ય છે. તેમના પુસ્તક ‘ભારતીય સંવિધાનચે અધિષ્ઠાન’ને મહારાષ્ટ્ર સરકારનો સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલે પુરસ્કાર, ગાંધીજન પુરસ્કાર, ગોસેવા રત્ન પુરસ્કાર, રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2003માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.