‘સંતોષ’નું સોહામણું લેબલ


આપીએ છીએ ==========================

પદ મળે એટલે પ્રગતિ અટકી જાય, સ્થાન મળે એટલે સ્થગિત ગઈ જવાય. હોદ્દો મળે એટલે આગળ વધવાની હિંમત ઠરી જાય. સામાન્ય રીતે જીવનમાં પ્રાપ્તિ પછી વ્યક્તિ સ્થગિત થઈ જતી હોય છે. એ પોતાની આસપાસ કાર્યની લક્ષ્મણરેખા આંકી દે છે અને એની બહાર પગ મૂકવાની એ કલ્પના કરતી નથી. આવી વ્યક્તિની સ્થિતિસ્થાપક વૃત્તિ એના હૃદયની સુષુપ્ત શક્તિઓને રૂંધી નાખે છે. પોતાને પ્રાપ્ત થયેલા હોદ્દામાં એને સંતોષ હોય છે અને ધીરે ધીરે એ હોદ્દો કે પદ એના જીવનને ઘેરી લે છે. એનો ઉત્સાહ ઓછો થવા માંડે છે અને એક સમય એવો આવે છે કે એનું જીવન વહેતી નદી રહેવાને બદલે બંધિયાર સરોવર જેવું બની જાય છે. ઉચ્ચ પદ મેળવવાની એની યોગ્યતા ભૂંસાઈ જાય છે અને કાર્યક્ષમતાનો વિકાસ થતો નથી. એક વાર એક કર્મચારીનો ઉપરી અધિકારી ગેરહાજર હતો અને એ કર્મચારીને એના ઉપરી અધિકારીનું કામ સોંપવામાં આવ્યું ત્યારે એને જાણ થઈ કે એનામાં હજી ઘણી પ્રગતિની શક્યતાઓ અને વિકાસની તકો પડેલી છે. બહુ ઓછી વ્યક્તિઓને પોતાની યોગ્યતાનો પરિચય હોય છે અને તેને કારણે પોતાની જાતને પ્રગતિની કસોટી પર મૂકવાને બદલે પ્રાપ્ય સ્થિતિમાં સંતોષ માનીને યથાસ્થાને જીવન ગુજારે છે. આવી વ્યક્તિ જીવનમાં કોઈ નવો પડકાર ઝીલવાની ઇચ્છા કે ગુંજાશ રાખતી નથી. પોતાની શક્તિની આસપાસ કૂંડાળું વળીને બેઠેલા સાપની જેમ એ એને એવો વીંટળાઈ વળે છે કે પછી એમાંથી બહાર નીકળવાનું ભૂલી જાય છે. આ સ્થિતિસ્થાપકતા પર ‘સંતોષ’નું સોહામણું લેબલ લગાડે છે અને પોતે રચેલા સીમાડાની પ્રતિષ્ઠા કરે છે. સમય જતાં આવી વ્યક્તિમાંથી મૌલિકતા ઓસરતી જાય છે અને સાહસિકતા સુકાઈ જાય છે.

કુમારપાળ દેસાઈ

જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી


જ. ૭ ફેબ્રુઆરી, ૧૮૮૩ અ. ૧૭ ઑગસ્ટ, ૧૯૩૬

ગુજરાતી ભાષાના આ મહાન ગઝલકારનો જન્મ જંબુસરમાં થયો હતો. બાળપણથી જ હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય એવા જગન્નાથ ‘સાગર’ ઉપનામથી ઓળખાતા. ૧૯૦૩માં પિતાના અવસાન પછી વૈરાગ્યભાવના વધુ ઉત્કટ બની અને ૧૯૦૬માં ‘વિશ્વવંદ્ય’ને મળ્યા અને કોઈ પણ સંપ્રદાયમાં જોડાયા વગર પોતે જ અધ્યાત્મમાર્ગ અનુસરવાનો દૃઢ નિશ્ચય કર્યો. ૧૯૧૨માં અખાજીની વાણીની અસર હેઠળ આવ્યા. હિમાલયના મણિકૂટ પર્વતની જયવલ્લી ગુફામાં જઈ તપશ્ચર્યા કરી બ્રહ્મર્ષિ સાગર બન્યા. હિમાલયથી પાછા ફર્યા પછી તેમણે વડોદરામાં પાદરા પાસે ચિત્રાલમાં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો. ‘ૐ પ્રભુજી’ના જીવનમંત્ર સાથે જ જીવન ગાળ્યું. ૧૯૨૦માં કલ્યાણદાસજીની સમાધિનો શતાબ્દી-ઉત્સવ ઊજવ્યો. શિષ્યા ૐકારેશ્વરીને સિદ્ધિપદે સ્થાપવા એ જ સમયગાળામાં ચિત્રાલમાં ‘બ્રહ્મયજ્ઞ’ આરંભ્યો. શરૂઆતની રચનાઓમાં કલાપીની કવિતાનો પ્રભાવ જોઈ શકાય છે. ૧૯૦૯માં રચેલું કાવ્ય ‘થાકેલું હૃદય’ એવું જ કાવ્ય છે. ‘દીવાને સાગર’નો પહેલો ગ્રંથ ૧૯૧૬માં પ્રગટ થયો હતો અને ૧૯૩૬માં ‘દીવાને સાગર’ ભાગ-૨ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે રચેલાં ભક્તિપદો છે. આ ઉપરાંત ‘કલાપી અને તેની કવિતા’, ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ તેમના વિશેષ ગ્રંથો છે.  ‘ગુજરાતી ગઝલિસ્તાન’ (૧૯૧૩), ‘સંતોની વાણી’ (૧૯૨૦), ‘કલાપીની પત્રધારા’ (૧૯૩૧) અને ‘કલાપીનો કેકારવ’ (૧૯૩૨) તેમણે કરેલાં સંપાદનો ઉલ્લેખનીય છે. તે ઉપરાંત ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ ટીકા સહિત સંપાદિત કરી છે. તો ‘સાગરની પત્રરેષા અને વિચારણા કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો સંચય છે. સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે સંકળાયેલા અને કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન પણ કરેલું.

રાજશ્રી મહાદેવિયા

જિરાફ


સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે ૫.૫ મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી હોય છે. જોકે આ પ્રકારની રચના શરીરની સમતુલા જાળવવા અગત્યની છે. આમ તો શરીરની સમતુલા જાળવવા માટે પાણી પીવાનું હોય ત્યારે તે આગલા પગને પાર્શ્વ બાજુએથી એકબીજાથી દૂર ખસેડે છે. લાંબી ડોક ઊંચાં વૃક્ષોની ડાળી પરથી પાંદડાં ખાવા ટેવાયેલી હોય છે. જૂજ વૃક્ષો હોય તેવા ઘાસવાળા સપાટ પ્રદેશમાં મુખ્યત્વે ઊગતા બાવળનાં પાન ખાઈને જીવન ગુજારે છે. તેની પૂંછડી રુવાંટીવાળી હોય છે જ્યારે ડોકના આગળના ભાગમાં યાળ જેવા કેશ ધરાવે છે. જિરાફના માથાની ટોચે ચામડી વડે ઢંકાયેલાં બે નાનાં શિંગડાં છે, જ્યારે ત્રીજું શિંગડું આંખોની વચ્ચેના ભાગમાં આવેલું છે. જિરાફની ચામડી પીળાશ પડતી હોય છે. તેની ઉપર લીલાશ પડતાં બદામી રંગનાં ટપકાં અને ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે.

જિરાફ ટોળામાં રહે છે, જેમાં માદાની સંખ્યા વધારે હોય છે. એકાદ પુખ્ત નર અને નર બચ્ચાં આ ટોળામાં રહેતાં હોય છે. વૃદ્ધ નર સાવ એકલો રહે છે. જિરાફ મુખ્યત્વે પૂર્વ આફ્રિકાના કેન્યાના સવાના ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. ઉત્તરમાં તે સહરાના દક્ષિણ ભાગ સુધી વિસ્તરેલા હોય છે. દક્ષિણનાં જિરાફ દેખાવમાં ઉત્તરનાં જિરાફ કરતાં સહેજ ભિન્ન હોય છે. માનવના પર્યાવરણિક હસ્તક્ષેપને લીધે જિરાફની સંખ્યા સાવ ઘટી ગઈ છે. જિરાફ વાગોળનારું (ruminant) પ્રાણી છે. તેના લાંબા હોઠ અને લાંબી કમાન જેવી વળતી જીભ ઊંચા ઝાડ પર આવેલાં પાંદડાંને કરડી ખાવાની ક્ષમતા ધરાવે છે. જિરાફની નજર, ઘ્રાણસંવેદના અને શ્રવણશક્તિ તેજ હોય છે. હિંસક પ્રાણીઓમાં માત્ર સિંહ જિરાફનો શિકાર કરી શકે છે. તે લાત મારીને રક્ષણાત્મક પદ્ધતિ અપનાવે છે અને આશરે ૫૦ કિમી.ની ઝડપથી દોડી શકે છે. નર જિરાફ સામસામા લડે છે અને માથાં ભટકાવે છે. જિરાફનો અવાજ ભાગ્યે જ સંભળાય છે. તે ધીમો ઊંડો આહ જેવો અવાજ કાઢી શકે છે. માદા ૧૪થી ૧૫ માસની સગર્ભાવસ્થા બાદ એક બચ્ચાને જન્મ આપે છે. નવજાત શિશુ ૨ મી. ઊંચું હોય છે. જિરાફ આશરે ૨૦ વર્ષ સુધી જીવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

રા. ય. ગુપ્તે