પોતાનો કક્કો ખરો કરાવનારી વ્યક્તિ કોઈ સભામાં જાય, ત્યારે બીજાના વિચારો તરફ આદર આપવાને બદલે માત્ર પોતાના વિચારો જ ઝીંકે રાખે છે. પોતાની વાત કરતાં કરતાં એ ઉશ્કેરાઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે. ક્યારેક આંખમાં બનાવટી આંસુ લાવે છે, પરંતુ ગમે તેમ કરીને પણ એ પોતાનું ધાર્યું સિદ્ધ કરે છે. આવી ધાર્યું સિદ્ધ કરવાની એની ટેવ એના ઘરમાં પણ અખંડિત હોય છે. ઘરની બાબતોમાં પણ એ પોતાની વાત કોઈ પણ રીતે બીજાઓ પર ઠસાવવા માગે છે. આને માટે જરૂર પડે એ ધાકધમકીનો ઉપયોગ કરે અથવા તો પોતાના ક્રોધની મદદ લે છે, પરંતુ ઑફિસમાં હુકમ ચલાવવાની એની ટેવ ઘરમાં પણ બરકરાર રાખે છે. મનોમન એ ફુલાય છે કે એની કેટલી બધી ધાક છે અને એનો ગર્વ વિકસે છે, કારણ કે બધે જ એનું ધાર્યું થાય છે. સમય જતાં પરિસ્થિતિ પલટાય, તોપણ એ એનું વલણ છોડતો નથી અને પરિણામે ખૂબ દુ:ખી થાય છે. એ વાત ભૂલી ગયો હોય છે કે કોઈ પણ પ્રશ્નને અનેક બાજુઓ હોય છે અને કોઈ પણ સમસ્યાના ઘણા ઉકેલ હોય છે. એ માત્ર પોતાની ‘શૈલી’ પ્રમાણે ઉકેલ વિચારતો હોય છે, પરંતુ એમ કરવા જતાં એ ઉકેલને યોગ્ય એવી બીજી શૈલીઓની ઉપેક્ષા કરે છે. વ્યવસાયમાં ધૂંવાંપૂંવાં રહેતી વ્યક્તિ ઘરમાં પણ એ જ રીતે વર્તતી હોય છે. એની છવાઈ જવાની કે ધાક બેસાડવાની ટેવ બધે સરખી પ્રવર્તતી હોય છે. પ્રભાવ પાડવાનો પ્રયત્ન ઘણી વાર માનવીની પામર વૃત્તિમાંથી પ્રગટતો હોય છે. પોતાની હાજરીની કોઈ પણ ભોગે નોંધ લેવાય તે માટે વિવાદો જગાવીને ક્ષુદ્ર વર્તન કરતો હોય છે. આમ કરવા જતાં એના જીવનની સાહજિકતા ગુમાવતો જાય છે અને પછી એ પોતે જ પોતાના પ્રભાવક પાંજરામાં પુરાઈ જાય છે.
કુમારપાળ દેસાઈ