સમસ્યા સૂતેલાં સાહસ અને


ધૈર્યને જગાડે છે ——————–

જીવનમાં આવતી સમસ્યાના સિક્કાની એક બાજુ વેદના છે, તો બીજી બાજુ પડકાર છે. સિક્કાની માત્ર વેદનાની બાજુએ જ જોતો માનવી એ સમસ્યાના દુ:ખથી ઘેરાઈ જાય છે, પણ જો સિક્કાની બીજી બાજુ સમા પડકારનો વિચાર કરશે તો એને અહેસાસ થશે કે આ સમસ્યા એને માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. સમસ્યા અંગે ઊંડાણથી વિચારતાં ખ્યાલ આવશે કે આ સમસ્યા એ અવરોધ નથી, પરંતુ અવસર છે. સમસ્યાનો સામનો કરતી વખતે માનવીનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. એને ખુદને ખબર ન હોય એવા કેટલાય શક્તિસ્રોતનો એ અનુભવ કરે છે. એનામાં મુશ્કેલીઓ સામે ધૈર્ય રાખવાની એવી શક્તિ પ્રગટ થાય કે તે અંગે એ સ્વયં આશ્ચર્ય અનુભવે છે. માનવીના ગુણનું પ્રાગટ્ય આવી કસોટીના સમયમાં થતું હોય છે અને એ અગ્નિપરીક્ષામાં તપાઈ તપાઈને એના વ્યક્તિત્વનું સુવર્ણ બહાર આવતું હોય છે, આથી જ પ્રત્યેક સંકટ વ્યક્તિમાં એક નવી વ્યક્તિ સર્જે છે, નવી શક્તિ જગાડે છે, નવા વિચારો આપે છે અને એને પરિણામે આ સમસ્યાઓ જ વ્યક્તિના વ્યક્તિત્વનું રૂપાંતર કરતી હોય છે. સમસ્યાને કારણે ભયભીત થઈને પલાંઠી વાળીને બેસી રહેલો માનવી જ્યારે એનો સામનો કરે છે ત્યારે એનામાં ભયના સીમાડા ઓળંગવાની શક્તિ ઊભી થાય છે. એનાં સુષુપ્ત સાહસ અને ધૈર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે અને ક્યારેક તો એ સ્વયં એના ભીતરની આ તાકાત જોઈને આશ્ચર્ય અનુભવે છે ! જે સમસ્યા માર્ગમાં અવરોધરૂપ પથ્થર લાગતી હતી, તે વિકાસનું પગથિયું બની જાય છે, કારણ કે વ્યક્તિ એ સમસ્યાનાં મૂળ સુધી જાય છે. સ્વસ્થ ચિત્તે એનાં કારણો તપાસે છે અને એનું નિવારણ કરવાના પ્રયત્નોમાં એના ભીતરમાં રહેલું દૈવત પ્રગટ થાય છે.

કુમારપાળ દેસાઈ

આનંદશંકર ધ્રુવ


જ. ૨૨ જાન્યુઆરી, ૧૮૬૯ અ. ૭ એપ્રિલ, ૧૯૪૨

શિક્ષણ, સાહિત્ય તેમજ સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રમાં દેશભરમાં ખ્યાતિ પામનાર આનંદશંકરનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા બાપુભાઈ તથા માતા મણિબા. બાળપણ વડોદરા અને રાજકોટમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરે જ સંસ્કૃત શીખ્યા હતા. ૧૮૯૩માં એમ.એ.ના અભ્યાસની સાથે તેમણે ગુજરાત કૉલેજમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય શરૂ કર્યું. ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પણ કેટલાંક વર્ષો અધ્યાપનકાર્ય કર્યું. ગાંધીજીના સૂચનથી ૧૯૧૯માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે ગયા. ૧૯૨૦માં હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા અને ૧૯૩૬માં નિવૃત્ત થઈને અમદાવાદ આવી ગયા. ષડ્દર્શનનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો.

તેમણે ‘મુમુક્ષુ’ અને ‘હિંદ-હિતચિંતક’ ઉપનામોથી સાહિત્યસર્જન કર્યું હતું. ધર્મચિંતન અને સાહિત્યતત્ત્વચર્ચાના ક્ષેત્રમાં તેમનું અર્પણ ઉત્કૃષ્ટ કોટિનું હતું. મણિલાલના તેઓ વિશ્વાસુ અને સમાનધર્મા હતા. તેઓ ધર્મની વ્યાખ્યા કરતાં તેનો વિશાળ અર્થ જીવનની સર્વ પ્રવૃત્તિઓને લાગુ પાડવામાં માનતા હતા. તેમણે ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્ય પર અને પશ્ચિમ ફિલસૂફી અને સંસ્કૃતિ જેવા વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. વધુમાં તેમણે ધર્મ અને હિંદુ શ્રદ્ધાના સાર પરની ફિલસૂફી આધારિત ચર્ચા કરતા નિબંધો પણ લખ્યા છે. તેમણે ૧૯૦૨માં ‘વસંત’ માસિકની શરૂઆત કરી હતી. ‘વસંત’ દ્વારા તેમણે એક વિશ્વવિદ્યાલયની ગરજ સારે તેવું વિદ્યા અને સંસ્કારનું ચિંતન કરવાનો પ્રયત્ન કરેલો. તેઓ ‘સુદર્શન’ના તંત્રીપદે પણ રહ્યા હતા. તેઓ ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ફિલૉસૉફિકલ કૉંગ્રેસ જેવી સંસ્થાઓના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ નિયુક્ત થયેલા. ૧૯૩૬માં સર્વધર્મ પરિષદના પ્રમુખ બન્યા હતા. ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી (ભાગ ૧-૨), ‘નીતિશિક્ષણ’, ‘ધર્મવર્ણન’, ‘હિંદુ (વેદ) ધર્મ’, ‘હિંદુ ધર્મની બાળપોથી’ અને ‘આપણો ધર્મ’ તેમના સાહિત્ય અને ધર્મને લગતા મહત્ત્વના ગ્રંથો છે.

અમલા પરીખ

જિન્દ


આઝાદી પૂર્વેનું પંજાબમાં આવેલું દેશી રાજ્ય અને હાલ હરિયાણા રાજ્યનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : ૨૯ ૧૯´ ઉ. અ. ૭૬ ૧૯´ પૂ. રે.. તે દિલ્હીથી અગ્નિખૂણે ૧૧૦ કિમી. દૂર છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૭૦૨ ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, ઉત્તર દિશાએ પંજાબ રાજ્ય, પશ્ચિમ દિશાએ હિસાર જિલ્લો અને દક્ષિણ તરફ રોહતક જિલ્લો આવેલા છે. આ જિલ્લો સમુદ્રથી ઘણા અંતરે આવેલો હોવાથી આબોહવા વિષમ છે. અહીં ગરમી અને ઠંડી બંને સખત પ્રમાણમાં પડે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો છે, જ્યારે મે માસમાં ગરમી વધારે પડે છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કે જુલાઈના પ્રારંભમાં વરસાદ શરૂ થાય છે. સમગ્ર સીઝનનો ૫૦% વરસાદ જુલાઈમાં પડે છે. વરસાદનું પ્રમાણ ૪૫૦ મિમી. આસપાસ છે. જિન્દમાં સરહિંદ નહેરથી સિંચાઈ થાય છે. જિલ્લામાં ઘઉં, ચણા, શેરડી અને કપાસ મુખ્ય પાક છે. તેલીબિયાં, ડાંગર, મકાઈ વગેરે અન્ય પાકો છે. આઝાદી પછી સિંચાઈની સગવડ વધતાં ખેતીનું ઉત્પાદન વધ્યું છે. ઘઉં અને ચણા શિયાળુ પાક છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. કપાસના પાકને લીધે જિન્દમાં કપાસ લોઢવાનાં કેટલાંક જિન છે. જિન્દના મોટા ભાગની વસ્તી હિંદુ છે. દેશી રાજ્યમાં આવેલ સંગરૂર તાલુકામાં શીખ વસ્તી છે. જિન્દના રાજવી શીખ હતા. 2025માં જિન્દની વસ્તી આશરે 15,10,000 છે. અહીં વૈદિક કાળમાં ભરત વંશનું રાજ્ય હતું. મહાભારત પ્રમાણે પાંડવોએ અહીં મંદિર બંધાવ્યું હતું. તેની આસપાસ જૈન્તપુરી શહેર દિલ્હી સાથે રેલવે અને પાકા રસ્તા દ્વારા જોડાયેલું છે. બીજી રેલવે પૂર્વમાં પાણીપત તરફ જાય છે. અહીં અનાજનું પીઠું છે. ગ્રામીણ વિસ્તારમાંથી ખેતીના પાકો વેચાવા આવે છે. કપાસ લોઢવાનાં જિન ઉપરાંત અનાજ ઉપર પ્રક્રિયા કરીને ખાદ્ય-ઉદ્યોગ વિકસાવાયો છે. હૅન્ડલૂમ ઉપર કાપડ થાય છે. જિન્દ શહેરમાં કુરુક્ષેત્ર સાથે જોડાયેલી ત્રણ કૉલેજો છે. જૂના વખતનો કિલ્લો જોવાલાયક છે.

જયન્તી દેવી મંદિર, જિંદ

ઇતિહાસ : ૧૭૫૫માં મુઘલો પાસેથી બે જિલ્લાઓ જીતી લઈને સુખચેને જિન્દના દેશી રાજ્યની સ્થાપના કરી હતી. તેના અનુગામી અને પરાક્રમી પુત્ર ગજપતસિંહે ૧૭૬૬માં જિન્દને તેના રાજ્યની રાજધાની બનાવી હતી. આ રાજ્ય મુઘલોનું ખંડિયું રાજ્ય હતું. મુઘલ શહેનશાહે જિન્દના શાસકને રાજાનો ઇલકાબ આપ્યો હતો. ૧૭૭૫માં જિન્દનો કિલ્લો બંધાયો હતો. મુઘલ સત્તા નબળી પડતાં જિન્દનું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું હતું. ગજપતસિંહ પછી ભાગસિંહ ૧૭૮૧માં ગાદીએ બેઠો હતો. તેના શાસન દરમિયાન જિન્દ રાજ્યે અંગ્રેજો સાથે મૈત્રીસંબંધ બાંધ્યો હતો. ૧૮૩૭માં અંગ્રેજોએ જિન્દ રાજ્યનો થોડો પ્રદેશ પડાવી લીધો હતો. ૧૮૪૭માં સતી, ગુલામી અને ભ્રૂણહત્યા ઉપર રાજ્યે પ્રતિબંધ મૂક્યો હતો. રાજા રઘુવીરસિંહે (૧૮૬૪–૮૭) તેના રાજ્યમાં સુધારા દાખલ કર્યા હતા. તેણે સંગરૂરમાં તેની રાજધાની ફેરવી હતી. ૧૮૫૭ના સ્વાતંત્ર્યયુદ્ધ વખતે જિન્દ રાજ્યે અંગ્રેજોને મદદ કરી હતી. આ સિવાય અફઘાન વિગ્રહ અને ૧૯૧૪ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પણ જર્મની વિરુદ્ધ ઇંગ્લૅન્ડને તેણે મદદ કરી હતી. છેલ્લા શાસક રાજવીરસિંહ ૧૯૪૮માં ગાદીએ આવ્યા અને આ જ વરસે આ રાજ્યનું પેપ્સુ (પતિયાળા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન – PEPSU) રાજ્ય સાથે, ૧ નવેમ્બર, ૧૯૫૬થી પંજાબ સાથે અને ૧૯૬૬માં હરિયાણા સાથે જોડાણ થયું છે. આઝાદી પૂર્વે આ રાજ્યમાં ૭ શહેરો અને ૪૩૯ ગામડાં હતાં. રાજા, દીવાન અને બે મંત્રીઓની સહાયથી રાજ્યનો વહીવટ ચાલતો હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર