Categories
વાચન સમૃદ્ધિ

ધોંડો કેશવ કર્વે

જ. 18 એપ્રિલ, 1858 અ. 9 નવેમ્બર, 1962

સમાજસુધારક અને કેળવણીકાર ભારતરત્ન ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના શેરવલી-મુરુડ ખાતે થયો હતો. તેમણે શાળેય શિક્ષણ મુરુડ અને રત્નાગિરિમાં પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિત સાથે સ્નાતક થયા અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના અધ્યાપક બન્યા હતા. તેઓ વિધવા પુનર્લગ્ન અને વિધવા શિક્ષણના પ્રણેતા હતા. તેમની પત્નીનું અવસાન થતાં ‘શારદાસદન’ સ્ત્રીસંસ્થામાંથી આનંદીબાઈ નામની વિધવા સાથે પુનર્લગ્ન કર્યાં આથી બ્રાહ્મણ સમાજે બહિષ્કાર કર્યો હતો. તેમણે 1893માં ‘વિધવાવિવાહ પ્રતિબંધ નિવારક મંડળ’ની સ્થાપના કરી હતી. 1896માં પૂના પાસે હિંગણે(હવે કર્વેનગર)માં વિધવા મહિલાઓ માટે આશ્રમની સ્થાપના કરી હતી. 1907માં આ આશ્રમમાં મહિલાશાળાની સ્થાપના કરી હતી. તેમણે 1910માં ‘નિષ્કામ કર્મ મઠ’ની સ્થાપના કરી હતી. તેમણે ગ્રામ પ્રાથમિક શિક્ષણ મંડળ સ્થાપીને અનેક શાળાઓ શરૂ કરી. આ બધી સંસ્થાઓનું એકત્રીકરણ કરીને ‘મહર્ષિ કર્વે મહિલા શિક્ષણ સંસ્થા’ બનાવવામાં આવી. તેમણે 1929માં આફ્રિકા, જાપાન, યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી. તેઓ આઇન્સ્ટાઇનને મળ્યા. જાપાનની મહિલા યુનિવર્સિટીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે 1916માં પૂનામાં ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા યુનિવર્સિટી’(SNDT યુનિવર્સિટી)ની સ્થાપના કરી. તેમણે 1910માં કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે ‘નિષ્કામ કર્મ મઠ’ની તથા અસ્પૃશ્યતાનિવારણ માટે 1944માં ‘સમતા સંઘ’ની સ્થાપના કરી. તેમની આત્મકથા મરાઠીમાં ‘આત્મવૃત્ત’ અને અંગ્રેજીમાં ‘લુકિંગ બેક’ નામે પ્રકાશિત થઈ છે. ભારત સરકારના ફિલ્મ વિભાગે ‘ધ સ્ટોરી ઑવ્ ડૉ. કર્વે’ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી છે. તેમના જીવનઆધારિત નાટક ‘હિમાલયાચી સાવલી’ ભજવાયું હતું અને તેનું ગુજરાતી રૂપાંતર ‘નોખી માટી, નોખાં માનવી’ હતું. પૂનામાં કર્વેનગર અને મુંબઈમાં મહર્ષિ કર્વે માર્ગ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. બનારસ હિન્દી યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી દ્વારા તેમને ડી.લિટ.ની પદવી આપવામાં આવી હતી. ભારત સરકારે 1955માં પદ્મભૂષણ અને 1958માં ભારતરત્નથી તેમને સન્માનિત કર્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુકલ, વ્યાખ્યાનશ્રેણી

વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ

વિષય : મારું પ્રિય પુસ્તક

વક્તા : ભરત મહેતા (ગુજરાતી સાહિત્ય)

મૃદુલા પારીખ (હિન્દી સાહિત્ય)

સંજય ભાવે (મરાઠી સાહિત્ય)

23 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજના 5-30

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ

બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´ ઉ. અક્ષાંશ, 93° 54´ પૂ. રેખાંશ પર, બંગાળના ઉપસાગરમાં આવેલા બેરન ટાપુનો સુપ્ત ગણાતો જ્વાળામુખી આ પૈકી મહત્ત્વનો છે. હાલમાં તેના ઘણા મોટા શંકુ જ્વાળામુખના અવશેષો જોવા મળે છે. એકબે સ્થાનમાં ખંડિત થયેલો, જૂના શંકુના અવશેષોથી બનેલો, આશરે ત્રણ કિમી.ના વ્યાસવાળો આ જ્વાળાકુંડ પ્રેક્ષાગાર (amphitheatre) જેવો દેખાય છે. તે અંદરના ભાગમાં આવેલા, પ્રમાણમાં નવા સમયના પ્રસ્ફુટનના નિયમિત થરવાળા લાવાપ્રવાહોથી બનેલા, નાના, સપ્રમાણ શંકુને ફરતો ગોઠવાયેલો છે. નવા શંકુની ટોચ ઉપર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ જ્વાળામુખ આવેલું છે, પરંતુ પાણીની ઉપરનો જ્વાળામુખીનો દૃશ્યમાન ભાગ તેના આખા કદનો ઘણો જ નાનો અંશ છે. જ્વાળામુખી શંકુનો તળ ભાગ સમુદ્રસપાટીથી ઘણા મીટર ઊંડાઈએ રહેલો છે.

એક સુઘટિત શંકુ આકારનો દક્ષિણ એશિયાઈ જ્વાળામુખી

19મી સદીની શરૂઆતમાં તેની છેલ્લી પ્રસ્ફુટનસ્થિતિ જોવામાં આવેલી; ત્યાર પછી તે લગભગ સુપ્ત અવસ્થામાં રહ્યો છે; પરંતુ જ્વાળામુખની દીવાલો ઉપરની ગંધકની ઊર્ધ્વપાતનક્રિયા તેનું ગંધક-જ્વાળામુખી અવસ્થામાં થતું પરિવર્તન દર્શાવે છે. કૅપ્ટન બ્લેરે 1795માં થયેલા બેરન ટાપુના પ્રસ્ફુટનનું વર્ણન કરેલું છે, જેમાં નવા શંકુની ટોચ પર આવેલા જ્વાળામુખમાંથી ધગધગતી ભસ્મ, કેટલાક ટન વજનવાળા જ્વાળામુખીજન્ય ખડકજથ્થા તેમજ વાયુઓ અને વરાળનાં વાદળ બહાર ફેંકાયાની નોંધ મળે છે. બીજા એક નિરીક્ષકે 1803માં દર દસ મિનિટના તફાવતે જ્વાળામુખમાંથી થતા રહેલા અનેક ધડાકા સાંભળેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ, પૃ. 182 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ/)