Categories
વાચન સમૃદ્ધિ

મહારાણા પ્રતાપ

જ. 9 મે, 1540 અ. 29 જાન્યુઆરી, 1597

મેવાડના શૂરવીર રાજવી અને મહાન દેશભક્ત રાજપૂત મહારાણા પ્રતાપ તેમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે ખ્યાતનામ છે. મેવાડના સિસોદિયા વંશના રાજાઓએ મુઘલ સમ્રાટો સામે નહીં નમવાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા અનેક કષ્ટો અને સંઘર્ષો વેઠ્યાં. અકબરે ફેબ્રુઆરી, 1568માં ચિતોડ પર આક્રમણ કરીને તે જીતી લીધું. તે સમયે રાણા ઉદયસિંહે કુંભલમેરમાં આશ્રય લીધો. તેમણે ઉદયપુર નામનું શહેર વસાવ્યું. રાણા ઉદયસિંહના અવસાન બાદ તેમના મોટા પુત્ર રાણા પ્રતાપને રાજગાદી મળી. (1 માર્ચ, 1572). રાણા પ્રતાપે મુઘલ સૈન્યનો સામનો કરવા લશ્કર એકત્રિત કરવા માંડ્યું. તેમણે રાજપૂતો અને ક્ષત્રિયો ઉપરાંત પઠાણો તથા ભીલોનો સાથ મેળવ્યો. તે સમયે તેઓ ગોગુન્દાથી રાજ્ય કરતા હતા. તેમણે સૈન્ય એકઠું કરી શસ્ત્રોથી સુસજ્જ કર્યું. અકબરે રાણા પ્રતાપને હરાવવા માટે સેનાપતિ માનસિંહના નેતૃત્વ હેઠળ મોટું લશ્કર મોકલ્યું. 21 જૂન, 1576ના રોજ પ્રતાપસિંહ અને માનસિંહના લશ્કરો વચ્ચે હલદીઘાટીના મેદાન પર ભીષણ યુદ્ધ થયું. પ્રતાપસિંહનો ચેતક નામનો અશ્વ ગંભીર રીતે ઘાયલ થયો, પરંતુ મૃત્યુ પામતાં પહેલાં આ વફાદાર અશ્વ ઝડપી ગતિથી પ્રતાપસિંહને યુદ્ધભૂમિથી દૂર સલામત સ્થળે લઈ ગયો અને સ્વામીનો જીવ બચાવ્યો. રાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ચિતોડ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું કે મારા વંશજો કોઈ પણ ભોગવિલાસથી દૂર રહીશું. વૃક્ષપાત્ર સિવાય કોઈ પણ ધાતુપાત્રમાં ભોજન કરીશું નહીં. ઘાસની શય્યા પર શયન કરીશું અને માથાના વાળ કપાવીશું નહીં. અકબરે રાણા પ્રતાપસિંહને પકડવા અનેક પ્રયાસો કર્યા. તેણે કુંભલગઢમાં આશ્રય લીધો. અકબર દ્વારા કુંભલગઢનો કિલ્લો જીતવા મોટું લાવલશ્કર મોકલવામાં આવ્યું, પરંતુ તે પહેલાં પ્રતાપસિંહ તે સ્થળ છોડી ચૂક્યા હતા. 1584 સુધીમાં પ્રતાપસિંહે મેવાડનો ઘણો પ્રદેશ પાછો મેળવ્યો હતો. તેમણે ચિતોડ અને માંડલગઢ સિવાયનું સમગ્ર મેવાડ પાછું મેળવી લીધું હતું. ભામાશા નામના વફાદાર સાથીએ તેમને નાણાકીય મદદ કરી. માતૃભૂમિની રક્ષા કાજે અણનમ અને અજેય રહેનાર તથા કઠિન પ્રતિજ્ઞાપાલન કરનાર આ દેશભક્ત, ભારતીય ઇતિહાસમાં અમર અને અજોડ છે.

Categories
વાચન સમૃદ્ધિ

દમાસ્કસ

સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક. ભૌગોલિક સ્થાન : 33° 30´ ઉ. અ. અને 36° 18´ પૂ. રે.. માઉન્ટ કાસિયમની તળેટીમાં વસેલું આ નગર દરિયાની સપાટીથી આશરે 730 મીટર ઊંચાઈ પર અર્ધ સૂકા મેદાની પ્રદેશમાં રણદ્વીપ તરીકે દેશની નૈઋત્ય દિશામાં વિકસ્યું છે અને તેનો કુલ વિસ્તાર 105 ચોકિમી. છે તથા વસ્તી આશરે 28 લાખ જેટલી (2026, આશરે) છે. ઈ. સ. પૂ. 3000માં તેની સ્થાપના થઈ ત્યારથી બરડા નદી જે શહેરને બે વિભાગમાં વહેંચે છે તે શહેરના લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. આ શહેરમાં 90 ટકા સીરિયન અરબો અને બાકીના 10 ટકામાં ખ્રિસ્તીઓ, કુર્દ, અલ્જિરિયન, અફઘાન, પર્શિયન, તુર્કમનનો તથા ડ્રુઝનો સમાવેશ થાય છે. એક સમયે ત્યાં યહૂદીઓની વસ્તી પણ હતી, પરંતુ 1948 પછી મોટા ભાગના યહૂદીઓ ઇઝરાયલમાં સ્થળાંતર થયા છે.

દમાસ્કસ શહેરનો સુવિકસિત મધ્યવિસ્તાર

નગરનું તાપમાન શિયાળાની ઋતુમાં 3.4° સે. તથા ઉનાળાની ઋતુમાં 25.2° સે.ની આજુબાજુ હોય છે. શહેરનો વાર્ષિક સરેરાશ વરસાદ 217 મિમી. હોય છે. સીરિયાનું સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય કેન્દ્ર ગણાતા આ શહેરનો દક્ષિણ તરફનો વિસ્તાર હજારો વર્ષ જૂનો છે તથા ઉત્તર તરફનો વિસ્તાર અદ્યતન નગર તરીકે વિકસ્યો છે. દક્ષિણ તરફના જૂના વિસ્તારમાં વણેલી, ગૂંથેલી વસ્તુઓ તથા ધાતુનાં વાસણોનાં બજાર છે, જ્યારે ઉત્તર તરફના વિસ્તારમાં આધુનિક ઢબની ઇમારતો, આવાસો, હોટેલો, વાણિજ્ય અને વ્યાપારની પેઢીઓનાં કાર્યાલયો, બૅંકો તથા અન્ય નાણાસંસ્થાઓની ઇમારતો, ધનિકોના આલીશાન બંગલાઓ વગેરે નજરે પડે છે. ઉત્તર તરફનો વિસ્તાર સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણરૂપ છે. દમાસ્કસ સીરિયાનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર તથા વાણિજ્ય અને વ્યાપારનું કેન્દ્ર છે. ઉદ્યોગોમાં કાપડ તથા ખાદ્યપ્રક્રમણ મોખરે છે. અન્ય વસ્તુઓમાં રેશમના કિનખાબ, ચામડાની બનાવટો, ચાંદીની વસ્તુઓ, દારૂ, વનસ્પતિ તેલો, દીવાસળી, કાષ્ઠની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દમાસ્કસ, પૃ. 215 અથવા જુઓ https://gujarativishwakosh.org/દમાસ્કસ/)

Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સેનગુપ્તા

જ. 8 મે, 1916 અ. 23 ઑગસ્ટ, 2017

પ્રસિદ્ધ ભારતીય સિનેમૅટોગ્રાફર રામાનંદ સેનગુપ્તાનો જન્મ 1916માં ઢાકામાં થયો હતો. 2016માં તેમણે જીવનની સદી પૂરી કરી હતી. તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા.. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ 1938માં થયો, જ્યારે તેઓ અરોરા ફિલ્મ કૉર્પોરેશન કૉલકાતામાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા. ‘કુરુક્ષેત્ર’ ફિલ્મમાં તેમણે જી. કે. મહેતા સાથે સહાયક મદદનીશ તરીકે કામ કર્યું. અર્ધેન્દુ મુખરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘પૂર્વારાગ’માં તેમણે સ્વતંત્ર રીતે સિનેમૅટોગ્રાફર તરીકે કાર્ય કર્યું. તેમણે લગભગ 70થી વધુ ફિલ્મોમાં એક કુશળ સિનેમૅટોગ્રાફર તરીકે સેવાઓ આપી હતી. તેમણે વિખ્યાત ફ્રેન્ચ દિગ્દર્શક જીન રેનોઇર (Jean Renior) 1951માં તેમની ફિલ્મ ‘ધ રિવર’ માટે કૉલકાતામાં શૂટિંગ કરવા આવ્યા હતા ત્યારે રામાનંદે તેમની સાથે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે રિત્વિક ઘટક, મૃણાલ સેન જેવા શ્રેષ્ઠ દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું હતું. 2007માં ઉત્સવ મુખરજી દ્વારા સેનગુપ્તા ઉપર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘અન્ડર એક્સપોઝ્ડ’ બનાવવામાં આવી હતી. સિદ્ધાર્થ મૈતીએ તેમના ઉપર એક પુસ્તક પણ લખ્યું હતું અને તેમણે પણ ડૉક્યુમેન્ટરી ‘ફ્રેમિંગ લાઇટ અગેન્સ્ટ ધ શેડોઝ’ બનાવી હતી. મોટા ભાગે તેઓ બંગાળી ચલચિત્રો સાથે જ સંકળાયેલા હતા. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની જાણીતી ફિલ્મોમાં ‘ડાકઘર’, ‘બિન્દુર છેલે’, ‘બંધુ’, ‘પર્સનલ આસિસ્ટન્ટ’, ‘નાગરિક’, ‘મેઘ’, ‘હેડ માસ્ટર’, ‘શિલ્પી’, ‘રાત ભોરે’, ‘ધ રિવર’ વગેરેનો સમાવેશ થાય છે. 101 વર્ષની વયે કૉલકાતામાં તેમનું નિધન થયું હતું.