Categories
વાચન સમૃદ્ધિ

અરવલ્લી

દિલ્હીથી આખાય રાજસ્થાનને ઈશાન-નૈર્ઋત્યમાં વીંધતી અને ગુજરાતની ઉત્તર સરહદે પૂરી થતી ગિરિમાળા. દુનિયાની તેમ જ ભારતની તે અતિ પ્રાચીન (અંદાજે દોઢ અબજ વર્ષ – ૧૬૦ કરોડ વર્ષ જૂની) ગિરિમાળાઓ પૈકીની એક છે. તે હિમાલય કરતાં પણ જૂની છે. આ ગિરિમાળા આશરે ૮૦૦ કિમી. લાંબી છે. ઉત્તરમાં દિલ્હીથી શરૂ થઈ, રાજસ્થાનના વિસ્તારમાંથી પસાર થઈ, તે દક્ષિણે બાલારામ તથા ઈડર સુધી વિસ્તરેલી છે. તે જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી પહોળાઈ ધરાવે છે. આ ગિરિમાળામાં અંદાજે ૧૨૦૦થી ૧૫૦૦ મીટર ઊંચાઈ ધરાવતાં શિખરો છે; તે પૈકી માઉન્ટ આબુનું ગુરુશિખર (૧૭૨૨ મીટર) સૌથી ઊંચું છે. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાનો ફાંટો આરાસુરથી જૈસોર થઈ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં છેક તારંગાની ટેકરીઓ સુધી વિસ્તરેલો છે.

અરવલ્લીની ગિરિમાળા

ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં આશરે ૨૫૦ કરોડ વર્ષ પૂર્વે તેનું ઉત્થાન શરૂ થયેલું અને ૧૬૦ કરોડ વર્ષ પૂર્વે પૂરું થયેલું. આ આખીયે ગિરિમાળા પટ્ટાયુક્ત નાઇસ ખડકસંકુલ (banded gneissic complex – BGC) તેમ જ અરવલ્લી-રચના, દિલ્હી-રચના, વિંધ્ય-રચનાના ખડકોથી બનેલી છે. તેમાં આગ્નેય અંતર્ભેદનો પણ થયેલાં છે. આ ગિરિમાળા આર્થિક ખનિજો અને ખડકોના ભંડાર સમાન છે. તે ગ્રૅનાઇટ, ચૂનાખડક, આરસપહાણ, સ્લેટ અને ફિલાઇટ જેવા ખડકો તથા સીસું, જસત, તાંબું અને ઍસ્બેસ્ટૉસ જેવાં અનેક કીમતી ખનિજો પૂરાં પાડે છે. સાબરમતી, હાથમતી, બનાસ, મહી, રૂપેણ અને સરસ્વતી જેવી અનેક નદીઓ અરવલ્લી પર્વતમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. અહીંનો આબુ પર્વત હવા ખાવાનું સ્થળ છે. દેલવાડાનાં પ્રખ્યાત દેરાં અહીં આવેલાં છે. અંબાજીનું પ્રખ્યાત યાત્રાધામ, તારંગાનાં જૈનમંદિરો, શામળાજીનું ગદાધર(ભગવાન વિષ્ણુ)નું મંદિર, ખેડબ્રહ્મા તેમ જ પુષ્કરનાં બ્રહ્માજીનાં મંદિર, એકલિંગજીનું શિવમંદિર, શ્રીનાથજીનું મંદિર, ચારભુજા, પોળોનાં શિલ્પ-સ્થાપત્ય રજૂ કરતાં ખંડિયેરો, જૈન તીર્થંકર ઋષભદેવનું મંદિર, રાણકપુરનું જૈનમંદિર વગેરે આ ગિરિમાળામાં આવેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અરવલ્લી, પૃ. 62)

Categories
વાચન સમૃદ્ધિ

શરણરાણી બેકલીવાલ

જ. 9 એપ્રિલ, 1929 અ. 8 એપ્રિલ, 2008

ભારતનાં પ્રથમ મહિલાસરોદવાદક અને સંગીતકાર શરણરાણીનો જન્મ દિલ્હીના રૂઢિવાદી હિંદુ પરિવારમાં થયો હતો. પરિવાર અને સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરીને પણ તેમણે નાની વયથી જ સંગીત અને નૃત્યની સાધના કરવા માંડી. નૃત્ય અને કંઠ્યસંગીતક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સૌપ્રથમ મોટા ભાઈ પાસેથી સરોદવાદન શીખવા માંડ્યું. આઠ વર્ષની વયે નાટક અને રેડિયોનાટક વગેરેમાં ભાગ લીધો, કેટલીક સંગીતરચનાઓ કરી. સાથે સાથે શાળા-કૉલેજનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું. દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી દિલ્હીના વ્યાપારી કુટુંબના વિદ્વાન સમાજસેવક સુલતાનસિંગ બેકલીવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

સરોદવાદનનું વધુ શિક્ષણ તેમણે ઉસ્તાદ અલાઉદ્દીનખાં અને તેમના પુત્ર સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી લીધું. 1952માં કૉલકાતાની અખિલ ભારતીય તાનસેન વિષ્ણુદિગંબર પારિતોષિક સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા. પ્રથમ અખિલ ભારતીય યુવક સમારોહમાં દિલ્હી વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરી વાદ્યસંગીતનો પુરસ્કાર જીત્યાં. તેમને વાદ્યસંગીતમાં વધુ અભ્યાસ માટે કેન્દ્રીય સંગીત અકાદમી તરફથી શિષ્યવૃત્તિ મળી. તેઓ આકાશવાણીનાં ‘એ’ શ્રેણીનાં કલાકાર હતાં. તેઓ આકાશવાણીના અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો, કલાસંગીત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સંગીતસંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં. દેશ-વિદેશમાં સરોદવાદનના અનેક કાર્યક્રમો આપી ખૂબ પ્રશંસા મેળવી. તેમણે પહેલી વાર ભારતીય અને ફારસી સંગીતની જુગલબંધીનો પ્રયોગ કર્યો. જીવનભર સંગીતને સમર્પિત શરણરાણીએ સરોદવાદન અને સંગીતકલા ઉપર ‘ડિવાઇન સરોદ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમણે તેમનો સંગીતવાદ્યોનો સંગ્રહ રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હીને ભેટ તરીકે અર્પ્યો છે. ભારતના ટપાલખાતાએ આ સંગ્રહ પૈકી કેટલાંક વાદ્યો પર ટિકિટો બહાર પાડી છે. સંગીતક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1968માં ભારત સરકારે તેમને પદ્મશ્રી અને 2000માં પદ્મભૂષણ જેવાં સન્માનોથી નવાજ્યાં હતાં.

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : નિરંજન ભગતના કાવ્યનો આસ્વાદ

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર ડૉ. પિંકી પડ્યા

24 એપ્રિલ 2026, શુક્રવાર

સાંજ 5-00