જ. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ અ. ૬ જુલાઈ, ૨૦૦૭

રાજકીય ક્ષેત્રે સફળ મહિલા અને ગુજરાતનાં પૂર્વરાજ્યપાલ શારદા મુખરજીનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સામાજિક કાર્યકર અને લોકસભાનાં પૂર્વસદસ્ય હતાં. પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી પંડિત. તેમનો પરિવાર વર્ષો સુધી રાજકોટમાં વસવાટ કરતો.
તેમણે પ્રારંભિક શિક્ષણ રાજકોટમાં લીધું. ત્યારબાદ એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને લૉ કૉલેજ, મુંબઈમાં ઉચ્ચશિક્ષણ લીધું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેમણે ઍરફોર્સ અધિકારી સુબ્રતો મુખરજી સાથે લગ્ન કર્યાં. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઍર ચીફ માર્શલ હતા. ૧૯૬૧માં ટોકિયો ખાતે શાહી ભોજનસમારંભ દરમિયાન સુબ્રતો મુખરજીનું અચાનક અવસાન થયું. ત્યારબાદ શારદા મુખરજી કૉંગ્રેસમાં જોડાયાં અને રાજકારણમાં સક્રિય બની ગયાં. મહારાષ્ટ્રના રત્નાગિરિ મતદાર મંડળમાંથી લોકસભા માટે તેઓ ચૂંટાયાં(૧૯૬૨-૬૭). તે જ મતદાર મંડળમાંથી ૧૯૬૭માં ફરી વાર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયાં, પરંતુ ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો. ૧૯૭૭-૭૮ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બન્યાં. ૧૯૭૮-૮૩ દરમિયાન તેઓએ ગુજરાતનાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. બંને રાજ્યોમાં પ્રથમ મહિલારાજ્યપાલ અને કુશળ વહીવટકર્તા તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેઓ યોજના આયોગમાં સંરક્ષણ બાબતોની અધ્યયન ટીમનાં સભ્ય તરીકે પણ રહી ચૂક્યાં હતાં. લોકસભાના સભ્યપદે હતાં ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ, પ. જર્મની અને સેનેગલમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે મુલાકાતો લીધી. તેમણે નૅશનલ શિપિંગ બોર્ડ, નાની બચત યોજનાના સલાહકાર મંડળ તથા ભારતીય હવાઈ દળની કલ્યાણ સમિતિની કારોબારીનાં સદસ્ય તેમજ ‘ચેતના’નાં પ્રમુખ તરીકે સેવાઓ આપી.
શુભ્રા દેસાઈ