જ. ૧૫ મે, ૧૯૦૭ અ. ૨૩ માર્ચ, ૧૯૩૧

ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શહીદ ભગતિંસહ અને રાજગુરુ સાથે જેમનું નામ બોલાય છે તે સુખદેવ થાપરનો જન્મ પંજાબના લુધિયાણા ખાતે રામલાલ થાપર અને રલ્લી દેવીને ત્યાં એક ખત્રી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું અવસાન થવાથી કાકા અચિંતરામે તેમનું પાલનપોષણ કર્યું હતું. સુખદેવ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનના સભ્ય હતા. પંજાબ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારમાં ક્રાંતિકારી કાર્યક્રમોના આયોજનમાં તેઓની ભૂમિકા અગ્રેસર હતી. પીઢ નેતા લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તેની ઈજાઓથી તેમનું મૃત્યુ થયું તેના જવાબમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધીક્ષક જે. પી. સોન્ડર્સની હત્યામાં તેમની સંડોવણી માટે સુખદેવ થાપરને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ૧૯૨૯માં જેલની ભૂખ હડતાળ અને લાહોર ષડયંત્ર કેસમાં સુખદેવ મુખ્ય આરોપી હતા. જેનું સત્તાવાર શીર્ષક ‘ક્રાઉન વિરુદ્ધ સુખદેવ અને અન્ય’ એવું હતું. ૮મી એપ્રિલ, ૧૯૨૯ના રોજ નવી દિલ્હીમાં થયેલ સેન્ટ્રલ ઍસેમ્બ્લી હૉલ બૉમ્બધડાકા બાદ સુખદેવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને દોષી ઠરાવીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ સુખદેવને લાહોરની સેન્ટ્રલ જેલમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. તે ત્રણેયના મૃતદેહોના ગુપ્ત રીતે સતલજ નદીને કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં ૨૩મી માર્ચને શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીની એક કૉલેજનું નામ ‘શહીદ સુખદેવ કૉલેજ ઑફ બિઝનેસ સ્ટડીઝ’ સુખદેવ થાપરની યાદમાં રાખવામાં આવ્યું છે. તેમના જન્મસ્થળ લુધિયાણા શહેરના મુખ્ય બસસ્ટૅન્ડનું નામ ‘અમર શહીદ સુખદેવ થાપર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ’ રાખવામાં આવ્યું છે.
અશ્વિન આણદાણી