જ. ૨૬ જૂન, ૧૯૧૪ અ. ૧૫ એપ્રિલ, ૧૯૮૬

રૂઢિચુસ્ત સમાજમાં નારી જાગૃતિની શક્તિ દેખાડી અને ગુજરાતની એક ગૌરવવંતી અને ક્રાંતિકારી નારી તરીકે નામના પામનાર ઉદયપ્રભાબહેનનો જન્મ અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં થયેલો. માત્ર ચાર વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. માતાનાં સંસ્કાર, જતન અને વહાલને કારણે એમને સામાજિક જીવનમાં વિકસવાની સુવિધા મળી હતી. મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી એસ. એલ. યુ. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૩૪માં ગ્રૅજ્યુએટ થયાં. ભણતર પૂરું થયા પછી એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી, પરંતુ તેમાં ખાસ રસ ન પડ્યો. ૧૯૩૨માં સ્થપાયેલ જ્યોતિસંઘમાં તેમણે ખંડ સમય માટે કામ કર્યું. પાછળથી તેનાં પ્રમુખ પણ બન્યાં અને સંઘ સાથે કાયમ જોડાયેલાં રહ્યાં. ગાંધીજીની પ્રેરણાથી તેમણે આજીવન ખાદી અપનાવી હતી. તેમનું જીવન સાદગીપૂર્ણ હતું. ૧૯૩૦થી ૧૯૪૨ની લડતમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોજ સવાર પડે પ્રભાતફેરીમાં જવું, દેશભક્તિનાં ગીતો ગાવાં, આઝાદીના નારા લગાવવા, સરઘસો કાઢવાં, પત્રિકાઓ લખવી-વહેંચવી, વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, ઘેર ઘેર ખાદી વેચવી, દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવું વગેરે પ્રવૃત્તિઓમાં તેઓ નીડરપણે ભાગ લેતાં. તેઓ સ્ત્રીઓની સ્વતંત્રતા, સમાનતા જેવા મૂળભૂત અધિકારોમાં માનતાં. તે સમયે તેમણે ભાઈદાસભાઈ મહેતા સાથે સ્નેહલગ્ન કરેલાં અને આઝાદીની લડત સાથે સાથે એક પત્ની, માતા તથા ગૃહિણીની ફરજ પણ નિભાવતાં રહ્યાં. તેઓ આજીવન સમાજસેવાના કાર્ય સાથે જોડાયેલાં રહ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડમાં ૧૯૪૬થી સ્ત્રીઓનાં પ્રતિનિધિ ચૂંટાયાં. ૧૯૫૪માં ચૅરમૅન થયાં. ૧૯૫૬માં અખિલ હિંદ મહિલા પરિષદ, એલિસબ્રિજ શાખામાં ઉપપ્રમુખ અને પછી પ્રમુખ બન્યાં. ૧૯૬૯માં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં પ્રમુખ થયાં. કેટલીક બૅંક તથા સંસ્થાઓ સાથે એમણે સક્રિય કામગીરી કરી. તેઓ આકાશવાણી, મહીપતરામ રૂપરામ આશ્રમ અને વિકાસગૃહ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલાં હતાં.
અમલા પરીખ