Categories
વાચન સમૃદ્ધિ

શત્રુતાનો નાશ

પ્રાચીન રોમના પ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ જુલિયસ સીઝરના જેટલા મિત્રો હતા, એટલા જ શત્રુઓ હતા. એક વાર એ પોતાના મહેલમાં એકલો રજાના દિવસો ગાળી રહ્યો હતો. સીઝરના પરમ મિત્રને આની જાણ થતાં એણે વિચાર્યું કે જુલિયસ સીઝર પાસે જઈને થોડાં ટોળટપ્પાં મારી આવું. બન્ને પ્રેમથી મળ્યા અને વાતચીત સમયે જુલિયસ સીઝરના મિત્રએ કહ્યું, ‘હું એક વાત સમજી શકતો નથી કે તમારા વિરોધીઓ તમારા પર જાતજાતના અસહ્ય આક્ષેપો કરે છે અને તેમ છતાં તમે એ બધાને ચૂપચાપ સહન કરો છો. તમે તમારા વિરોધીઓના આક્ષેપોનો જડબાતોડ, સણસણતો જવાબ આપો ને !’ મિત્રની વાતને ગંભીરતાથી લેવાને બદલે ચર્ચાને બીજે પાટે ચઢાવી દીધી. પરમ મિત્રને દુ:ખ થયું કે એમની આવી ગંભીર વાતની જુલિયસ સીઝરે સદંતર ઉપેક્ષા કરી. આ સમયે ખેપિયાએ આવીને જુલિયસ સીઝરને કાગળોનું એક બંડલ આપ્યું અને જુલિયસ સીઝરે એ ખોલ્યું તો એમના એક વિરોધીએ લખેલા ઘણા આક્ષેપભર્યા કાગળો હતા. આ કાગળોમાં સીઝરના એ વિરોધીએ આક્ષેપો કરવામાં પાછું વાળીને જોયું નહોતું. સીઝરનો મિત્ર તો આ કાગળો વાંચીને ગુસ્સાથી સળગી ઊઠ્યો. જ્યારે સીઝર થોડી વાર શાંત રહ્યા અને પછી એ કાગળો વાંચ્યા વિના જ એને સળગાવી નાખ્યા. આ જોઈને એમના મિત્રએ પૂછ્યું, ‘તમે શા માટે આ બધા કાગળો સળગાવી નાખ્યા. એ તો ઘણા કીમતી હતા. સમય આવ્યે એ વિરોધી પર પ્રહાર કરવા માટે ઉપયોગી બની શક્યા હોત.’ આ સાંભળીને જુલિયસ સીઝરે હસીને કહ્યું, ‘અરે દોસ્ત, મેં વિચાર કર્યા પછી જ આ કાગળો સળગાવ્યા છે. જ્યાં સુધી આ કાગળો મારી પાસે હોય, ત્યાં સુધી એને જોઈને હું મનોમન ક્રોધથી ધૂંધવાતો રહેત. મારે માટે ક્રોધને નષ્ટ કરવાનો સૌથી સરળ ઉપાય આ કાગળોને નષ્ટ કરવાનો હતો. આમ કરવાથી શત્રુતા આપોઆપ ખતમ થઈ જશે. વળી, એ કાગળો પાસે રાખીને તણાવપૂર્વક જીવવાનો શો અર્થ ?’ પેલા મિત્રએ ખોટી સલાહ આપવા માટે સીઝરની ક્ષમા માંગી.

Categories
વાચન સમૃદ્ધિ

ઓડ્રી હેપબર્ન

જ. 4 મે, 1929 અ. 20 જાન્યુઆરી, 1993

હોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી ઓડ્રી હેપબર્નનો જન્મ બ્રસેલ્સ, બેલ્જિયમમાં થયો હતો. તેમનું મૂળ નામ ઓડ્રી કેથલીન રસ્ટન હતું. પિતા જોસેફ વિક્ટર એન્થની રસ્ટન શ્રીમંત અંગ્રેજ શાહુકાર હતા અને માતા એલા વાન હીમ્સ્યૂ ડચ બેરોનસ હતાં. માતાપિતા છૂટાં પડ્યાં પછી ઓડ્રી તેમનાં માતા સાથે પહેલાં લંડન અને પછી હોલૅન્ડ જતાં રહ્યાં. લંડન અને હોલૅન્ડમાં તેમણે ખાનગી કન્યાશાળામાં શિક્ષણ લીધું. તેઓ હોલૅન્ડમાં હતાં ત્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓએ હોલૅન્ડ પર કબજો કરી લેતાં ઓડ્રી અને તેમનાં માતાને ખૂબ કફોડી સ્થિતિમાં રહેવાનો વારો આવ્યો હતો. યુદ્ધ પૂરું થયા બાદ શિષ્યવૃત્તિ મળતાં તેઓ લંડનની એક નૃત્યશાળામાં જોડાયાં અને પછીથી મૉડલ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. આ કામ કરતાં કરતાં જ તેમને અભિનેત્રી બનવાની તક મળી, પરંતુ હોલિવુડમાં સારી તક મળે માટે તેઓ અમેરિકા જતાં રહ્યાં. ઓડ્રીએ 1951માં ‘લવેન્ડર હિલ મૉલ’ અને ‘સિક્રેટ પીપલ’ ચલચિત્રોમાં કામ કર્યું હતું. 1953માં પ્રદર્શિત થયેલા ‘ધ રોમન હૉલિડે’ ચિત્રે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. પ્રેક્ષકો અને સમીક્ષકો બંનેએ વખાણેલા આ ચલચિત્રે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર અપાવ્યો હતો. એ પછી ‘સેબ્રિના’(1954)માં પણ સશક્ત અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કાર નામાંકન મેળવ્યું. વિશ્વનાં પ્રશિષ્ટ ચલચિત્રોમાં સ્થાન પામેલા ‘વૉર ઍન્ડ પીસ’(1956)માં પણ તેમણે ઉત્કૃષ્ટ અભિનય આપ્યો હતો. તેમના પતિ મેલ ફેરર પણ ચલચિત્રો સાથે સંકળાયેલા હતા. ‘વૉર ઍન્ડ પીસ’માં મેલ ફેરરે ઓડ્રી સાથે અભિનય પણ કર્યો હતો. ‘ધ નન્સ સ્ટોરી’(1959)માં પણ ભાવુક અભિનય કરી ફરી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કાર નામાંકન મેળવ્યું હતું. 1964માં ‘માય ફેર લેડી’એ તેમને લોકપ્રિયતાની ટોચે બેસાડી દીધાં હતાં. ‘વેઇટ અન્ટિલ ડાર્ક’(1967)માં ઓડ્રીએ ભયથી ફફડતી અંધ મહિલાની ભૂમિકા ભજવી ફરી ઑસ્કાર નામાંકન મેળવ્યું. ત્યારબાદ પતિથી છૂટાં પડી તેમણે અભિનયને પણ અલવિદા કરી દીધી, પરંતુ 1976માં ફરી તેમણે ‘રોબિન ઍન્ડ મેરિયન’ અને અંતિમ ચલચિત્ર ‘ધ ઑલ લોફડ’(1981)માં અભિનય કર્યો હતો. અભિનયને અલવિદા કર્યા બાદ તેમણે પોતાનો પૂર્ણ સમય સમાજસેવાનાં કાર્યો માટે આપવા માંડ્યો હતો. તેઓ ‘યુનિસેફ’ સાથે પણ સંકળાયેલાં હતાં. 1993માં ઑસ્કાર ઍવૉર્ડ સમારોહમાં તેમને ‘જીન હરશિલ્ટ હ્યુમેનિટેરિયન’ ઍવૉર્ડ મરણોત્તર આપવાની ઘોષણા કરાઈ હતી. તેમના માનમાં અમેરિકા ટપાલખાતાએ ટપાલટિકિટ પણ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

અંગકસરતો (Gymnastics)

વ્યક્તિગત કસરતોના પ્રયોગો. રમતવિશ્વની તમામ સ્પર્ધાઓમાં અંગકસરત(જિમ્નેસ્ટિક)ની સ્પર્ધા સૌથી વધુ કલાત્મક અને આકર્ષક સ્પર્ધા છે. ખેલાડીની આવડત, ચપળતા, શરીરના જુદા જુદા વળાંકોમાં પ્રગટતું કૌશલ – એ બધાંને કારણે આ રમત વિશાળ લોકચાહના ધરાવે છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈની દૃષ્ટિએ પુરુષો માટે અંગકસરતની – ફ્લોર એક્સરસાઇઝ, વૉલ્ટિંગ હૉર્સ, પોમેલ હૉર્સ, પૅરેલલ બાર્સ, હૉરિઝૉન્ટલ બાર અને રોમન રિંગ જેવી સ્પર્ધાઓ છે. એ જ રીતે મહિલાઓ માટે ફ્લોર એક્સરસાઇઝ, વૉલ્ટિંગ હૉર્સ, અનઇવન પૅરેલલ બાર અને બીમની ચાર સ્પર્ધાઓ થાય છે.

નાદિયા કોમેનસી (જિમ્નેસ્ટિક), રુમાનિયા

ઈ. સ. પૂ. ૨૬૦૦માં ચીનમાં અંગકસરતની રમત થતી હોવાનો ઉલ્લેખ છે, જ્યારે ઈ. સ. પૂ. ૨૦૦૦માં ગ્રીસમાં શિક્ષણ અને શરીરબળનો મહિમા થયો, ત્યારે અંગકસરતની રમત એ એનો મૂળ આધાર હતી. સૉક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા શિક્ષાવિદોએ અંગકસરતના પ્રસારમાં ખૂબ રસ લીધો હતો. મધ્યયુગમાં રોમન ખેલાડીઓએ આને સમગ્ર યુરોપમાં લોકપ્રિય બનાવી. આધુનિક અંગકસરતનું વિકસિત રૂપ ઈ. સ. ૧૮૦૦માં ઇંગ્લૅન્ડમાં જોવા મળ્યું. અંગ્રેજીભાષી દેશોમાં તે વ્યાયામના એક ભાગરૂપ હતી, જોકે એને કારણે આ રમતનો યોગ્ય મહિમા થયો નહિ. જ્યારે યુરોપીય દેશોમાં જર્મની અને સ્કૅન્ડિનેવિયન દેશોએ એમાં ઘણી પ્રગતિ સાધી. ઈ. સ. ૧૮૯૬માં અંગકસરતને ઑલિમ્પિક સ્પર્ધામાં સ્થાન મળ્યું. એ પછી એનો વિકાસ અને લોકપ્રિયતા વધતાં રહ્યાં. ૧૯૪૦માં રશિયા અને એ પછી જાપાન અને ચેકોસ્લોવૅકિયાએ આ સ્પર્ધાના ઉત્કૃષ્ટ ખેલાડીઓની જગતને ભેટ ધરી. ૧૯૪૦ પછી તો આ રમતમાં રશિયા અને જાપાનના ખેલાડીઓનું પ્રભુત્વ હતું. ૧૯૫૧માં ભારતમાં અંગકસરત (જિમ્નેસ્ટિક) ઍસોસિયેશનની સ્થાપના થઈ. એ પછીના જ વર્ષે ઑલિમ્પિકમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતે ભાગ લીધો. જિમ્નેસ્ટિકમાં મહિલા-ખેલાડીઓનો વિશેષ મહિમા જોવા મળે છે. એમાં પણ રુમાનિયાની નાદિયા કોમેનસીએે તો જિમ્નેસ્ટિકમાં વૈશ્વિક ચાહના મેળવી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અંગકસરતો (Gymnastics), પૃ. 84)