Categories
વાચન સમૃદ્ધિ

અંગકસરતો (Gymnastics)

વ્યક્તિગત કસરતોના પ્રયોગો. રમતવિશ્વની તમામ સ્પર્ધાઓમાં અંગકસરત(જિમ્નેસ્ટિક)ની સ્પર્ધા સૌથી વધુ કલાત્મક અને આકર્ષક સ્પર્ધા છે. ખેલાડીની આવડત, ચપળતા, શરીરના જુદા જુદા વળાંકોમાં પ્રગટતું કૌશલ – એ બધાંને કારણે આ રમત વિશાળ લોકચાહના ધરાવે છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈની દૃષ્ટિએ પુરુષો માટે અંગકસરતની – ફ્લોર એક્સરસાઇઝ, વૉલ્ટિંગ હૉર્સ, પોમેલ હૉર્સ, પૅરેલલ બાર્સ, હૉરિઝૉન્ટલ બાર અને રોમન રિંગ જેવી સ્પર્ધાઓ છે. એ જ રીતે મહિલાઓ માટે ફ્લોર એક્સરસાઇઝ, વૉલ્ટિંગ હૉર્સ, અનઇવન પૅરેલલ બાર અને બીમની ચાર સ્પર્ધાઓ થાય છે.

નાદિયા કોમેનસી (જિમ્નેસ્ટિક), રુમાનિયા

ઈ. સ. પૂ. ૨૬૦૦માં ચીનમાં અંગકસરતની રમત થતી હોવાનો ઉલ્લેખ છે, જ્યારે ઈ. સ. પૂ. ૨૦૦૦માં ગ્રીસમાં શિક્ષણ અને શરીરબળનો મહિમા થયો, ત્યારે અંગકસરતની રમત એ એનો મૂળ આધાર હતી. સૉક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા શિક્ષાવિદોએ અંગકસરતના પ્રસારમાં ખૂબ રસ લીધો હતો. મધ્યયુગમાં રોમન ખેલાડીઓએ આને સમગ્ર યુરોપમાં લોકપ્રિય બનાવી. આધુનિક અંગકસરતનું વિકસિત રૂપ ઈ. સ. ૧૮૦૦માં ઇંગ્લૅન્ડમાં જોવા મળ્યું. અંગ્રેજીભાષી દેશોમાં તે વ્યાયામના એક ભાગરૂપ હતી, જોકે એને કારણે આ રમતનો યોગ્ય મહિમા થયો નહિ. જ્યારે યુરોપીય દેશોમાં જર્મની અને સ્કૅન્ડિનેવિયન દેશોએ એમાં ઘણી પ્રગતિ સાધી. ઈ. સ. ૧૮૯૬માં અંગકસરતને ઑલિમ્પિક સ્પર્ધામાં સ્થાન મળ્યું. એ પછી એનો વિકાસ અને લોકપ્રિયતા વધતાં રહ્યાં. ૧૯૪૦માં રશિયા અને એ પછી જાપાન અને ચેકોસ્લોવૅકિયાએ આ સ્પર્ધાના ઉત્કૃષ્ટ ખેલાડીઓની જગતને ભેટ ધરી. ૧૯૪૦ પછી તો આ રમતમાં રશિયા અને જાપાનના ખેલાડીઓનું પ્રભુત્વ હતું. ૧૯૫૧માં ભારતમાં અંગકસરત (જિમ્નેસ્ટિક) ઍસોસિયેશનની સ્થાપના થઈ. એ પછીના જ વર્ષે ઑલિમ્પિકમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતે ભાગ લીધો. જિમ્નેસ્ટિકમાં મહિલા-ખેલાડીઓનો વિશેષ મહિમા જોવા મળે છે. એમાં પણ રુમાનિયાની નાદિયા કોમેનસીએે તો જિમ્નેસ્ટિકમાં વૈશ્વિક ચાહના મેળવી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અંગકસરતો (Gymnastics), પૃ. 84)

Categories
વાચન સમૃદ્ધિ

વી. કે. કૃષ્ણ મેનન

જ. 3 મે, 1896 અ. 6 ઑક્ટોબર, 1974

ભારતની આઝાદીના પુરસ્કર્તા, રાજકારણી અને વકીલ વી. કે. કૃષ્ણ મેનનનો જન્મ થિરુવાંગડમાં થયો હતો. તેમનું નામ વેંગલીલ કૃષ્ણન કૃષ્ણ મેનન હતું. પ્રારંભિક શિક્ષણ આયનચેરી અને થાલાસ્સેરીમાં થયું. 1818માં ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા, પછી અધ્યાપન કર્યું. તેઓ થિયૉસૉફીમાં જોડાયા અને એની બેસન્ટ દ્વારા સ્થાપિત ‘બ્રધર્સ ઑવ્ સર્વિસ’ના સભ્ય બન્યા હતા. તેમણે ઇંગ્લૅન્ડ જઈ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની અને પછી બી.એસસી. ઑનર્સ તથા એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1934માં બૅરિસ્ટર બન્યા. તેઓ વિદેશમાં પણ ભારતની આઝાદી માટે સક્રિય રહ્યા હતા. તેમણે ઇન્ડિયા લીગની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ તેના મંત્રી પણ હતા. તેઓ લંડનના સેન્ટ પાર્કન્સમાંથી કાઉન્સિલર અને આર્ટસ કાઉન્સિલના પ્રમુખ હતા. તેઓ પેલિકન બુક્સના પ્રારંભથી સંપાદક હતા. આઝાદી પછી ઇંગ્લૅન્ડમાં ભારતના પ્રથમ ઉચ્ચાયુક્ત બન્યા. તેમણે 1949થી 1962 સુધી રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું હતું. તેમણે કાશ્મીર મુદ્દા પર રાષ્ટ્રસંઘમાં સતત ચાર દિવસ ભાષણ આપ્યું હતું. આ ભાષણ રાષ્ટ્રસંઘમાં આપવામાં આવેલ સૌથી લાંબું ભાષણ હતું. ‘ધ ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડઝ’માં આ ભાષણનો સમાવેશ થયો છે. તેઓ 1956માં કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાતા વિનાના પ્રધાન, 1957-61 દરમિયાન વિદેશપ્રધાન અને 1961-62માં સંરક્ષણ પ્રધાન હતા. તેઓ સેનામાં યોગ્યતા આધારિત પ્રમોશનના હિમાયતી હતા. સંરક્ષણપ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી પણ તેઓ નહેરુના સલાહકાર હતા. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સિનિયર કાઉન્સેલર હતા. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘બ્રિટન્સ પ્રિઝનર’, ‘અગેન્સ્ટ ફાસિઝમ’, ‘બ્રિટન ઍન્ડ ફ્રીડમ’ ઉલ્લેખનીય છે. તેમને પદ્મવિભૂષણ, સીરિયન ઑર્ડર ઑવ્ મેરિટ તેમજ બાંગ્લાદેશ લિબરેશન વૉર ઑનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1997માં તેમની સ્મૃતિમાં બે રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દતિયા

મધ્યપ્રદેશના ઉત્તર મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 50´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે ભિન્ડ જિલ્લો, પશ્ચિમે ગ્વાલિયર જિલ્લો, દક્ષિણે શિવપુરી જિલ્લો અને પૂર્વે ઉત્તરપ્રદેશનો ઝાંસી જિલ્લો સીમા બનાવે છે. સિંદ અને બેટવા નદીઓ વચ્ચેના સપાટ ફળદ્રૂપ મેદાની વિસ્તારમાં આ જિલ્લો આવેલો છે. આ જિલ્લાની આબોહવા અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળામાં તાપમાન 26°થી 42° સે. જ્યારે શિયાળાનું તાપમાન 13°થી 29° સે. જેટલું રહે છે. અહીં વરસાદની માત્રા આશરે 500 મિમી.થી 1000 મિમી. રહે છે. વરસાદ મોટે ભાગે જૂનથી સપ્ટેમ્બર માસમાં પડે છે. આ જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે. જિલ્લાનાં કૃષિ ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, જવ તેમજ બરછટ અનાજની ખેતી થાય છે.

પીતાંબરા પીઠ (શક્તિપીઠ), દતિયા

આ જિલ્લાનો વિસ્તાર 2,902 ચો.કિમી. અને વસ્તી 9,50,000 (2026 મુજબ, આશરે) છે. સાક્ષરતાનું પ્રમાણ 72.63% છે. અહીં મોટે ભાગે લોકો હિન્દી ભાષા બોલે છે. આ જિલ્લામાં 445 ગામડાં અને પાંચ શહેરો આવેલાં છે. આ જિલ્લાના છ તાલુકા છે જેમાં દતિયા, બડોની, સેઓન્ધા, ભાંડેર અને ઇન્ડેરગઢ છે. આ જિલ્લામાં પીતાંબરા પીઠ, રતનગઢ માતાનું મંદિર, સોનાગિરિ, ઉનાઓ બાલાજી સૂર્યમંદિર, દતિયા મહેલ અને દતિયા બોટ ક્લબ જોવાલાયક સ્થળો છે. દતિયા (શહેર) : આ શહેર ‘દતિયાવકરા’ તરીકે ઓળખાય છે. દતિયા જિલ્લાનું મુખ્ય મથક છે. સમુદ્રની સપાટીથી તે 302 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેરની વસ્તી (2026 મુજબ, આશરે) 1,50,000 છે. ગ્વાલિયર અને નાગપુરને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું મુખ્ય જંકશન છે. આ શહેરથી ગ્વાલિયર 78 કિમી. દૂર અને ઝાંસીથી 28 કિમી. દૂર છે. દતિયા શહેરમાં પ્રવેશતાં જ પીતાંબરા પીઠ આવેલું છે. જે શક્તિપીઠ તરીકે જાણીતું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દતિયા, પૃ. 193 અથવા જુઓ https://gujarativishwakosh.org/દતિયા/)