Categories
વાચન સમૃદ્ધિ

અખલાક મોહમ્મદ ખાન

જ. ૧૬ જૂન, ૧૯૩૬ અ. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨

એક ભારતીય શિક્ષણવિદ, દિગ્ગજ ઉર્દૂ કવિ અને હિન્દી ફિલ્મ ગીતકાર અખલાક મોહમ્મદ ખાન તેમના તખલ્લુસ ‘શહરયાર’ દ્વારા વધુ જાણીતા હતા. તેમનો જન્મ બરેલીના આઓનલા ખાતે એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. બાળપણમાં શહરયાર રમતવીર બનવા માંગતા હતા, પરંતુ તેમના પિતાની ઇચ્છા હતી કે તેઓ પોલીસમાં જોડાય. આથી શહરયાર ઘરેથી ભાગી ગયા અને તેમણે ખલીલ-ઉર-રહેમાન આઝમી નામના પ્રખ્યાત ઉર્દૂ વિવેચક અને કવિ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે ૧૯૫૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. પાસ કર્યું હતું. ૧૯૬૧માં તેમણે ઉર્દૂમાં એમ.એ. પાસ કરી એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું. શહરયારે ૧૯૬૧માં અંજુમન તરક્કી-એ-ઉર્દૂના સાપ્તાહિક મૅગેઝિન ‘હમારી ઝુબાન’ના લેખક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૬૬માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઉર્દૂના લેક્ચરર તરીકે જોડાયા અને ૧૯૮૬માં પ્રોફેસર બની ૧૯૯૬માં નિવૃત્ત થયા હતા. તેમણે સાહિત્યિક સામયિક ‘શેર-ઓ-હિકમત’માં કવિતા અને તત્ત્વજ્ઞાનનું સહસંપાદન કર્યું હતું. શહરયાર સૌથી વધુ જાણીતા છે તેમની પસંદગીની ફિલ્મોના ગીતકાર તરીકે. ૧૯૭૮માં ‘ગમન’ ફિલ્મ માટે લખેલી ગઝલ ‘સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ’ તો ફિલ્મ ‘ઉમરાવજાન’ માટે લખેલી ‘દિલ ચીઝ ક્યા હૈ’, ‘યે ક્યા જગહ હૈ’ અને ‘ઇન આંખો કી મસ્તી કે’ જેવી ગઝલો બોલિવૂડમાં શ્રેષ્ઠ ગીતાત્મક કૃતિઓમાંની એક છે. શહરયારને તેમના કાવ્યસંગ્રહ ‘ખ્વાબ કા દર બંદ હૈ’ ૧૯૮૭ માટે ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે. તો ફિરાક અને બહાદુરશાહ ઝફર જેવા ઍવૉર્ડ બાદ ૨૦૦૮માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ ચોથા ઉર્દૂ સર્જક છે.

Categories
વાચન સમૃદ્ધિ

આનું નામ ઍડિસન

૧૯મી સદીના ઉત્તરાર્ધના મહાન અમેરિકન સંશોધક થોમસ આલ્વા ઍડિસન (ઈ. સ. ૧૮૪૭થી ઈ. સ. ૧૯૩૧) જીવનભર વૈજ્ઞાનિક શોધોમાં રચ્યાપચ્યા રહ્યા. ઍડિસને સાત વર્ષની વયે શાળાશિક્ષણનો પ્રારંભ કર્યો. ત્રણ મહિના પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહીને શાળામાંથી કાઢી મૂક્યા. માતાએ ઘેર ભણાવીને એમની જ્ઞાનપિપાસા જાગૃત કરી. દસ વર્ષની વયે ઘરમાં પ્રયોગશાળા બનાવીને સ્વરચિત ટેલિગ્રાફ સેટ પણ ચાલુ કર્યો. નબળી આર્થિક સ્થિતિને કારણે બાર વર્ષની ઉંમરે રેલવેમાં છાપાં અને ખાટીમીઠી ગોળી વેચવાનું શરૂ કર્યું અને પછી ઘરમાં પ્રયોગશાળા બનાવીને પ્રયોગો કરવા લાગ્યા. ઇલેક્ટ્રિક બલ્બ, મોશન પિક્ચર કૅમેરા જેવાં ૧૦૯૩ જેટલાં નવાં સંશોધનો કર્યાં. આ મહાન વૈજ્ઞાનિકને એનું ફાર્મહાઉસ ખૂબ ગમતું હતું અને અહીં જ એ જુદા જુદા પ્રયોગો તથા વૈજ્ઞાનિક પરીક્ષણો કરતા હતા. પોતાના આ ફાર્મહાઉસમાં થોમસ આલ્વા ઍડિસન મુલાકાતીઓને પોતે બનાવેલાં અનેક મશીનો ને ઉપકરણો બતાવતા હતા. આ એવાં સાધનો હતાં કે જે વ્યક્તિનાં સમય અને શક્તિનો ઘણો બચાવ કરતાં હતાં. આ ફાર્મહાઉસના પાછળના રસ્તે એક ગોળ ફરતું લાકડાનું ફાટક ફેરવીને દરેક મુલાકાતીને જવું પડતું. વળી આ ફાટક વજનદાર હોવાથી મુલાકાતીએ એ લાકડું ફેરવવા માટે થોડું જોર પણ વાપરવું પડતું.  એક વાર એક મુલાકાતીએ આ ભારે વજનદાર ફાટકના લાકડા અંગે થોમસ આલ્વા ઍડિસનને પૂછ્યું, ‘તમે આટલાં નવાં નવાં સંશોધનો કરો છો, સમય અને શક્તિ બચાવે તેવાં અદભુત ઉપકરણો બનાવો છો, તો પછી તમારા આ ફાર્મહાઉસ તરફ પાછા જવા માટે આવું સાવ સાદું ગોળ ફેરવવાનું ચકરડાવાળું ફાટક શા માટે રાખ્યું છે ?’ થોમસ આલ્વા ઍડિસને કહ્યું, ‘જુઓ ભાઈ, આ ફાટકનું ચકરડું એક વાર ફેરવવાથી મારા ફાર્મહાઉસની ટાંકીમાં આઠ ગેલન પાણી ચડી જાય છે. સમજ્યાને !’

Categories
વાચન સમૃદ્ધિ

કે. કે. હેબ્બર

જ. ૧૫ જૂન, ૧૯૧૧ અ. ૨૬ માર્ચ, ૧૯૯૬

એક ભારતીય ચિત્રકાર અને કલાશિક્ષક તરીકે જાણીતા કે. કે. હેબ્બરનું પૂરું નામ કટ્ટિંગેરી કૃષ્ણ હેબ્બર છે. તેમનો જન્મ કર્ણાટકના ઉડુપી નજીક કટ્ટિંગેરીમાં એક તુલુભાષી પરિવારમાં થયો હતો. પોતે દોરેલ છબીઓની મદદથી શકુંતલા નાટક શીખવતી વખતે શાળાનું ઇન્સ્પેક્શન કરવા આવેલા અધિકારીએ હેબ્બરની કલાપ્રતિભા જોઈ અને તેમને કલાનું શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૯૩૩માં હેબ્બર મુંબઈ આવ્યા અને જી. એસ. દંડવતીમઠ દ્વારા સ્થાપિત આર્ટ સ્કૂલ, નૂતન કલામંદિરમાં અભ્યાસ શરૂ કર્યો હતો. તેમણે છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે આવેલ કોપાર્ડે સ્ટુડિયોમાં રિટચિંગ અને એન્લાર્જમેન્ટનું કામ કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૫ સુધી સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કલાશિક્ષક તરીકે કામ કરી તેમણે પોતાની કલાનો વિકાસ ચાલુ રાખ્યો હતો. તેમણે કલા ઇતિહાસકાર આનંદ કુમારસ્વામીનાં લખાણો, જૈન હસ્તપ્રતોની કલા, રાજપૂત અને મુઘલ લઘુચિત્રો અને અજંતાની ગુફાઓમાં ભીંતચિત્રો સહિત વિવિધ સ્રોતોમાંથી પ્રેરણા લીધી હતી. હેબ્બર ૧૯૩૯માં અમૃતા શેરગિલને મળ્યા ત્યારે તેમનાં ચિત્રોમાં ભારતીય કલા અને પશ્ચિમી કલાની ટૅકનિકનો સંગમ જોઈને તેઓ ખૂબ આકર્ષાયા હતા. ૧૯૪૯-૫૦માં તેઓ યુરોપ ગયા જ્યાં તેમણે પૅરિસમાં આવેલી એકૅડેમી જુલિયનમાં જોડાઈને ૨૦ અઠવાડિયાંનો ચિત્રકામનો કોર્સ પણ પૂરો કર્યો હતો. હેબ્બરે પંડિત સુંદરપ્રસાદ પાસેથી બે વર્ષ સુધી કથક નૃત્યની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમણે મુંબઈના રૉયલ ઓપેરા હાઉસમાં એક વાર પ્રદર્શન પણ યોજ્યું હતું. ૧૯૬૧માં લખાયેલા તેમના પુસ્તક ‘ધ સિંગિંગ લાઇન’માં તેમની રેખા-કલાનાં વિવિધ પ્રવાહી સર્જનો જોઈ શકાય છે. તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘હિલ સ્ટેશન’, ‘કાર્લા ગુફાઓ’, ‘ભિક્ષુક’, ‘હંગ્રી સોલ’, ‘ફોક રિધમ’ અને ‘ફુલ મૂન’નો સમાવેશ થાય છે. તેમનું અબ્દુલ કલામ આઝાદનું ચિત્ર સંસદભવન  દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. તેમને મૈસૂર યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ્. અને ભારત સરકાર તરફથી ૧૯૬૧માં પદ્મશ્રી અને ૧૯૮૯માં પદ્મભૂષણ જેવાં સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયાં હતાં.