રાજસ્થાનના ૩૩ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. જોધપુર જિલ્લો ૨૬°થી ૨૭° ૩૭´ ઉ. અ. અને ૭૨° ૫૫´થી ૭૩° ૫૨´ પૂ. રે. વચ્ચે આવેલો છે. ઉત્તરે બિકાનેર અને વાયવ્યે જેસલમેર જિલ્લા, દક્ષિણે બારમેર અને પાલી અને પૂર્વમાં નાગોર જિલ્લો છે. ઉત્તરથી દક્ષિણ ૧૯૭ કિમી. લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ ૨૦૮ કિમી. પહોળાઈ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૨,૮૫૦ ચોકિમી. છે. જોધપુર જિલ્લાનો નીચાણવાળો ભાગ, અરવલ્લી ગિરિમાળા, અગ્નિખૂણે આવેલ રાજસ્થાનના ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમે અને વાયવ્ય ખૂણે થરના રણની વચ્ચે આવેલો છે. અર્ધરણ જેવા સપાટ પ્રદેશ વચ્ચે રેતીના ઢૂવા થાય છે. અરવલ્લીના ફાંટા રૂપે આવેલા ડુંગરો ૬૦થી ૧૫૦ મી. ઊંચા છે અને વનસ્પતિ વિનાના છે. જિલ્લાનો શુષ્ક પ્રદેશ રેતાળ છે પણ અરવલ્લી અને લૂણી નદી વચ્ચેનો પ્રદેશ ખેતીલાયક છે. અહીં પાણી ખૂબ ઊંડાઈએ મળે છે. જોધપુર જિલ્લાની આબોહવા રણ જેવી છે. ઉનાળામાં મે માસમાં વધુમાં વધુ તાપમાન ૪૯° સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન ૧૪° સે. હોય છે. ઉનાળામાં સખત લૂ વાય છે. સરેરાશ વરસાદ ૨૫૦થી ૫૦૦ મિમી. પડે છે. જિલ્લાની માટીમાં રેતીનું પ્રમાણ વધારે છે. માટી લાલ તથા ખારાશવાળી છે. ખેતીના પાકોમાં જુવાર, બાજરો, સરસવ, એરંડા, ગુવાર, મગ, મઠ વગેરે મુખ્ય છે. પાણીની સગવડ હોય ત્યાં થોડા પ્રમાણમાં ઘઉં અને ચણા થાય છે.
પશુઓમાં ઘેટાં, બકરાં અને ગાય, બળદ, ઊંટ, ઘોડા વગેરે છે. વન્ય પશુઓમાં વાઘ, રીંછ, સાબર, ચીતળ અને રોઝ મુખ્ય છે. ફલોદી પાસેના ખારા તળાવના પાણીનો મીઠું બનાવવા માટે ઉપયોગ થાય છે. આ સિવાય ચિરોડી, બાંધકામ માટેનો પથ્થર અને મુલતાની માટી વગેરે ખનિજો પણ છે. આછો ગુલાબી પથ્થર અને બલુઆ પથ્થર પ્રસિદ્ધ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઉદ્યોગો મુખ્યત્વે જોધપુર શહેરમાં આવેલા છે. અહીં ગરમ કાપડની મિલ, સિમેન્ટનું કારખાનું, મોટરના પિસ્ટન અને કૂલર, શાફ્ટ વગેરેના છૂટક ભાગો બનાવવાનું કારખાનું; કાચ, લોખંડનું રાચરચીલું, ચામડાની બૅગ, પગરખાં તથા ઍલ્યુમિનિયમની વસ્તુઓ અને વાસણો વગેરેનાં કારખાનાં છે. રંગાટી તથા છાપકામ, ધાબળા, બાંધણી વગેરે ગૃહઉદ્યોગો વિકસ્યા છે. જોધપુરમાં રાજસ્થાન રાજ્યની સંગીત અકાદમી, વિશ્વવિદ્યાલય, ઇજનેરી તથા અન્ય કૉલેજ, સંગ્રહસ્થાન વગેરે આવેલાં છે. જોધપુર જિલ્લાની વસ્તી ૨૦૨૪માં ૪૭,૯૦,૦૦૦ (આશરે) છે. તે ધોરી માર્ગે રેલવે દ્વારા બિકાનેર, જેસલમેર, જયપુર, અમદાવાદ, દિલ્હી, અજમેર તથા રાજસ્થાનનાં મુખ્ય વેપારી કેન્દ્રો તથા જિલ્લામથકો સાથે જોડાયેલું છે. અહીં ઍર ઇન્ડિયાનું વિમાનઘર તથા વાયુસેનાનું મથક છે. જસવંત થડામાં ટકોરા મારવાથી સંગીતના સૂર કાઢતું સંગેમરમરનું સ્ફટિક ભવન છે. જોધપુરની પ્રાચીન રાજધાની મંડોર કે માંડવગઢમાં કિલ્લો, જનાના ઉદ્યાન, દેવતાઓનો સાલ મહેલ અને સંગ્રહાલય છે.
શંકરલાલ ત્રિવેદી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોધપુર, પૃ. 27)
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી