Categories
વાચન સમૃદ્ધિ

ત્સુનામી

સમુદ્રતળમાં થતા ભૂકંપ(સમુદ્રકંપ–seaquake)થી ઉદ્ભવતા વિશિષ્ટ પ્રકારના ભરતીતરંગો. તે સમુદ્રસપાટી પરથી વિરાટ ભરતી રૂપે કાંઠા તરફ ધસી આવીને વિનાશકારી બને છે. સમુદ્રમાં નિયમિત આવતી ભરતી કરતાં આ તરંગો ભિન્ન પ્રકારના હોય છે. આ તરંગો સમુદ્રકંપને કારણે ઉત્પન્ન થતા હોવાથી તેમને ભૂકંપીય સમુદ્રતરંગો (seismic sea waves) પણ કહે છે. આ પ્રકારની ઘટના પૅસિફિક મહાસાગરમાં, વિશેષે કરીને જાપાન નજીક અવારનવાર થતી રહેતી હોવાથી જાપાની ભાષામાં ‘ત્સુનામી’ નામે પ્રચિલત બનેલી છે.

ત્સુનામી – એક દૃશ્ય

ભૂકંપ આલેખની સહાયથી વિજ્ઞાનીઓ (ભૂકંપશાસ્ત્રીઓ) અમુક કાંઠે ત્સુનામી ક્યારે ત્રાટકશે તેનું પૂર્વાનુમાન કરી શકે છે. ઉદાહરણ રૂપે, એલ્યુશિયન ટાપુઓ નજીકના સમુદ્રતળ પર ભૂકંપ નોંધાય તો હવાઈ ટાપુઓના કાંઠે ત્સુનામીનો ભય તેઓ કળી જાય છે. એલ્યુશિયન નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવતા ભૂકંપતરંગોને હવાઈ ટાપુ સુધી પહોંચતાં લાગેલા સમયની નોંધ લેવાય છે. એલ્યુશિયન ટાપુ નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવેલા ભૂકંપતરંગો જો ચાર મિનિટમાં હવાઈ ખાતે નોંધાય તો ત્સુનામી ભરતી તરંગો હવાઈમાં ચાર કલાકે પહોંચશે એવી આગાહી થઈ શકે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા ત્સુનામીની તરંગ-લંબાઈ 100થી 150 કિમી. જેટલી રહે છે અને પ્રતિ કલાકે તે 640થી 970 કિમી. વેગથી સફર કરે છે, જોકે પાણીની ઊંડાઈ પ્રમાણે તેના વેગમાં વધઘટ થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉદ્ભવતા આ તરંગો ક્યારેક વીખરાઈ પણ જતા હોય છે. તેમની ઊંચાઈ 1 મીટર કે તેથી ઓછી હોય છે; પરંતુ કાંઠે પહોંચે ત્યારે અને પાણી છીછરું હોય તો તે 30 મીટર જેટલી ઊંચી દીવાલ રચી શકે છે. સમુદ્રમાં થતા આ પ્રકારના જળવંટોળને કારણે ઉદ્ભવતા ભરતીતરંગને વંટોળ-ઉત્સર્ગ (storm surge) પણ કહે છે. પવનનો વેગ, વંટોળની અવધિ, પવન તળેનો સમુદ્રવ્યાપ અને વાયુદાબ મુજબ આ તરંગોના કદમાં ફરક પડે છે. સમુદ્રભરતીના સમયે જ જો તરંગો કાંઠા પર પહોંચે અને ત્રાટકે તો વધારે વિનાશક નીવડે છે. 1946માં હવાઈમાં હિલો ખાતે ત્સુનામીએ વિઘાતક અસર પહોંચાડેલી. સમુદ્રતળ પર ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે પણ ત્સુનામી ઉદ્ભવી શકે છે; દા. ત., 1883માં ક્રાકતાવમાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્સુનામી, પૃ. 106 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્સુનામી/)

Categories
વાચન સમૃદ્ધિ

હેમંત દેસાઈ

જ. 27 માર્ચ, 1934 અ. 2 ઑક્ટોબર, 2011

ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હેમંત દેસાઈનો જન્મ અમલસાડ પાસે આવેલા ગંધોર ગામે થયો હતો. વતન બીલીમોરા. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ મંજુલાબહેન. 1957માં બી.એ.; 1959માં એમ.એ. અને 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી. બીલીમોરાની ટાટા હાઈસ્કૂલ અને અમદાવાદની સી. એન. વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. નવસારીની ગાર્ડા કૉલેજમાં અભ્યાસ દરમિયાન કવિ ઉશનસ્ ના પરિચયમાં આવ્યા. હેમંત દેસાઈને કવિતાના પાઠ શીખવા મળ્યા. રાજેન્દ્ર શાહ, ઉશનસ્ અને જયંત પાઠકનું સાન્નિધ્ય પણ મળ્યું. બચુભાઈ રાવત અને પિનાકિન ઠાકોર વગેરે કવિ-વિવેચકો પાસેથી પણ માર્ગદર્શન મળતું રહ્યું. કવિતા, વિવેચન અને સંશોધનની સાથે સાથે વિવિધ કૉલેજમાં અધ્યાપનનું કાર્ય પણ ચાલતું રહ્યું. અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, એલ. ડી. આર્ટસ કૉલેજ અને સાબરમતી આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ તરીકે સેવા આપ્યા પછી 1994માં સેવાનિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહી ચૂકેલા. 1997-98 દરમિયાન ‘કવિલોક’ દ્વૈમાસિકના તંત્રી હતા. કવિતા, વિવેચન અને સંપાદનમાં તેમની કલમ ચાલી છે. ‘ઇંગિત’, ‘મ્હેંક નજરોની ગ્હેક સપનોની’, ‘સોનલમૃગ’, ‘વરદાન ફૂલનું’ અને ‘સહજતયા’ એમના કાવ્યસંગ્રહો છે. ‘ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર’, ‘કવિતાની સમજ’, ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ’, ‘કાવ્યસંગતિ’, ‘કલાપી’, તેમના વિવેચનના અને સંશોધનના ગ્રંથો છે. ‘કૂણાં સમણાંની જૂની ડાળ’ (શિશિરઋતુનાં કાવ્યોનો સંચય), ‘કદંબ કેરી છાયા’ (ભાનુપ્રસાદ પંડ્યા સાથે પીયૂષ પંડ્યાના કાવ્યસંગ્રહનાં કેટલાંક કાવ્યોના આસ્વાદલેખોનો સંચય) અને ‘ગુજરાતી કવિતાચયન’ તેમના સંપાદનોના સંગ્રહો છે. હેમંત દેસાઈના સાહિત્યસર્જનને વિવિધ ચંદ્રકો પણ મળ્યા છે. 1958માં કુમારચંદ્રક, 1987માં અખિલ ભારતીય કલાપી ઍવૉર્ડ, ‘કવિતાની સમજ’ કાવ્યસંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં ‘શબ્દાશ્રય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોષી વિવેચન પારિતોષિક અને અ. ક. ત્રિવેદી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રધાનમંડળમાં એકમત

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનને (ઈ. સ. 1809 થી 1865) જીવનભર ઉપહાસ અને પ્રતિકારનો સામનો કરવો પડ્યો. રીઢા રાજકારણીઓ એમ માનતા હતા કે જંગલમાં વસનારો કઠિયારો નસીબના જોરે ભલે દેશનો પ્રમુખ બની બેઠો હોય, પરંતુ એને ક્યાંથી કુનેહભર્યા રાજકારણના કાવાદાવાનો ખ્યાલ આવશે? એની રેવડી દાણાદાણ થશે અંતે ઘોર નિષ્ફળતાથી નાસીપાસ થશે. અધૂરામાં પૂરું અમેરિકાના આંતરવિગ્રહના સમયમાં લિંકને રચેલી સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકારમાં એણે પોતાના રિપબ્લિકન પક્ષમાંથી ત્રણ પ્રધાનો પસંદ કર્યા અને વિરોધી એવા ડેમોક્રૅટિક પક્ષમાં ચાર વ્યક્તિઓની પ્રધાનપદે નિમણૂક કરી. લિંકન નિર્ભય હતા. અમેરિકાની અખંડિતતા અને ગુલામોની મુક્તિની બાબતમાં કશી બાંધછોડ નહીં કરનારા લિંકન વિરોધની પરવા કરતા નહોતા. કોઈ લિંકનને કહેતું કે ‘આમાં બંને પક્ષનું સમતોલપણું ક્યાં ?’ ત્યારે લિંકન એમ કહેતા કે, ‘હું રિપબ્લિક પક્ષનો હોવાથી હું ચોથો. આથી પ્રધાનમંડળ સમતોલ ગણાય.’ એના પક્ષના જ લોકોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો અને એક પ્રધાને તો વિવેક છોડીને પ્રમુખ અબ્રાહમ લિંકનને લખ્યું, ‘દેશની રાજ્યવ્યવસ્થા અને વિદેશનીતિનું સંચાલન અને નિયમન કોણ કરશે ? આ માટેની સઘળી જવાબદારી ઉપાડવા માટે હું તૈયાર છું, પરંતુ એનો યશ તો પ્રમુખને ભાગે જ જશે ને !’ લિંકન એમનો ઇરાદો પારખી ગયા. એમને વિનયપૂર્વક જવાબ આપ્યો, પણ થોડા જ સમયમાં એમની દીર્ઘદૃષ્ટિ, કાર્યશક્તિ, આવડત અને મીઠાશથી બધા પ્રધાનો લિંકનની પ્રશંસા કરવા લાગ્યા અને એક પ્રધાને તો એમ પણ કહ્યું કે, ‘અમારા પ્રધાનમંડળમાં મત માત્ર એક જ છે અને તે પ્રમુખનો.’