તમે રાત-દિવસ ચિંતાથી ઘેરાયેલા રહો છો ? તમારું મન આ પ્રકારની કે તે પ્રકારની ચિંતાથી વિહવળ રહ્યા કરે છે ? ભૂતકાળની ચિંતા, ભવિષ્યની ફિકર અને વર્તમાનની અકળામણ તમારા મનને સતત પરેશાન કરે છે. જાણે જીવનનો પર્યાય જ છે ચિંતા ! સવાલ એ જાગે કે આ ચિંતા કેમ કેડો જ છોડતી નથી ! પરંતુ તમારી આ ચિંતાઓમાં કેટલીક ચિંતા એવી છે કે જે વ્યર્થ અને અર્થહીન છે. અમુક પરિસ્થિતિને તમે બદલી શકો તેમ નથી, છતાં તેને માટે ચિંતા કર્યે જાવ છો. માણસની પ્રકૃતિને તમે ફેરવી શકો તેમ નથી, છતાં એની કોશિશમાં ડૂબેલા છો. સમાજની તરાહ કે દેશનાં દૂષણોની ફિકર કરીને કરીશું શું ? આમ ચિંતા કરીને સમય અને જીવનને વ્યર્થ બરબાદ કરશો નહીં. ચિતા માનવીના મૃતદેહને જલાવે છે, પણ એ પૂર્વે ચિંતાએ એના જીવંત દેહને કેટલીય વાર જીવતો સળગાવ્યો છે. ક્યારેક વર્તમાનની સમસ્યાએ એનામાં ચિંતા ઊભી કરી છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાએ એનામાં ચિંતાનું સર્જન કર્યું છે. ચાળીસ વર્ષના માનવી પાસે ચારસો વર્ષ ચાલે તેટલું ચિંતાનું ભાથું હોય છે. વળી એ પોતાની ચિંતા બીજાનેય ઉધાર આપતો રહે છે. બીજી બાબત એવી છે કે જેને તમે ફેરવી શકો છો, બદલી શકો છો, તેની ચિંતા છોડીને તેને એના પરિવર્તનના કામમાં મંડી પડો ! ચિંતા કરવાને બદલે અમલનો વિચાર કરો. ચિંતા મનનો બોજ સતત વધારતી રહે છે. ચિંતા તો નાની હોય છે, પણ એનો જ વિચાર કરવાને કારણે દસ ગણી મોટી થઈ જાય છે ! મૂળ પ્રશ્ન નાનો હોય, પણ ચિંતાને કારણે મહાપ્રશ્ન બની જાય છે, માટે ચિંતાને તમારા જીવનમાં યોગ્ય સ્થાન આપો. ક્યાં છે એ ચિંતાનું તમારા જીવનમાં સ્થાન ? એનું સ્થાન છે તમારા જીવનની બહાર !
મિલ-ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ, દાનવીર, સમાજસેવક, સ્ત્રીકેળવણીના હિમાયતી અજાતશત્રુ જયકૃષ્ણભાઈનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા હરિવલ્લભદાસ અને માતા મહાલક્ષ્મીબહેન. 1926માં પિતાની સાથે અમદાવાદ આવ્યા. 18 વર્ષની વયે પિતાના વ્યવસાયમાં જોડાયા અને કુશળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી. તેમણે શ્રી અંબિકા ગ્રૂપના નામે પાંચ ટેક્સટાઇલ મિલોનું સંચાલન કર્યું. તેઓ 31 વર્ષની વયે દરિયાપુર મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા. એ પછી 42 વર્ષની ઉંમરે 4 મે, 1961થી 4 મે, 1965 સુધી અમદાવાદના મેયર બની સમાજસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. તેમણે કૉર્પોરેશનની સમિતિઓમાં વિરોધપક્ષના સભ્યોને પ્રતિનિધિત્વ અપાવી એક નવી પરંપરા શરૂ કરી. તીર્થધામ વિકાસ, કેળવણી અને આરોગ્યક્ષેત્રે તેમણે મહત્ત્વનાં કાર્યો કર્યાં. તેઓ 1961થી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ચાન્સેલર અને 1963થી પ્રમુખ રહ્યા. તેમણે એચ. કે. આર્ટસ અને એચ. કે. કૉમર્સ કૉલેજનું સંચાલન કર્યું. મહીપતરામ રૂપરામ આશ્રમમાં 47 વર્ષ સુધી ચૅરમૅન તરીકે કાર્ય કર્યું. તેમણે અટિરાની ગવર્નિંગ કાઉન્સિલમાં 28 વર્ષ અને વહીવટી સભાના પ્રમુખ તરીકે 8 વર્ષ કાર્ય કર્યું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીના આરંભે 38 વર્ષ સુધી ઉપપ્રમુખ અને પછીથી પ્રમુખ બન્યા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનની ગવર્નિંગ કાઉન્સિલમાં 38 વર્ષ રહ્યા. તેમણે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપનીના ચૅરમૅન, અપંગ માનવ મંડળ, અંધજન માનવ મંડળ, ઇન્ડો-જાપાન ફ્રૅન્ડશિપ ઍસોસિયેશન, ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન તેમજ અમદાવાદ મિલ-માલિક મંડળના પ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી. કૅન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં અને મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં ફાળો આપ્યો હતો. તેઓ 27 એપ્રિલ, 1995થી અવસાન સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમને જાપાનના પ્રતિષ્ઠિત ‘ધી ઑર્ડર ઑફ ધ રાઇઝિંગ સન’ ઍવૉર્ડ, રાજીવ ગાંધી ગોલ્ડમેડલ અને સમાજરત્નના ઇલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન : તે ૩૨° ૫૩´ ઉ. અ.થી ૩૪° ૨૧´ ઉ. અ. અને ૭૫° ૧´ પૂ. રે.થી ૭૬° ૪૭ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે. સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૧૦૭ મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય, દક્ષિણે કથુઆ, નૈર્ઋત્યે ઉધમપુર જિલ્લો, પશ્ચિમે રામબન જિલ્લો અને વાયવ્યે અનંતનાગ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – આબોહવા- વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : સપાટ ડુંગરધાર તથા ૬૦૦ મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે આ પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા છે. મોટા ભાગની નદીઓએ કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. અહીં મુખ્ય નદી ચિનાબ છે. આ જિલ્લામાં હિમાલય પર્વતીય હારમાળાના ઊંચાઈ ધરાવતા ડુંગરો આવેલા હોવાથી ચોક્કસ આબોહવા કહી શકાય નહીં. દરેક સ્થળે તાપમાનની વિવિધતા હોય છે. રામબન અને ડોડામા તાલુકાઓનું તાપમાન હૂંફાળું રહે છે. ખાસ કરીને ડેસા ખીણ, ભાગવા તાલુકા, મારવાહ, વારવાનક્ષેત્રો મુખ્ય છે. ઉનાળામાં વરસાદ અનુભવાતો નથી. શિયાળામાં બરફવર્ષા થતી રહે છે, પરંતુ ઊંચાઈ ધરાવતા સ્થળે કાયમ બરફવર્ષા થતી જ રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર માસનો છે. ડોડા ખાતે આ સમયમાં મહત્તમ વરસાદ પડતો હોય છે. આ જિલ્લામાં સરેરાશ વરસાદ ૯૨૬ મિમી. જ્યારે બરફવર્ષા ૧૩૫ મિમી. રહે છે. અહીં આલ્પાઈન જંગલો તથા ચરાણભૂમિનું મિશ્રણ જોવા મળે છે. મોટે ભાગે અહીં સિલ્વર ફર, ચીડ, જુનીયર અને બર્ચ જેવાં પોચા લાકડાનાં વૃક્ષો જોવા મળે છે. અનેક પ્રકારના ફૂલોના છોડ અને નાના વેલાઓ પણ અધિક છે. ઢોળાવવાળા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળતું હોવાથી પશુપાલનપ્રવૃત્તિ વિકસેલી છે. આ જંગલોમાં હરણ, સાબર, રીંછ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
ચંડીમાતાનું મંદિર
અર્થતંત્ર : આ જિલ્લામાં જમીન કાંકરા-પથ્થરવાળી હોવાથી ફળદ્રૂપતા ઓછી છે. આ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. આ જિલ્લામાં ડાંગર, મકાઈ, જવ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને કેસરની ખેતી થાય છે. આ જિલ્લાનાં આશરે ૬૦૦૦ ઘરો ખેતી સાથે સંકળાયેલાં છે. આ જિલ્લાની ૮૧૯૩ હેક્ટર ભૂમિ ઉપર તાજાં ફળોની ખેતી થાય છે. જ્યારે ૬૦૨૯ હેક્ટર ભૂમિ ઉપર સૂકાં ફળોની ખેતી થાય છે. અહીં સફરજન, અખરોટ, કીવી, પીચ, ચેરી, ખાટાં ફળો, બદામ અને ઑલિવની ખેતી થાય છે. અહીં અફીણની પણ ખેતી લેવાય છે. પરિવહન – પ્રવાસન : જમ્મુથી ૧૭૫ કિમી. અને શ્રીનગરથી ૨૦૦ કિમી. દૂર ડોડા જિલ્લામથક આવેલું છે. આ ઉપરાંત જિલ્લામાં રાજ્ય પરિવહનની બસો, ડિલક્ષ બસો – ટૅક્સી, ટેમ્પાની સુવિધા છે. ડોડા જિલ્લો ત્યાંના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં અનેક ‘પિકનિક સ્પોટ્સ’ આવેલાં છે. જેમ કે, જઈ ખીણ, ચિન્તા ખીણ, ભાલ પડરી, ખાનમટોપ, ગુલડાન્ડા, નલથી, ખેલાની ટોપ, સરોવરસૌંદર્ય માટે રિસૉર્ટ ગાથા, લાલ ધરમન, ડાલ ધરમન, ડેડની, હરિયાળી ઘાસભૂમિ, ડેહરા ટોપ, માર્ગન ટોપ, પૌલ-ડોડા-રામબન જળાશય વગેરે. યાત્રાધામોમાં કૈલાસ કુંડ, રૌશેરા માતાનું મંદિર, નાગાણી માતાનું મંદિર, સુબર નાગ મંદિર, ચંડીમાતાનું મંદિર, ગુપ્તગંગા મંદિર, વાસુકિ નાગ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તી : આ જિલ્લાની વસ્તી (૨૦૨૫ મુજબ) ૪,૯૦,૨૮૩ છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૬૮% છે. ભાદેરવાહ, ડોડા અને થાથરી ત્રણ શહેરો છે.
નીતિન કોઠારી, શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮ અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોડા/)