જ. ૧ જુલાઈ, ૧૮૭૭ અ. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૮

શ્રી સુમંતભાઈ મહેતાનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડૉ. બટુકરામ શોભારામ મહેતા. માતાનું નામ ડાહીગૌરી. પિતા બટુકરામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તથા મુંબઈમાં લીધું. ત્યારબાદ મુંબઈની મેડિકલ કૉલેજમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી, વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૦૧માં તેમણે વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.સીએચ.બી.ની ડિગ્રી મેળવી. પિતાના અવસાન બાદ તેઓ વડોદરાના મહારાજાના ડૉક્ટર અને રાજ્યના સૅનિટરી કમિશનર બન્યા. ૧૮૯૮માં તેમનાં લગ્ન સુધારક પરિવારની પુત્રી શારદાબહેન સાથે થયાં. શારદાબહેન પણ વિદુષી હતાં અને પતિ સાથે જાહેરજીવનમાં ભાગ લેતાં હતાં. સુમંતભાઈએ ૧૯૧૦-૧૯૧૧ દરમિયાન વડોદરાના મહારાજા સાથે અનેક દેશોનો પ્રવાસ કરેલો. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ઉંમર ખય્યામના તથા બૌદ્ધ અને ઇસ્લામ ધર્મના ગ્રંથોનું તેમણે વાંચન કરેલું, જેણે તેમના ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો હતો. કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતા હતા, પણ પાછળથી તેમાં પરિવર્તન થયું. ૧૯૦૬માં કૉલકાતા ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠકમાં તેમણે હાજરી આપી અને ગોપાલ કૃષ્ણ ગોખલેથી પ્રભાવિત થયા. તેમણે આજીવન ખાદી પહેરવા માંડી અને પોતાની જરૂરિયાતો ઘટાડી. તેઓ સ્પષ્ટવક્તા હતા અને અનેક ક્ષેત્રે સુધારાના હિમાયતી હતા. ૧૯૨૧ સુધી તેઓ વડોદરા રાજ્યની સેવામાં ચાલુ હતા. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય હતા. તેમણે સાબરમતી, વીસાપુર અને નાશિક જેલમાં જુદી જુદી લડતોમાં કુલ પાંચ વરસની જેલ ભોગવી હતી. ૧૯૩૨થી ૧૯૩૫ સુધી ‘યુગધર્મ’ માસિકનું સંપાદન કરતા હતા. ‘સમાજદર્પણ’ નામના ગ્રંથમાં તેમણે તેમનાં જીવનસંભારણાં રજૂ કર્યાં છે. તેઓ એક સ્વાતંત્ર્યસૈનિક, જાહેર કાર્યકર અને સમાજસુધારક તરીકે પ્રતિષ્ઠિત છે.
શ્રદ્ધા ત્રિવેદી