કહેવાય છે કે ભાગ્ય જ મનુષ્યની સફળતા-નિષ્ફળતાનો શિલ્પી છે, પણ હકીકતમાં વ્યક્તિ પોતે જ પોતાની સફળતાનો શિલ્પી છે. એનો મર્મ એટલો કે સફળતા એ બાહ્ય યશોગાનમાં નથી, કિંતુ આંતરિક પ્રસન્નતામાં છે. મોટે ભાગે માનવી પોતાની સફળતા પારકાના અવાજમાં સાંભળવા ચાહે છે, પરંતુ એનો અર્થ તો એ થાય કે તમે આકરી મહેનત કરીને મેળવેલી તમારી સફળતા પર બીજાનો ‘કૉપીરાઇટ’ છે. જો એ તમારી પ્રશસ્તિ કરે, તો જ તમે પોતાની જાતને સફળ થયેલી માનો છો. આ વિશ્વમાં સફળ થનારી વ્યક્તિઓનો ભવ્ય ઇતિહાસ છે, પણ સવાલ એ જાગે છે કે એમને પ્રાપ્ત થયેલી સફળતાનો બાહ્ય આનંદ કેટલો ટક્યો હતો ? કેટલા લાંબા સમય સુધી એ સફળતાની શરણાઈ અને ઢોલ-નગારાના અવાજો એને સાંભળવા મળ્યા હતા ? આવી પારાવાર સફળતાનો હકીકતે અંત કેવો આવ્યો, તેને માટે સિકંદર, નેપોલિયન કે હિટલરના જીવનને જોવું જોઈએ અને ખ્યાલ આવશે કે સફળતા કેટલી ક્ષણજીવી અને અલ્પાયુષી હોય છે. એ સફળ વ્યક્તિના નિવાસસ્થાને એકાદ વર્ષ પછી મુલાકાત લેશો તો એ સફળતાની સ્મૃતિઓ સાવ જરી-પુરાણી થઈ ગઈ હશે. એક જમાનામાં એ સફળ વ્યક્તિનો ચોતરફ ડંકો વાગતો હતો, પણ જમાનો પલટાતાં એના સ્વજનો જ એને ભૂલી ગયા હશે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકારની પ્રથમ પુણ્યતિથિએ યોજાયેલી સભામાં આયોજકો સિવાય સમ ખાવા માટે પણ કોઈ સાહિત્યકાર નજરે પડ્યા નહીં. હકીકતમાં તમારી સફળતાનું નિવાસસ્થાન તમારું હૃદય છે. ઉદારતા, સેવાભાવ અને આત્મવિશ્વાસથી તમે પોતે તમારું જે મૂલ્ય આંકો છો, એના પર તમારી સફળતા ટકેલી છે. બીજી વ્યક્તિઓ તમે સફળતા પામ્યા છો, એવાં યશોગાન ગાતી રહે એવી ઘેલછા રાખવાને બદલે તમારા ભીતરમાં એ સફળતાનો આનંદ માણવો જોઈએ. બીજાના સન્માન કરતાં પોતાના ભીતરનું સન્માન વિશેષ મહત્ત્વનું છે અને તેથી એ સફળતાનો પારાવાર આનંદ તમારા ભીતરમાં કેટલો છલકે છે, એના પર તમારી સફળતાનો આધાર છે.
કુમારપાળ દેસાઈ


