Categories
વાચન સમૃદ્ધિ

જગદીશચંદ્ર માથુર

જ. 16 જુલાઈ, 1917 અ. 14 મે, 1978

હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત નાટ્યકાર, લેખક જગદીશચંદ્ર માથુરનો જન્મ ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા ગામે થયો હતો. અલાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. 1941માં ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે પસંદગી પામ્યા. ત્યારબાદ છ વર્ષ માટે બિહાર સરકારમાં શિક્ષણ સચિવ તરીકે કામગીરી કરી. 1955-62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા. 1963-64માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય અમેરિકામાં વિઝિટિંગ ફેલો નિમાયા. ત્યાંથી પરત આવ્યા બાદ વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. તેઓ થોડો વખત સંગીત નાટક અકાદમીના સભ્યપદે રહેલા. તેમણે થોડો સમય ભારત સરકારના હિંદીના સલાહકાર તરીકે પણ કામ કરેલું. તેમણે ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું ‘આકાશવાણી’ નામકરણ કર્યું હતું. ટી.વી.ને ‘દૂરદર્શન’ નામ આપવાનો શ્રેય પણ તેમને ફાળે જાય છે. સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે નાટ્યસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં પણ અદ્વિતીય યોગદાન આપ્યું છે. હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના બધા જ દિગ્ગજ લેખકોને તેઓ રેડિયો પર લાવ્યા હતા, જેમાં સુમિત્રાનંદન પંતથી લઈને રામધારી સિંહ ‘દિનકર’, બાલકૃષ્ણ શર્મા ‘નવીન’નો સમાવેશ થાય છે. હિંદીના માધ્યમથી તેમણે સાંસ્કૃતિક પુનઃ જાગરણ સ્થાપિત કર્યું હતું. 12 વર્ષની વયથી તેમણે લેખનકાર્યથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1936માં તેમના પ્રથમ એકાંકી ‘મેરી બાંસુરી’ના રંગમંચનથી જ તેમને ખ્યાતિ મળી. ત્યારબાદ તેમના નાટ્યસંગ્રહો ‘ભોર કા તારા’ (1946) અને ‘ઓ મેરે સપને’ (1956) અતિ લોકપ્રિય બન્યા. તેઓ હિંદી રંગમંચ અને લોક રંગમંચના વિદ્વાન અધિષ્ઠાતા ગણાયા. તેમની સાહિત્યકૃતિઓ પૈકી ‘કોણાર્ક’ (1950), ‘કુંવરસિંહ કી ટેક’ (1955), ‘આશાદીપ’ (1956), ‘શારદીયા’ (1959) અને ‘પહલા રાજા’ (1969) વિશેષ ગણનાપાત્ર છે. તેમના ‘કોણાર્ક’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમણે સંસ્મરણાત્મક નિબંધો પણ આપ્યા છે, જેનું હિંદી સાહિત્યમાં આગવું સ્થાન છે. ‘દસ તસવીરે’(1964)માં વિવિધ ક્ષેત્રોની દસ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં શબ્દચિત્રો આપ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

અવરોધ ઓળંગીએ

ઇન્ડોનેશિયામાં વસતા સુકર્ણોના પિતા નિશાળમાં શિક્ષક હતા. એમનો પુત્ર સુકર્ણો એક દિવસ હઠ લઈને બેઠો કે એ કોઈ પણ સંજોગોમાં નિશાળે જવા માગતો નથી. એને નિશાળમાં સહેજે ગોઠતું નથી. શિક્ષક પિતાએ પુત્રને પ્રેમથી સમજાવવા કોશિશ કરી, ત્યારે સુકર્ણોએ કહ્યું, ‘આ નવી નિશાળમાં તો બધા મારી ખૂબ મજાક ઉડાવે છે. ઠઠ્ઠા-મશ્કરી કરે છે, મને પજવે છે.’ એના પિતાએ સમજાવ્યું, ‘નવી નિશાળમાં જઈએ ત્યારે આવું તો બને જ. થોડો સમય આવું રહેશે, પણ પછી બધા હળીભળી જશે અને તારા મિત્ર બની જશે.’ આમ છતાં નિશાળે જવાની અનિચ્છા ધરાવતા સુકર્ણોએ પુસ્તક નીચે પછાડ્યું. માતા-પિતાએ ખૂબ સમજાવ્યો, પણ બાળક સુકર્ણો તૈયાર ન થયો ત્યારે એના શિક્ષક પિતાએ અનુભવીની મદદ લેવાનું વિચાર્યું. એ અનુભવી સુકર્ણોને એક નાના ઝરણા પાસે લઈ ગયા અને એના વહેતા પ્રવાહની વચ્ચે એમણે એક મોટો પથ્થર ફેંક્યો અને સુકર્ણોને કહ્યું, ‘જો, આ પથ્થર વહેતા ઝરણાના પાણીમાં કેવો અવરોધ કરે છે ?’ બન્યું પણ એવું કે મોટા પથ્થરને કારણે પાણી અટકી ગયું, પરંતુ થોડા જ સમયમાં પોતાની ગતિથી પાણી વહેવા લાગ્યું અને પથ્થર પાણીમાં ડૂબી ગયો. એમણે સુકર્ણોને કહ્યું, ‘બેટા, કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધથી ગભરાવું જોઈએ નહીં. જો તો ખરો ! પાણી પણ અવરોધ પર વિજય મેળવીને કેવું આગળ વધી રહ્યું છે, જ્યારે તું માનવી થઈને મુશ્કેલીઓથી કેમ ગભરાય છે ?’ સુકર્ણોને આ વાત સ્પર્શી ગઈ. એણે બીજા દિવસથી નિશાળે જવાનો પ્રારંભ કર્યો. થોડાક સમયમાં એના સહાધ્યાયીઓ એના મિત્રો બની ગયા. સમય જતાં સુકર્ણો સ્નાતક થયો અને પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને ડચ સરકારની ગુલામીમાંથી મુક્તિ અપાવી અને તે પછી બે દાયકા સુધી દેશના પ્રમુખ રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

કે. કામરાજ

જ. 15 જુલાઈ 1903 અ. 2 ઑક્ટોબર 1975

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ અને મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન કામરાજ કુમારસ્વામીનો જન્મ તમિલનાડુના વિરુધુનગરમાં થયો હતો. છ વર્ષની વયે પિતાને ગુમાવ્યા હતા. તેઓ 1920માં કૉંગ્રેસમાં જોડાયા. તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે ચેન્નાઈમાં તલવાર સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેઓ બે વર્ષ માટે જેલમાં ગયા હતા. તેમને છ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં સત્તુર બેઠક પર જીત્યા. તેઓ 1946માં ભારતની બંધારણ સભામાં અને બાદમાં 1952માં સંસદમાં પણ ચૂંટાયા હતા. તેમણે 13 એપ્રિલ, 1954થી 2 ઑક્ટોબર, 1963 સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી. તેમણે બંધ કરાયેલી 6000 શાળાઓ ફરીથી શરૂ કરી અને 12,000 વધુ નવી શાળાઓ ખોલી. અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું. તેમના વહીવટ દરમિયાન તમિલનાડુ ભારતના શ્રેષ્ઠ વહીવટી રાજ્યોમાંના એક તરીકે જાણીતું બન્યું હતું. 1963માં તેમણે સૂચન કર્યું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંગઠનાત્મક કાર્ય કરવા માટે મંત્રીપદ છોડી દેવું જોઈએ, જે ‘કામરાજ યોજના’ તરીકે જાણીતું બન્યું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. નહેરુના અવસાન પછી વડા પ્રધાન બનવાની ના પાડી હતી. તેમણે તમિલનાડુના મુખ્ય મંત્રી તરીકે આપવામાં આવેલી Z-સ્તરની સુરક્ષાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને ‘કાલવી થંથાઈ’ (‘શિક્ષણના પિતા’) તેમજ ‘મદુરાઈના ગાંધી’ પણ કહેવામાં આવતા હતા. તેમને 1972માં કૉપર બૉન્ડ ઍવૉર્ડ અને 1976માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં ભારત સરકારે 100 અને 5 રૂપિયાના સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા. તેમની સ્મૃતિમાં ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલ-1નું નામ ‘કામરાજ ટર્મિનલ’ અને એન્નોર પૉર્ટનું નામ ‘કામરાજ પૉર્ટ લિમિટેડ’, મરાઈમલાઈ નગર રેલવેસ્ટેશનનું નામ મરાઈમલાઈ નગર કામરાજ રેલવેસ્ટેશન, મદુરાઈ યુનિવર્સિટીનું નામ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. 2004માં તેમની જીવનકથા પર આધારિત ‘કામરાજ’ નામની તમિલ ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી છે.