Categories
વાચન સમૃદ્ધિ

જાપાનની ચિત્રકલા

કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત થયેલી જોવા મળે છે. જાપાનની ચિત્રકલાનો ઇતિહાસ ૧૨૦૦ વર્ષ જૂનો છે, જે અનેક પ્રકારની ચિત્રશાળાઓ(schools)માં વહેંચાયેલો છે. જાપાનમાં ચિત્રકલાનું પ્રેરણાસ્થાન ધર્મ હતું. શિન્તો, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મોએ જાપાનની ચિત્રકલાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે જાપાનમાં પણ સામાજિક પરિવર્તન આવ્યું અને ચિત્રકલાના વિષયો બદલાયા.

જાપાનની ચિત્રકલાનો એક નમૂનો

જાપાનમાં ચિત્રોના આલેખન માટે લખવાની પીંછીનો ઉપયોગ થતો હતો. ચિત્ર માટેની સાધનસામગ્રીમાં શાહી અથવા વૉટર કલર, બ્રશ, કાપડ અથવા રેશમી કાપડ, લાકડાની પટ્ટીઓનો સમાવેશ થતો હતો. ચિત્રકારો ઘૂંટણિયે પડીને રેખા અને રંગ વડે ચિત્રનું આલેખન કરતા હતા. શરૂઆતના સૈકાઓમાં બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ અજંટાની જેમ ભિત્તિચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. આ ઉપરાંત ચિત્રકલાના નમૂનાઓ ચિત્રવીંટા (Makimono scrolls) અને પડદાઓ(Kakemono-hangings)માં પણ જોવા મળે છે. ચિત્રકલાના વિષયોમાં દેવદેવીઓ, મનુષ્યો, વ્યક્તિચિત્રો, પ્રકૃતિ, પશુ-પંખીઓ ઇત્યાદિનું આલેખન જોવા મળે છે. ચીનની જેમ જાપાનનો ચિત્રકાર પોતાના સર્જનમાં રેખા અને લયને વિશેષ મહત્ત્વ આપે છે. કલાસર્જનના ઇતિહાસમાં યુકિયો શાખાના કુશળ ચિત્રકારોની રંગછાપ (colour-prints) માનભર્યું સ્થાન ધરાવે છે. આ કલાનાં મૂળિયાં પ્રાચીન ચીનમાં પડેલાં હતાં જેનો વિકાસ તાંગ અને શુંગ રાજવંશોના અમલ દરમિયાન (ઈ. સ. ૬૧૮-૯૦૫ અને ઈ. સ. ૯૬૦થી ૧૨૮૦) થયો હતો. શિષ્ટ પરંપરાના જાપાની ચિત્રકારો જ્ઞાન અને પ્રેરણા માટે તેના તરફ વળ્યા હતા. જાપાનની ચિત્રશાળાઓ સૌંદર્યશાસ્ત્રના ગહન નિયમોનું પાલન કરનાર હતી. જાપાનની ચિત્રકલાના ઇતિહાસમાં યેશિન સોઝુ ઈ. સ. ૧૦૧૭માં ધાર્મિક ચિત્રોના આલેખન માટે પ્રખ્યાત હતો. આ સમયમાં ડોએ-નો-ડાનોકા નામના ચિત્રકારે બિનસાંપ્રદાયિક ચિત્રો આલેખવાની શરૂઆત કરી હતી. ચિત્રમાં પશુ-પંખીઓ અને ફૂલો દેવો અને સંતોનું સ્થાન લેવા લાગ્યાં ! આશરે ઈ. સ. ૧૧૫૦માં રાજકીય આશ્રય હેઠળ રાષ્ટ્રીય ચિત્રશાળા ક્યોટો(Kyoto)નો જન્મ થયો જેણે રાજધાનીમાં મહેલો, સમૃદ્ધ ઘરો અને દેવળોમાં જાપાનનાં ફૂલો અને ધરતીની પ્રકૃતિને ચિત્રમાં મહત્ત્વ આપ્યું. આ રાષ્ટ્રીય ચિત્રશાળામાંથી તેના ઉત્તમ શિક્ષકોના નામે બીજી અનેક ચિત્રશાળાઓનો વિકાસ થયો જેમાં યામાતો રિયૂ, વાગા રિયૂ, કાસૂગા અને તોસા શાળા મુખ્ય છે. સમય જતાં આ તોસા શાળા પરંપરાગત રૂઢિઓ અને શૈલીઓમાં વિલીન થઈ ગઈ. ચીનમાં શુંગ નવજાગૃતિના કાળમાં જે નવી ચિત્રશૈલીઓનો જન્મ થયો તેમાંથી જાપાની ચિત્રકારોએ પોષણ અને પ્રેરણા મેળવ્યાં. તેમણે ચિત્રકલામાં ચીની પાત્રો અને દૃશ્યોનું આલેખન શરૂ કર્યું. ચીનની ચિત્રકલાના પ્રભાવના આ બીજા તબક્કામાં જાપાને એક મહાન ચિત્રકાર સેશિયૂની ભેટ ધરી. આ ચિત્રકાર ઝેન સાધુ હતો અને યુવાન વયથી સુંદર ચિત્રોનું આલેખન કરતો હતો. એણે ચિત્રકલામાં ચીની વિષયોને મહત્ત્વ આપ્યું. જાપાનની પ્રજા આજે પણ આ ચિત્રકાર પ્રત્યે આદરની લાગણી ધરાવે છે. પંદરમી સદીના અંતમાં જાપાનમાં કાનો-મસાનોબૂએ આશિકાના આશ્રય નીચે કિયોટો નામની બિનસાંપ્રદાયિક ચિત્રશાળાની સ્થાપના કરી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જાપાનની ચિત્રકલા, પૃ. 736)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચીનુભાઈ નાયક

Categories
વાચન સમૃદ્ધિ

ચૈતન્યપ્રસાદ દીવાનજી

જ. ૨૦ ડિસેમ્બર, ૧૮૯૮ અ. ૩ માર્ચ, ૧૯૭૦

સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને લલિતકલા જેવા ક્ષેત્રના જાણકાર ચૈતન્યપ્રસાદ દીવાનજીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ. તેઓ કચ્છના અગ્રણી નાગરિક હતા. કચ્છના દીવાનપદાની યશસ્વી કારકિર્દીને કારણે તેમને દીવાનજી અટક પ્રાપ્ત થઈ હતી. ચૈતન્યપ્રસાદે અમદાવાદમાં શિક્ષણ લીધા બાદ સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો. ૧૯૨૦માં અસહકારના આંદોલનમાં જોડાયા અને સરકારી કૉલેજનો ત્યાગ કર્યો. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી સ્નાતક થયા બાદ શહેરની સંસ્કારપ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ગુજરાતના સાહિત્યસંસ્કારને  ઉત્તેજન આપવા માટે  તેઓ કાર્યરત બન્યા. સ્વ. રણજિતરામ દ્વારા સ્થપાયેલી અમદાવાદની ‘ગુજરાત સાહિત્ય સભા’ સંસ્થાના મંત્રીપદ દરમિયાન પહેલી ‘ગુજરાત ઇતિહાસ પરિષદ’ અને ‘રંગભૂમિ પરિષદ’નાં તેમણે આયોજન કરેલાં. તેઓ ૧૯૨૮થી ૧૯૫૫ સુધી અને ૧૯૫૮થી ૧૯૭૦ સુધી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી હતા. શ્રી રવિશંકર રાવળ દ્વારા ૧૭ વર્ષ સુધી ચલાવાયેલું ‘કુમાર’ માસિક આર્થિક કારણોસર બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે ચૈતન્યપ્રસાદે આ માસિક ચાલુ રહે તે માટે ‘કુમાર’ કાર્યાલયને લિમિટેડ સંસ્થામાં ફેરવીને તેને જીવતદાન આપ્યું. રણજિતરામ સુવર્ણચંદ્રક તથા વાઙમય સમીક્ષા જેવી ગુજરાત સાહિત્યસભાની પ્રશંસનીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં તેમનો સિંહફાળો છે. તેઓ ક્રિકેટ અને કુસ્તી જેવી રમતગમતોમાં પણ ખૂબ રસ ધરાવતા. રાષ્ટ્રીય લડતની શરૂઆતથી માંડીને જીવનના અંત સુધી ખાદી અને સ્વદેશી ચીજવસ્તુઓના  આગ્રહી રહેલા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સ્પૃહાવાન અમીર એ સૌથી

મોટો ગરીબ ————

ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ કણાદ ‘કણભૂક’ કે ‘કણભક્ષ’ તરીકે ઓળખાતા હતા. એમની આવી ઓળખનું કારણ એ કે ખેતરમાં અનાજ લણ્યા પછી ધરતી પર પડી રહેલા અનાજના કણનું જ તેઓ ભોજન કરતા હતા. કણાદ તરીકે ઓળખાયેલા આ મહર્ષિએ દસ અધ્યાય અને પ્રત્યેકમાં બે બે આહનિક ધરાવતા ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી. ખેતરમાં પડેલા અન્નના કણ(દાણા)નું  ભોજન કરીને અખંડ વિદ્યાસાધના કરતા આ મહર્ષિ અત્યંત સંયમી જીવન જીવતા હતા. આ પ્રદેશના રાજાને જ્યારે ખબર પડી કે પોતાના રાજ્યના આવા જ્ઞાની દાર્શનિક નીચે પડેલા દાણાનું ભોજન કરીને જીવે છે, તે વાત રાજાને પસંદ પડી નહીં. એમણે રાજ્યના મંત્રીને આદેશ આપ્યો કે મહર્ષિ કણાદને માટે તત્કાળ ઉત્તમ ભોજન મોકલાવો. ભાતભાતનાં પકવાન ધરાવતું ભોજન મહર્ષિ સમક્ષ મૂકવામાં આવ્યું, ત્યારે મહર્ષિએ આવું ભોજન લેવાની ના કહી. એમણે કહ્યું કે, ‘આની મારે કોઈ જરૂર નથી. તમે આ ભોજન ગરીબોને વહેંચી નાખજો.’ રાજાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમને અકળામણ અને અધીરાઈ બંને થયાં. આ તે કેવા મહર્ષિ ? રાજા સ્વયં ભોજનસામગ્રી લઈને મહર્ષિ પાસે ગયા. મહર્ષિએ એ જ સાહજિકતાથી કહ્યું, ‘મારે આવા કોઈ ભોજનની જરૂર નથી. એને ગરીબોમાં વહેંચી દેજો.’ ગર્વભંગ થયેલા રાજવીએ કહ્યું, ‘ઓહ ! તમારાથી વધુ ગરીબ આ રાજ્યમાં બીજો કોણ હશે ? મહર્ષિ મૌન રહ્યા. રાજા મહેલમાં પાછા ફર્યા અને રાણીને સમગ્ર ઘટના કહી, ત્યારે રાણીએ કહ્યું, ‘મહારાજ, મહર્ષિ કણાદને ગરીબ કહીને તમે ઘણી ગંભીર ભૂલ કરી. એમની પાસે તો સુવર્ણસિદ્ધિ છે. કોઈ પણ ધાતુને સુવર્ણમાં પલટાવી શકે તેવી સિદ્ધિ. તમારે તો એમની પાસેથી આવી સુવર્ણસિદ્ધિ માગવાની જરૂર હતી.’ રાજાના મનમાં લોભ જાગ્યો એટલે મહર્ષિ પાસે આવીને ક્ષમાયાચના કરતાં કહ્યું, ‘હે મહર્ષિ ! કૃપા કરીને મને સુવર્ણસિદ્ધિ વિદ્યા શીખવો.’ ‘વાયુપુરાણ’ જેવો ગ્રંથ જેમને પ્રભાસપાટણના નિવાસી ગણાવે છે તેવા મહર્ષિ કણાદે કહ્યું, ‘હે રાજન્, થોડા સમય પહેલાં તમે મને ગરીબ કહેતા હતા. હવે કહો, ગરીબ તમે છો કે હું ? શું હું તમારે દરવાજે યાચના કરવા આવ્યો ખરો ? યાચના તો તમે કરો  છો.’ મહર્ષિ કણાદની વાત સાંભળીને રાજાનો ગર્વ ખંડિત થઈ ગયો.

હકીકત એ છે કે નિસ્પૃહી ઋષિ કરતાં સ્પૃહાવાન રાજા અતિ ગરીબ હોય છે. પોતાની ગરીબી કે ફકીરીમાં સંતોષથી જીવન જીવનાર કરતાં વધુ સમૃદ્ધિની સ્પૃહા રાખનાર અમીર વધુ ગરીબ હોય છે. ગરીબ આજના સંતોષ પર જીવતો હોય છે. અમીરની આજ સંતોષથી ભરેલી હોય છે અને એની આવતી કાલ વધુ સમૃદ્ધિ મેળવવાની ઝંખનાથી ઊગતી હોય છે.

કુમારપાળ દેસાઈ