Categories
વાચન સમૃદ્ધિ

લાખાજીરાજસિંહજી દ્વિતીય

જ. 17 ડિસેમ્બર, 1885 અ. 2 ફેબ્રુઆરી, 1930

નિર્ભય અને પ્રબુદ્ધ પ્રશાસક લાખાજીરાજસિંહજી દ્વિતીયનો જન્મ રાજકોટમાં થયો હતો. પિતા બાવાજીરાજસિંહજી અને માતા આનંદકુંબરબા. માતા ધરમપુર નારણદેવજી બીજાનાં પુત્રી હતાં. તેમણે પાંચ વર્ષની ઉંમરે 1890માં પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ રાજકોટ રાજ્યની ગાદીના વારસદાર બન્યા, પરંતુ 21 ઑક્ટોબર, 1907ના રોજ તેમને સત્તાની ધુરા સોંપવામાં આવી. તેઓ બાળપણમાં મોસાળ ધરમપુરમાં રહેતા. રાજકોટની રાજકુમાર કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. અભ્યાસ દરમિયાન તેઓ ટેનિસ, પોલો અને ઍથ્લેટિક્સ જેવી રમતોમાં ભાગ લેતા. ક્રિકેટ તેમની પ્રિય રમત હતી. કાઠિયાવાડની ઘણી સંસ્થાઓ સામે શાળા તરફથી ક્રિકેટ રમ્યા હતા. રાજકુમાર કૉલેજમાં અંતિમ વર્ષમાં બધા વર્ગો પાસ કરનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા. તેઓ 1905 દહેરાદૂનમાં ઇમ્પીરિયલ કૅડેટ કૉર્પ્સ માટે ગયા. માર્ચ, 1907માં સ્નાતક થયા. તેમણે ઘણી વખત ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી. તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા શાસક હતા. તેમનું જીવન પારદર્શી અને અનુકરણીય હતું. તેઓ પ્રજાને મુક્તપણે મળતા હતા. હૃદયથી રાષ્ટ્રવાદી હોવાથી ગાંધીજીના પ્રશંસક હતા. તેમણે 1910માં સ્ટેટ બૅન્કની સ્થાપના કરી. તેમણે રાજ્યમાં બંધારણીય સુધારાઓ કર્યા અને સ્વતંત્ર રીતે ચૂંટાયેલી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. તેમણે 1911માં યોજાયેલ દિલ્હી દરબારમાં હાજરી આપી હતી. 3 જૂન, 1918ના રોજ તેમણે નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના સાતમા ઠાકોરસાહેબ લોકપ્રિય અને કુશળ શાસક તરીકે લોકોના હૃદયમાં વસેલા છે.

Categories
વાચન સમૃદ્ધિ

શક્તિનો વ્યય

ઈ. સ. 1901થી ઈ. સ. 1909 સુધી અમેરિકાનું પ્રમુખપદ સંભાળનાર થિયૉડોર રૂઝવેલ્ટ રાજકારણમાં તેમની ‘બિગ સ્ટિક’ થિયરી માટે જાણીતા હતા. આ ‘બિગ સ્ટિક’નો અર્થ એટલો કે તેઓ પ્રભાવ વિસ્તારવાના સાધન તરીકે રાજકીય અને લશ્કરી દળનો સવિશેષ ઉપયોગ કરવામાં માનતા હતા. એમણે પૂર્વપ્રમુખ મેકક્નિલીની રાજનીતિને અનુસરવાની જાહેરાત કરી, પરંતુ હકીકતમાં તેમણે પોતાની આગવી રાજનીતિ અપનાવી. અન્યની યોજનાને અનુસરવા તૈયાર નહોતા. પ્રમુખ રુઝવેલ્ટે ઘણાં ક્રાંતિકારી પગલાંઓ ભર્યાં, રશિયા-જાપાનનું યુદ્ધ બંધ કરવામાં અને એમની વચ્ચે સંધિ કરાવવામાં સહાય કરી. ચીન પરત્વે એમણે ‘ઓપન ડૉર પૉલિસી’ એટલે કે ચીનને માટે એમણે દ્વાર ખુલ્લાં કર્યાં. 1908માં થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખપદની ચૂંટણી માટે વિલિયમ હોવર્ડ ટેફ્ટને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો અને 1909માં થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખપદ છોડ્યું અને આફ્રિકામાં સિંહના શિકાર માટે ગયા. એ પાછા આવ્યા ત્યારે પ્રમુખ ટેફ્ટની રાજનીતિ જોઈને ઊકળી ઊઠ્યા. જેને એમણે આટલો બધો સાથ આપ્યો હતો એણે એમની રાજનીતિના માર્ગે ચાલવાને બદલે સાવ જુદી જ નીતિ-રીતિ અપનાવી હતી. આથી થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખ ટેફ્ટની આકરી ટીકાઓ કરવા માંડી. એમનાં કામોને વખોડવા લાગ્યા. એમને રૂઢિચુસ્ત કહીને વગોવવા લાગ્યા અને બન્યું એવું કે આ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો. પછી તો સામસામે આક્ષેપો થયા. એનું પરિણામ એ આવ્યું કે ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ શરમજનક પરાજય પામ્યો અને થિયૉડોર રૂઝવેલ્ટે આને માટે ટેફ્ટને જવાબદાર માન્યો અને પ્રેસિડેન્ટ ટેફ્ટે થિયૉડોર રૂઝવેલ્ટને કારણભૂત ગણ્યા. એક વાકયુદ્ધને પરિણામે કેટલી બધી શક્તિ વેડફાય છે, પરસ્પરની વ્યર્થ ટીકાઓથી અખબારોનાં પાનાંઓ ઊભરાય છે, પ્રજામાનસ દૂષિત થાય છે અને છતાં એમાં જવાબદાર એવા બંને મુખ્ય માણસો પોતાને દોષિત માનતા નહોતા. આ જ છે માનવસ્વભાવની ખૂબી.

Categories
વાચન સમૃદ્ધિ

જેન ઑસ્ટિન

જ. 16 ડિસેમ્બર, 1775 અ. 18 જુલાઈ, 1817

અંગ્રેજી સાહિત્યમાં અમર કીર્તિ પ્રાપ્ત કરેલ લેખિકા જેન ઑસ્ટિનનો જન્મ સ્ટિવેન્ટન હેમ્પશાયરમાં થયો હતો. તદ્દન સામાન્ય કુટુંબમાં જન્મેલાં જેને લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ કર્યો હતો. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે ચૌદ વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રૅન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્ લેટર્સ’ 16 વર્ષની વયે આકાર પામી. જેને ઈ. સ. 1797માં લખેલ ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ નવલકથા ઈ. સ. 1813માં પ્રકાશિત થઈ અને આ નવલકથાએ ઇતિહાસ રચ્યો. આ નવલકથા અંગ્રેજી સાહિત્યવિશ્વના સર્વોત્કૃષ્ટ સર્જન તરીકે ઓળખાય છે. તેમની બીજી લોકપ્રિય નવલકથાઓમાં ‘એમ્મા’, ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’, ‘નાર્દેન્જર એબે’, ‘મેન્સફિલ્ડ પાર્ક’ અને ‘પર્સુએશન’નો સમાવેશ થાય છે. જેન ઑસ્ટિનની નવલકથાઓને પ્રગટ થતાંવેંત સારો આવકાર મળતો રહ્યો હતો. તેમની નવલકથાઓમાં રોજિંદા ગૃહજીવનને લગતા વિષયો, વિવિધ સામાજિક સાંસારિક સમસ્યાઓ તથા શાંત પ્રાદેશિક વાતાવરણના મુખ્યત્વે ગ્રામીણ મધ્યમવર્ગીય સમાજના અને સંસ્કારી પરિવારોના ભાવ-પ્રતિભાવ તથા સંવેદનાઓનું સ્પષ્ટ અને ભાવવાહી આલેખન છે. માનવજીવનની સાહજિક લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ તથા વિલક્ષણતાઓ તે પારદર્શક રીતે રજૂ કરે છે. પોતાની નવલકથાઓમાં જેને સામાજિક પરિવર્તનોના પ્રયોગોનો વિરોધ કરીને પારંપરિક મૂલ્યોને જ આગળ કર્યાં હતાં. તેમની નાયિકાઓ દ્વારા સ્ત્રીના ભાવમનનો થતો ખુલાસો અને તેને અંતે નર્મ સુખાન્તનો મળનારો સાથ એ જેનની નવલકથાની સબળ બાજુઓ હતી. પોતાના અનુભવોની તથા સંસારના અભ્યાસની મર્યાદામાં રહીને વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિના તથા હૃદયસ્પર્શી અને વાસ્તવદર્શી સાહિત્યના સર્જક તરીકે અંગ્રેજી નવલકથાક્ષેત્રે તેઓ ઊંચું અને અવિસ્મરણીય સ્થાન પામ્યાં છે. માત્ર 42 વર્ષની વયે જેન ઑસ્ટિને વિશ્વની વિદાય લીધી. તેમની કારકિર્દીને બે સદીઓ વીતી ગઈ હોવા છતાં તેમની પ્રતિભાની તાજગીને કારણે તેમની કલાકૃતિઓને આજે પણ દાદ આપવામાં આવે છે.