Categories
વાચન સમૃદ્ધિ

તામ્ર તકનીકી

તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી વીંટીઓ અને ચમચા, અરીસા, વાસણો તેમજ વિવિધ પશુ તથા માનવઆકૃતિઓ બનાવાતી. આ માટે તાંબું ગાળવાની, ઓગાળવાની અને તેમાંથી ઘાટ ઘડવાની વિવિધ પદ્ધતિઓ વપરાતી. ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના સિંધુ સંસ્કૃતિના તથા તેની આગળની પ્રાકસિંધુ સંસ્કૃતિમાં તાંબાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હતો. સિંધુ સંસ્કૃતિના સમયમાં તાંબું ગળાતું નહીં. તેના તૈયાર ગઠ્ઠા (In gots) રાજસ્થાન તથા ઈરાનના સુસામાંથી આયાત થતા; પરંતુ રાજસ્થાન, આંધ્ર અને કર્ણાટકમાં ચાલ્કોપાઇરાઇટ તથા મૅલેચાઇટની તાંબાની કાચી ધાતુને ખોદીને ત્યાં જ સ્થળ પાસે જ તાંબું ગાળવામાં આવતું. ધાતુનો મેલ છૂટો પાડવા કાચી ધાતુ સાથે કવાર્ટ્ઝાઇટ કે મૅંગેનીઝનો પાઉડર ભેળવીને તેને ગોળાકાર છીછરા ખાડામાં કોલસા ભરીને અતિ ઊંચા તાપમાને તાંબું છૂટું પાડવામાં આવતું. હવા માટે આવા ભઠ્ઠાની ધારે માટીની પકવેલી નળીઓ ગોઠવાતી. ઘણી વાર કોલસા સાથે કાચી ધાતુનો જમીન ઉપર સીધો ઢગલો કરીને તેને ગારાથી છાંદી દેવામાં આવતો. ઉપર નાનું મોઢું રાખવામાં આવતું તથા હવા આપવા ઢગલાના તળિયાની ધારે માટીની પકવેલી ભૂંગળીઓ ગોઠવાતી. તાંબું ગાળવા માટે 800° સે. થી 1100° સે. તાપમાન જરૂરી હતું. જો તે ન જળવાય તો તાંબામાં લોખંડ, જસત, આરસેનિક, સીસું જેવી અશુદ્ધિઓ રહી જતી. તાંબું ગાળતી વખતે નીકળતા મેલને ત્યાં જ ફેંકી દેવામાં  આવતો. લોથલ તથા મોહેં-જો-દરોના આવા ગઠ્ઠામાં આવી અશુદ્ધિઓ નહિવત્ હતી.

તાંબામાથી બનાવેલી વસ્તુઓ

ગાળેલા તાંબામાંથી અશુદ્ધિઓ દૂર કરવા તથા તેમાંથી જરૂરી ચીજો બનાવવા તાંબાને ફરી ઓગાળવામાં આવતું. આ માટે જમીનમાં ગોળાકાર, નળાકાર કે નાસપાતી આકારના નાના છીછરા ખાડા ખોદીને તેની અંદરના ભાગે ગારો લિપાતો. ભઠ્ઠામાં કોલસા ભરી માટીના પકવેલા વાટકા, કુલડાં, નાળચાવાળાં કુલડાં કે બહારથી પાંખો કરેલી પહોળા મોઢાવાળી માટીની કોઠીઓમાં તાંબાને ઓગાળાતું. તાંબાને હલાવવા અને કુલડાને બહાર કાઢવા લાકડાના દાંડિયા વપરાતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તામ્ર તકનીકી, પૃ. 795 અથવા જુઓ https://gujarativishwakosh.org/તામ્ર-તકનીકી/)

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન્દ્રપ્રસાદ ગુપ્ત

જ. 2 જાન્યુઆરી, 1933 અ. 26 ડિસેમ્બર, 2017

ભારતીય લોકશાહીના લડવૈયા, વનસ્પતિશાસ્ત્રી અને કેળવણીકાર દેવેન્દ્રપ્રસાદનો જન્મ બિહારમાં થયો હતો. તેમણે 1942માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો હતો. જેને પરિણામે તેમના અભ્યાસમાં થોડાંક વર્ષો માટે રુકાવટ આવી ગઈ હતી. 11 વર્ષની નાની વયે તેઓ કૉંગ્રેસ સેવાદળના 1944થી 1947ના સભ્ય બન્યા હતા, જેમાં તેમને સ્વયંસેવકની તાલીમ મળી હતી અને તેઓ એક યુનિટના આગેવાન બન્યા હતા. 1942માં મહેશખુંટ ખાતે તેમને ડાબા પગની એડીમાં બંદૂકની ગોળી વાગવાથી ઈજા થઈ અને બે મહિના આરામ કરવો પડ્યો. તેમણે શાળામાં ત્રિરંગો લહેરાવ્યો હતો અને ‘હિંદ છોડો’ના કાર્યક્રમમાં ભાગ લીધો, આથી તેમણે શહેર છોડવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે રાંચી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ લંડનમાં અભ્યાસ કર્યો. તેઓ રાંચી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થયા. ત્યારબાદ તેમણે આદિવાસી અને પછાત વર્ગના ઉત્કર્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમણે પોતાની કારકિર્દી એક ડેમૉન્સ્ટ્રેટર તરીકે શરૂ કરી અને ત્યારબાદ તેઓ પ્રગતિ કરતા ગયા અને છેવટે યુનિવર્સિટીના પ્રિન્સિપાલ થયા. તેમણે બીજા બે પ્રોફેસરોની મદદથી માઇક્રોબાયૉલૉજી અને વનસ્પતિ પૅથૉલૉજીની શાખાઓ શરૂ કરી. વિદેશમાં તેઓ ઘણી બધી આંતરરાષ્ટ્રીય કન્વેનશન સાથે જોડાયેલા હતા અને તેમાં ભાગ લેતા હતા. તેઓએ ત્રીજી આંતરરાષ્ટ્રીય સિમ્પોસિયમ જે ઇટાલીમાં યોજાઈ હતી તેમાં પોતાનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ તેઓ ન્યૂ દિલ્હીના ભારતીય ફાયટોપૅથૉલૉજિકલ સોસાયટીના કાઉન્સિલર હતા અને બિહાર એજ્યુકેશન કાઉન્સિલ(ભારત)ના સભ્ય હતા. નિવૃત્તિ લીધા બાદ તેઓ બીથની યુનિવર્સિટી, કૅલિફૉર્નિયાના પ્રમુખ તેમજ સંશોધક થયા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાચા સાધુનું લક્ષણ

હજરત ઇબ્રાહીમ એમ માનતા હતા કે પ્રત્યેક ધર્મ એ માનવીને નેકી અને ઈમાનદારીના રાહ પર ચાલવાનો સંદેશ આપે છે અને બૂરાઈથી બચવા માટેની જાતજાતની તરકીબ બતાવે છે. આથી ભલે ધર્મોનું બાહ્ય રૂપ ભિન્ન હોય, પરંતુ એનું આંતરિક રૂપ સમાન છે. સઘળા ધર્મોના પાયામાં માનવકલ્યાણની ભાવના જ રહેલી છે. હજરત ઇબ્રાહીમના મનમાં સતત એવી જિજ્ઞાસા રહેતી કે આટલા બધા ઉપદેશકો અને ઉપદેશો હોવા છતાં લોકોને કેમ ધર્મનો સાચો સાર સમજાતો નથી ? પોતાના આ પ્રશ્નના ઉત્તર માટે હજરત ઇબ્રાહીમ જુદા જુદા સંતોને મળતા હતા અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સતત પ્રયાસ કરતા હતા. એક વાર આ સંદર્ભમાં તેઓ એક સંતને મળવા ગયા. બંને વચ્ચે ધર્મતત્ત્વની બાબતમાં જ્ઞાનપૂર્ણ સંવાદ ચાલ્યો. વિચારવિમર્શ ઘણો કર્યો, પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં. આ વાર્તાલાપ દરમિયાન હજરત ઇબ્રાહીમને સંતની વિચારધારા અને એમના દૃષ્ટિકોણનો બરાબર પરિચય મળી ગયો. સંતના સીમિત જ્ઞાનનો સંકેત પામી ગયા, આમ છતાં એમણે એ સંતને પ્રશ્ન કર્યો, ‘સાચા સાધુનાં મહત્ત્વપૂર્ણ લક્ષણો કયાં હોય ?’ ત્યારે સંતે મસ્તીથી જવાબ આપ્યો, ‘ભોજન મળે તો ખાઈ લે અને ન મળે તો સંતોષ માને.’ હજરત ઇબ્રાહીમને લાગ્યું કે સંતની દૃષ્ટિ ઘણી સંકુચિત છે, એથી એમણે કહ્યું, ‘અરે, આવું તો શેરીનો કૂતરો પણ કરે છે. આમાં શું ?’ સંત નિરુત્તર બની ગયા અને હજરત ઇબ્રાહીમને વિનંતી કરી કે ‘મારા ઉત્તરથી તમને સંતોષ થયો નથી, તો તમે જ સાચા સાધુનું લક્ષણ કહો ને !’ ઇબ્રાહીમે કહ્યું, ‘મળે તો વહેંચીને ખાય અને ન મળે તો પ્રભુની કૃપા માનીને પ્રસન્ન ચિત્તે વિચારે કે દયામયે એને તપશ્ચર્યા કરવાનો કેવો સુંદર અવસર પૂરો પાડ્યો !’ ઇબ્રાહીમની ભાવના જોઈને સંત ખુશ થઈ ગયા.