અમેરિકાના ૩૪મા પ્રમુખ ડ્વાઇડ ડેવિડ આઇઝનહોવર (ઈ. સ. ૧૮૯૦થી ૧૯૬૯) મૂળે એક યશસ્વી સૈનિક હતા. પ્રથમ-દ્વિતીય વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે બહાદુરી અને દૂરંદેશી દાખવી હતી. સમય જતાં અમેરિકામાં અત્યંત લોકપ્રિય એવા આઇઝનહોવર સર્વોચ્ચ સેનાપતિ અને પંચતારક જનરલ બન્યા. ૧૯૫૨માં તેમણે કોરિયાના યુદ્ધમાં યુદ્ધમોકૂફી કરાવી અને ૧૯૫૭માં એમના સૂચનથી આંતરરાષ્ટ્રીય અણુપંચની રચના કરવામાં આવી. એ પછી સામ્યવાદ સામે મોરચો ઊભો કરવા માટે જુદા જુદા દેશો સાથે લશ્કરી કરારો કર્યા. આઇઝનહોવર કડક શિસ્તના હિમાયતી હતા. બીજા વિશ્વયુદ્ધ સમયે એમણે અમેરિકાનાં લશ્કરી દળોનું નેતૃત્વ સંભાળ્યું અને સૈન્યને સંગઠિત રહીને દુશ્મનોનો સામનો કરવા સતત સલાહ આપી. અમેરિકાની સેનામાં બે લશ્કરી અધિકારીઓ એવા હતા કે જેઓ એકબીજા સાથે સતત લડતા-ઝઘડતા રહેતા. પરસ્પરને માટે એમની આંખોમાં ઝેર હતું અને તેથી સાવ સામાન્ય બાબતમાં પણ ઉશ્કેરાઈને એકબીજા સામે અપશબ્દો બોલવા લાગતા અને ક્યારેક મારામારી કરવા સુધી પહોંચી જતા. સેનાપતિ આઇઝનહોવરે આ બંને સૈનિકોને સમજાવવા પ્રયત્ન કર્યો. સેનાની શિસ્તની વાત કરી. સેનામાં વિખવાદ હોય તો વિફળતા મળે એ સિદ્ધાંત સમજાવ્યો. આ સઘળું કહ્યું, છતાં બધું પથ્થર પર પાણી ! પેલા બે સૈનિકોએ ફરી તોફાન કર્યું એટલે સેનાપતિ આઇઝનહોવરે એમને સજા ફરમાવી. એક અધિકારીને કાચની દીવાલ ધરાવતી સરકારી બરાકને બહારથી સાફ કરવાની સજા કરી, તો બીજાને અંદરની બાજુથી એ કાચ સાફ કરવાની સજા કરી. કાચ ચોખ્ખા કરવા માટે બંનેને સાથે રહીને એટલી બધી મહેનત કરવી પડી કે સમય જતાં એમનાં મન ચોખ્ખાં થઈ ગયાં.
કુમારપાળ દેસાઈ