Categories
વાચન સમૃદ્ધિ

સ્નૂકર

પશ્ચિમમાં વિકસેલી, બિલિયર્ડના ટેબલ ઉપર રમાતી દડાની રમત. સ્નૂકરની રમતમાં કુલ ૨૨ દડાઓનો ઉપયોગ કરાય છે. તેમાં ૧૫ લાલ રંગના હોય છે. ૬ દડા રંગીન અને એક દડો સફેદ હોય છે. દડાઓનો વ્યાસ ૩.૫ સેમી. અને વજન ૩ ગ્રામ હોય છે. લાલ દડો ૧ ગુણ, પીળો ૨, લીલો ૩, કથ્થાઈ ૪, વાદળી ૫, ગુલાબી ૬ અને કાળો દડો ૭ ગુણ ધરાવે છે. દડાઓને રમવા માટે વિવિધ લંબાઈ અને વજનવાળી લાકડીઓ હોય છે. લાકડીઓ આગળથી અણીવાળી અને પાછળથી જાડી હોય છે અને તેની લંબાઈ ઓછામાં ઓછી ૯૧ સેમી. હોય છે. સ્નૂકરની રમત બિલિયર્ડના ટેબલ ઉપર રમવામાં આવે છે. ટેબલ ઉપર ખાસ પ્રકારનું કાપડ લગાડવામાં આવેલું હોય છે. ટેબલના ચાર ખૂણાઓ પર તેમ જ લંબાઈની મધ્યમાં બે – એમ કુલ ૬ ખાનાં હોય છે. રમત રમવા માટેનો ક્રમ ચિઠ્ઠી ઉપાડી નક્કી કરવામાં આવે છે. સ્નૂકરની રમત સિંગલ્સ, ડબલ્સની રીતે તેમ જ ટીમો વચ્ચે પણ રમાય છે.

સ્નૂકરની મૅચ રમતા સ્નૂકર-ખેલાડીઓ

રમતની શરૂઆતમાં ત્રિકોણાકાર પેટીના ઉપયોગથી લાલ દડાઓ ટેબલ ઉપર ગોઠવવામાં આવે છે. જ્યાં સુધી લાલ દડો ટેબલ ઉપર હોય ત્યાં સુધી દરેક વારીનો પ્રથમ ફટકો સફેદ બૉલ દ્વારા લાલ બૉલને વાગવો જોઈએ. લાલ બૉલ ખાનામાં જાય ત્યારે ખેલાડી એક ગુણ મેળવે છે. પછીના ફટકા વડે રંગીન બૉલમાંથી કોઈ પણ બૉલને રમી શકે છે. રંગીન બૉલ રમવાની જાણ રમતાં પહેલાં કરવામાં આવવી જોઈએ. જાણ કરેલ રંગીન દડો ખાનામાં જાય ત્યારે બૉલ ઉપર લખેલા ગુણ ખેલાડી પ્રાપ્ત કરે છે. લાલ દડાઓ ખાનામાં જાય પછી ફરીથી ટેબલ ઉપર પાછા મૂકવામાં આવતા નથી, જ્યારે રંગીન દડાઓ ટેબલ ઉપર પાછા મૂકવામાં આવે છે. ખેલાડી જ્યારે ગુણ પ્રાપ્ત કરવાનું ચૂકી જાય છે ત્યારે તેની રમવાની વારી પૂરી થાય છે અને પ્રતિસ્પર્ધી દાવ આગળ ચલાવે છે અને સફેદ બૉલ જ્યાંથી અટકી ગયો હોય ત્યાંથી દાવ ચાલુ કરવામાં આવે છે. બધા જ લાલ દડાઓ ખાનામાં જાય ત્યાર બાદ રંગીન દડાઓને ચઢતા ક્રમની કિંમત મુજબ રમીને ખાનામાં મોકલવાના હોય છે. ટેબલ ઉપરના બધા જ (૨૧) દડાઓ ખાનામાં જાય તે વખતે જે ખેલાડીના ગુણ વધારે થયા હોય તે વિજેતા ગણાય છે. જ્યારે છેલ્લો કાળો દડો ટેબલ ઉપર હોય તે વખતે પ્રથમ ગુણ અથવા પેનલ્ટીથી રમતનો અંત આવે છે. જ્યારે બંને ખેલાડીઓના ગુણ સરખા હોય ત્યારે કાળા દડાને ફરીથી ટેબલ ઉપર મૂકવામાં આવે છે, ચિઠ્ઠી ઉપાડી ક્રમ નક્કી કરાય છે અને કાળા દડાને રમવામાં આવે છે. ગીત સેઠી, પંકજ અડવાણી, ઓમ અગ્રવાલ, સુભાષ અગ્રવાલ, યાસીન મર્ચન્ટ, અનુજા ઠાકોર, આદિત્ય મહેતા, મનનચંદ્ર વગેરે ભારતના જાણીતા સ્નૂકર-ખેલાડીઓ છે; જ્યારે સ્ટીવ ડૅવિસ, ઍલેક્સ હિગિન્સ, સ્ટીફન હૅન્ડ્રી, રૉન્ની ઓ સુલિવાન, જિમ્મી વ્હાઇટ,  સ્ટૂઅર્ટ બિન્ગામ, જડ ટ્રમ્પ તેમ જ જો ડેવિસ વિશ્વના જાણીતા સ્નૂકર-ખેલાડીઓ છે.

અમલા પરીખ

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

વલ્લથોલ નારાયણ મેનન

જ. ૧૬ ઑક્ટોબર, ૧૮૭૮ અ. ૧૩ માર્ચ, ૧૯૫૮

મલયાળમ ભાષાના ‘મહાકવિ’ વલ્લથોલ નારાયણ મેનનનો જન્મ કેરળના મલપ્પુરમ્ જિલ્લાના ચેન્નારા ગામમાં થયો હતો. પિતા કડુંગોટ્ટે મલ્લિસેરી દામોદરન ઈલાયથુ અને માતા કુટ્ટિપ્પારુ અમ્મા (પાર્વતી). તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું. તેઓ આરંભમાં સંસ્કૃત વિદ્વાન પાસેથી અને પછી તેમના કાકા પાસેથી સંસ્કૃત શીખ્યા. તેમણે સંસ્કૃત પદ્યસાહિત્યનો પરિચય કરાવ્યો. તેઓ ફિલૉસૉફી અને તર્કશાસ્ત્ર પણ શીખ્યા. તેમણે ત્રિસ્સુરમાં ૧૯૦૫થી ૧૯૧૦ સુધી કલ્પદ્રુમ પ્રેસમાં મૅનેજર તરીકે કામ કર્યું. તેમની શ્રવણશક્તિ બગડતાં ૧૯૧૫થી ‘કેરાલોદયમ્’ છાપામાં કામ શરૂ કર્યું. એ પછી જર્નલ ‘અમૃત રિતેશ’માં કામ કર્યું. તેમણે બાર વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. ‘કિરથ સતકમ્’ અને ‘વ્યાસાવતારમ્’ તેમની પહેલી પ્રકાશિત રચનાઓ હતી. તેમની કવિતાઓ ‘ભાષાપોષિણી’, ‘કેરળ સંચારી’ અને ‘વિજ્ઞાન ચિંતામણિ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ. ૧૮૯૪માં ‘ભાષાપોષિણી’ સામયિકનો કવિતા પુરસ્કાર મેળવ્યો. તેમણે વાલ્મીકિ રામાયણનો મલયાળમ ભાષામાં અનુવાદ કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું.  ૧૯૧૩માં તેમનું મહાકાવ્ય ‘ચિત્રયોગમ્’ પ્રકાશિત થયું. એ પછી તેઓ ‘મહાકવિ’ કહેવાયા. તેમણે ‘કેરળ કલામંડલમ્’ની સ્થાપના કરી અને કથકલી નૃત્યને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ રાષ્ટ્રવાદી કવિ હતા. ભારતના સ્વતંત્રતાઆંદોલન પર તેમણે બે કવિતાઓની શ્રેણી રચી છે. તેમણે ‘ગંગાપતિ’, ‘બંધનસ્થાનય અનિરુદ્ધન’ તથા ‘સાહિત્યમંજરી’ના ૧૧ ગ્રંથો આપ્યા છે. તેમણે ઘણા કાવ્યગ્રંથો અને અનુવાદો આપી મલયાળમ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ૧૯૭૮માં ટપાલખાતાએ તેમની ૨૫ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં વલ્લથોલ સાહિત્ય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા મલયાળમ સાહિત્યમાં યોગદાન માટે ૧,૧૧,૧૧૧/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. કોચીનના મહારાજા દ્વારા તેમને ‘કવિસર્વભૌમન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે ૧૯૫૪માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

એકલા રહેવું, એકલા ઊગવું એ જ એકલવીર

વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસરવા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેર ઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળસ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે. એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે. જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે એને પોતાનું કોઈ જગત હોતું નથી. આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.

કુમારપાળ દેસાઈ