Categories
વાચન સમૃદ્ધિ

તમે તમારું ભવિષ્ય રચો !

જ્હોન લૉકનો જન્મ ઇંગ્લૅન્ડના બ્રિસટોલથી બાર માઈલ દૂર આવેલા ગામડામાં છાપરાવાળી ઝૂંપડીમાં થયો. ગામડાની સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી એણે લંડનની પ્રખ્યાત વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં વિશેષ અભ્યાસની તક મળી અને આ તેજસ્વી વિદ્યાર્થી માત્ર વીસ વર્ષની વયે ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રવેશ પામ્યા. પરંતુ એક વિદ્યાર્થી તરીકે સ્નાતક કક્ષાના અભ્યાસને જોઈને એને ભારે અકળામણ થઈ. એણે જોયું કે યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ વિચારકોની કૃતિઓ અભ્યાસ કરાવવામાં આવતી હતી જ્યારે વર્તમાન સમયના ફિલૉસૉફરોની કૃતિઓ ભણાવવામાં આવતી નહોતી. આથી એણે થોડા જ વખતમાં મજબૂરી અને પરિવારના દબાણને ફગાવી દઈને પોતાને ગમતા એવા મેડિસિનના વિષયનો અભ્યાસ કરવાની પોતાની ઇચ્છાને સાકાર કરવા પ્રયત્ન કર્યો. એમાં અનુસ્નાતકની પદવી મેળવી અને એ સમયના પ્રસિદ્ધ વિદ્વાનો અને વિચારકો સાથે કામ કર્યું. લોર્ડ એન્થની એશ્લેક કૂપર લિવરના ઇન્ફેક્શનની સારવાર માટે ઑક્સફર્ડમાં આવ્યા, ત્યારે લૉકના જ્ઞાનથી પ્રભાવિત થયા અને એને એમના અંગત ડૉક્ટર તરીકે રહેવા માટે સંમત કર્યા. એ પછી એશ્લેક ઉપરનું લિવર ઇન્ફેક્શન વધતાં જાનનું જોખમ ઊભું થયું, ત્યારે લૉકે જુદા જુદા ડૉક્ટરોની સલાહ મેળવીને એમને સર્જરી કરાવવાની સલાહ આપી અને એને કારણે એશ્લેક લૉકને તેઓ જીવતદાન આપનાર માનતા હતા. પોતાના મેડિકલના વ્યવસાય ઉપરાંત લૉક એ સમયના જાણીતા વિચારકો સાથે ચર્ચા વિચારણા કરતો હતો. આવા બુદ્ધિજીવોની મુલાકાતને કારણે એ પોલિટિકલ સાયન્સના સિદ્ધાંતો પર લખવા લાગ્યો અને રાજ્યતંત્ર પર બે લેખો લખીને સહુનું ધ્યાન ખેંચ્યું. જ્હોન લૉક સમય જતાં પ્રમાણશાસ્ત્ર (એપિસ્ટોનોલૉજી)માં નવી દિશા ઉઘાડનારો બન્યો અને રાજકીય વિચારધારામાં એણે આગવું યોગદાન કર્યું. ફ્રાંસના વૉલ્ટેર અને રૂસો પર તેમજ અમેરિકનોના ક્રાંતિકારીઓ પર એનો પ્રભાવ પડ્યો. અમેરિકાની સ્વાતંત્રઘોષણા પર એના વિચારોની અસર થઈ અને એ ઉદારમતવાદ (લિબરાલિઝમ)ના પિતા તરીકે જાણીતો થયો.

Categories
વાચન સમૃદ્ધિ

શહીદ બંધુ સિંહ

જ. 1 મે, 1833 અ. 12 ઑગસ્ટ, 1858

ઉત્તરપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની શહીદ બંધુ સિંહનો જન્મ ડુમરીમાં થયો હતો. તેઓ તારકુલાહા દેવીના અનન્ય ભક્ત હતા. માતૃભૂમિ પર શાસન કરનાર જુલમી અંગ્રેજોને હાંકી કાઢવાનું તેમણે બીડું ઝડપ્યું હતું. તેમણે પોતાનું રજવાડું છોડી દીધું અને જંગલમાં રહેવા લાગ્યા. તેમણે ગેરીલા પદ્ધતિથી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. જંગલમાંથી પસાર થતા બ્રિટિશ અધિકારીઓ પર તેઓ હુમલો કરતા. તેમને લૂંટીને તેમનું માથું કાપીને તારકુલાહા દેવીના ચરણોમાં અર્પણ કરતા. શરૂઆતમાં બ્રિટિશ અધિકારીઓને ખબર જ ન પડી કે જંગલમાં સૈનિકો ગુમ થઈ જાય છે ? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે આ કામ બંધુ સિંહનું છે. ગભરાયેલા અંગ્રેજોએ બનારસથી સૈન્ય મોકલ્યું  અને ડુમરી ગામ પાસે છાવણી નાખી. સ્થાનિક લોકોને આ અંગેની જાણ થતાં તેમણે છાવણી પર છાપો મારીને શસ્ત્રસરંજામ લૂંટી લીધો. આથી ગુસ્સે થઈને અંગ્રેજોએ ગામને આગ લગાડી, પરંતુ ગામલોકો ગામમાંથી ભાગી ગયા. બંધુ સિંહને શોધતા અંગ્રેજોને સુરત સિંહે માહિતી આપી. તેણે વિશ્વાસઘાત કર્યો. અંગ્રેજોએ તેને વાર્ષિક 4800 રૂપિયા અને ગોરખપુરનું ડુમરી રજવાડું આપ્યું. બાતમીને આધારે બંધુ સિંહની ધરપકડ કરવામાં આવી. અલીનગરના ચાર રસ્તા પર તેમને ફાંસી આપવામાં આવી. એવું કહેવાય છે કે તેમને છ વખત ફાંસી આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે ફાંસીનો ફંદો તૂટી જતો હતો. શહીદ બંધુ સિંહની સ્મૃતિમાં શહીદ સ્થળ પર અને તારકુલાહા દેવીના મંદિરના મેદાનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમના વંશજોએ શહીદ બંધુ સિંહ સ્મારક સમિતિની સ્થાપના કરી છે. ઉત્તરપ્રદેશમાં શહીદ બંધુ સિંહ પી. જી. કૉલેજ, શહીદ બંધુ સિંહ ગર્લ્સ હૉસ્ટેલ, શહીદ બંધુ સિંહ સ્ટેડિયમ, શહીદ બંધુ સિંહ પાર્ક વગેરે તેમના બલિદાનને જીવંત રાખવા નામાભિધાન પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

અસમ (આસામ)

ઈશાન ભારતમાં આવેલું મહત્ત્વનું રાજ્ય.

ભૌગોલિક સ્થાન : તે ૨૨°.૧૯´થી ૨૮°.૧૬´ ઉ. અ. અને ૮૯°.૪૨´થી ૯૬°.૩૦´ પૂ. રે. વચ્ચેનો ૭૮,૪૩૮ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ૨૦૨૫ મુજબ આ રાજ્યની વસ્તી ૩.૫૬ કરોડ (આશરે) જેટલી છે. અસમ એટલે જેની સમાન કોઈ નથી એવો અસામાન્ય પ્રદેશ. પૂર્વ હિમાલય તથા બાંગ્લાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની ઉત્તરે ભુતાન અને અરુણાચલ પ્રદેશ, પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર, પશ્ચિમે પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ તથા દક્ષિણે મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આવેલાં છે. ભારતમાં આ એકમાત્ર રાજ્ય છે જે ભારતનાં ૭ રાજ્યો અને ૨ દેશોની સીમા ધરાવે છે. તેમાં વિશાળ બ્રહ્મપુત્ર, સુરમા, કુશિયારા નદીઓ અને તેમની શાખાપ્રશાખાઓ છે. વરસાદની ઋતુમાં પટ બદલતી, રૌદ્ર સ્વરૂપની બ્રહ્મપુત્ર અસમમાં ઠેર ઠેર વિનાશ વેરે છે અને તે સાથે કાંપ ઘસડી લાવીને જમીનને ફળદ્રૂપ પણ કરે છે.

અસમનો એક ચાનો બગીચો

ડાંગર, રાઈ, ચા, બટાટા, અને પપૈયાં અહીંનો મુખ્ય પાક છે. મુખ્ય વૃક્ષોમાં હોલોંગ, નોહોર, ખેર, સીસમ, સાગ (અસમ ટીક), સાલ અને વાંસનો સમાવેશ થાય છે. અસમ તેની ખનિજસંપત્તિ માટે સુપ્રસિદ્ધ છે. તેમાં કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુ મુખ્ય છે. અન્ય ખનિજોમાં ચિનાઈ માટી અને લોહ-ધાતુખનિજોનો સમાવેશ થાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખનિજતેલ અને કુદરતી વાયુ, ચા, પેટ્રોરસાયણ, રાસાયણિક ખાતર, કાગળ અને કાપડનો સમાવેશ થાય છે. અસમની મોટી સમૃદ્ધિ વનસ્પતિ તથા વન્ય પ્રાણીઓની છે. અહીંથી પેદા થતાં તેજાના તથા ઇમારતી લાકડું વેપારની દૃષ્ટિએ ખૂબ અગત્યનાં છે. સમગ્ર દેશમાં ચાની પેદાશમાં અસમનું સ્થાન પહેલું છે. ભારતની ચાની પચાસ ટકા પેદાશ અસમમાં થાય છે. અહીંની ચા દુનિયાભરમાં વખણાય છે. અહીંનાં પક્ષીઓમાં મુખ્યત્વે સ્નાપ્સી, ફ્લોરિકન્સ, પૅલિકન, ટીલ્સ અને વિવિધ પ્રકારના બગલાઓ જોવા મળે છે. પ્રાણીઓમાં વાઘ, ચિત્તા, રીંછ અને હરણની વિવિધ જાતો દેખાય છે. વાનરની જાતિનો સફેદ વાળવાળો ગિબન ઉત્તર કચારની ટેકરીઓના પ્રદેશમાં તથા સોનેરી વાનર(Golden Langoor)ની જાત પણ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અસમ, પૃ. 81)