Categories
વાચન સમૃદ્ધિ

દાર્જિલિંગ

પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50´ ઉ અ. અને 88° 20´ પૂ. રે..  તે કૉલકાતાની ઉત્તરે નેપાળ અને સિક્કિમને સીમાડે વસેલું છે. હિમાલય પર્વતમાળાના દક્ષિણ તરફના ઢાળની તળેટીમાંની ટેકરીઓની લાંબી હારમાળાની ઊંચી પાળ પર વસેલું આ સ્થળ દરિયાની સપાટીથી 2,160 મી.ની ઊંચાઈ પર છે. વિસ્તાર : 3,149 ચોકિમી. તેની વસ્તી આશરે 22,70,000 (2026) છે. ત્યાંનું તાપમાન જાન્યુઆરીમાં 4° સે. અને જુલાઈમાં 17° સે. હોય છે. વર્ષના મોટા ભાગના દિવસોમાં તે ધુમ્મસથી ઘેરાયેલું હોય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પડતા વરસાદની વાર્ષિક સરેરાશ 2,972 મિમી. હોય છે. ત્યાંના રસ્તા વધુ ઢાળવાળા છે. એક જમાનામાં ત્યાંની વસ્તીમાં અંગ્રેજ લોકોનું પ્રમાણ નોંધપાત્ર હતું.

1962માં સ્થપાયેલ યુનિવર્સિટી ઑવ્ નૉર્થ બંગાળનું તે મુખ્ય મથક છે. નગરમાં સેન્ટ જૉસેફ કૉલેજ, ખ્રિસ્તી ધર્મપંથના સંચાલન હેઠળનું લોરેટો કૉન્વેન્ટ તથા તેના સીમાડા પર હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલાં છે. નૅરોગેજ રેલમાર્ગ(ટૉય ટ્રેન)થી તે નીચાણનાં આજુબાજુનાં સ્થળો સાથે જોડાયેલું છે. ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ તથા કાંચનજંઘા પર્વતોનાં દર્શન થાય છે. ટાઇગર હિલ પરથી સૂર્યોદય નિહાળવો એ સહેલાણીઓ માટે ખાસ આકર્ષણ હોય છે. આજુબાજુની ખીણોની હરિયાળી તથા પર્વતોનાં હિમાચ્છાદિત શિખરોનાં ત્યાંથી દેખાતાં દૃશ્યો મનોહારી હોય છે. ત્યાંની ટેકરીઓ પર ઉગાડવામાં આવતી ચા વિશ્વભરમાં વખણાય છે. ઇતિહાસ : એક જમાનામાં તે તિબેટનો ભાગ હતો, પરંતુ પાછળથી તે સ્વતંત્ર સિક્કિમના રાજ્યનો ભાગ બન્યો. 1835માં સિક્કિમના રાજાએ તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપ્યો. 1947માં ભારતને આઝાદી મળી ત્યારથી આ પ્રદેશ સ્વતંત્ર ભારતનો ભાગ બન્યો છે. ભારત અને તિબેટ વચ્ચે પ્રાચીન કાળમાં થતા વ્યાપારના માર્ગ પરનું તે અંતિમ વિરામસ્થાન હતું. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે બંગાળ પ્રાંતનું ઉનાળાનું પાટનગર હતું.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

નરગિસ

જ. 1 જૂન, 1929 અ. 3 મે, 1981

ભારતીય હિન્દી સિનેમાનાં મહાન અભિનેત્રી નરગિસનો જન્મ કૉલકાતામાં અબ્દુલ રશીદ તથા જદ્દાબાઈ રશીદને ત્યાં થયો હતો. તેનું નામ ફાતીમા રશીદ રાખવામાં આવ્યું હતું. માતા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. સભ્ય સમાજ તરફથી અવગણના પાત્ર માહોલમાં ફાતીમા રશીદનું બાળપણ વીત્યું હતું. માત્ર છ વર્ષની વયે ફિલ્મ ‘તલાશ-એ-હક’માં એમણે અભિનય કર્યો હતો. સિનેજગત માટે એમને નરગિસ નામ આપવામાં આવ્યું હતું. 1942માં ફિલ્મ ‘તમન્ના’ તથા મહેબૂબ ખાનનિર્મિત ફિલ્મ ‘તકદીર’માં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કર્યો અને દર્શકોના ધ્યાનમાં આવ્યાં. ત્યારબાદ શોમૅન રાજ કપૂર સાથે આર. કે. બૅનર હેઠળ ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’માં અભિનય કરીને તેઓ ખૂબ ખ્યાતિ પામ્યાં. ભારત તેમજ રશિયામાં પણ એમણે ખૂબ ચાહના મેળવી. અભિનેતા દિલીપકુમાર સાથે પણ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ‘આહ’, ‘બાબુલ’, ‘અંદાઝ’, ‘ચોરીચોરી’, ‘કાલા બાઝાર’, ‘હુમાયૂં’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને તત્કાલીન સમયનાં સૌથી વધુ મહેનતાણું મેળવતાં અભિનેત્રી બન્યાં. રાજ કપૂર સાથે સોળ ફિલ્મોમાં અભિનય કર્યો. 1957માં મહેબૂબ ખાનનિર્મિત-નિર્દેશિત ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ નરગિસના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના સહઅભિનેતા સુનિલ દત્ત સાથે મનમેળ થતાં 1958માં લગ્નગ્રંથિથી જોડાયાં. ત્રણ સંતાનોનાં માતા બનીને સ્થાયી જીવનની શરૂઆત કરી. 1958માં નરગિસને ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1967માં ફિલ્મ ‘રાત ઔર દિન’માં અભિનય કર્યા બાદ ફિલ્મોમાં અભિનયની પ્રવૃત્તિને તિલાંજલી આપી. 1980માં રાજ્યસભાનાં સભ્ય તરીકે એમની પસંદગી થઈ, પરંતુ તે જ અરસામાં પિત્તાશયના કૅન્સરની બીમારી વધુ તીવ્ર બની. 1981માં મુંબઈમાં એમનું અવસાન થયું. પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ ‘રોકી’ના લોકાર્પણના ત્રણ દિવસ પહેલાં એમનું અવસાન થયું. એમના અવસાન બાદ પતિ સુનિલ દત્તે નરગિસ દત્ત મેમોરિયલ કૅન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરી તથા ફિલ્મજગતમાં અભિનયના પ્રોત્સાહન માટે નરગિસ દત્ત ઍવૉર્ડની શરૂઆત કરી. નરગિસ દત્ત ફિલ્મભાવકોનાં હૃદયમાં અમર સ્થાન ધરાવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સમયનો અભાવ

1952થી 1960 સુધી એટલે કે બે સત્ર સુધી અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડ્વાઇટ ડેવિડ આઇઝનહોવરે (જ. ઈ. 1890, અ. ઈ. 1969) બાહોશ સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર તરીકે આગવી પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું; એટલું જ નહીં, પણ અમેરિકાના એક ભાગ જેવાં દક્ષિણનાં રાજ્યો સામે ઝઝૂમવું પડતું હતું. આઇઝનહોવરના પુત્ર જ્હોનને કોઈએ એમ પૂછ્યું, ‘તમારા પિતા ઉચ્ચ લશ્કરી અધિકારી હતા અને તેથી એમણે ક્યારેય એમના વિરોધીઓ તરફ બળાપો કાઢ્યો હતો ખરો ?’ જનરલ આઇઝન હૉવરના પુત્રએ કહ્યું, ‘મારા પિતાને મેં ક્યારેય શત્રુ દેશો કે એ દેશોના અગ્રણીઓ પ્રત્યે કે અન્ય સૈનિક વડાઓ અંગે કોઈ વિરોધી વાતો કરતા સાંભળ્યા નથી.’ વળી પ્રશ્ન કર્યો, ‘પરંતુ એમણે રાજકારણમાં ઝુકાવ્યું અને ઘણાં પરિબળોનો એમને સામનો કરવાનો આવ્યો, ત્યારે એમની નીતિઓનો વિરોધ કરનાર પ્રત્યે એમણે ક્યારેય નારાજગી વ્યક્ત કરી છે ખરી ?’ જ્હોન આઇઝનહોવરે કહ્યું, ‘મેં મારા પિતાને ક્યારેય કોઈની ઈર્ષ્યા કરતા જોયા નથી. કોઈ નેતા અંગે વિરોધી વાતચીત કે ઉચ્ચારણો કરતા સાંભળ્યા નથી અને કોઈનાય પ્રત્યે એમણે નારાજગી વ્યક્ત કરી નથી.’ ‘આનું કારણ શું ?’ જ્હોને ઉત્તર આપ્યો, ‘આનું કારણ એ કે એમણે એક પણ મિનિટ એવા લોકો વિશે વિચારવામાં બગાડી નથી કે જેમને એ પસંદ કરતા ન હોય કે જે એમની નજરમાંથી ઊતરી ગયા હોય. જેમની સાથે એમને સંઘર્ષ હોય એવી વ્યક્તિ પર પણ એમણે ક્યારેય ગુસ્સો કરીને સમય બરબાદ કર્યો હોય, તેવું મને યાદ નથી.’