Categories
વાચન સમૃદ્ધિ

અહિલ્યાબાઈ હોલકર

જ. 31 મે, 1725 અ. 13 ઑગસ્ટ, 1795

બાહોશ શાસક, દાનવીર અને પ્રજાવત્સલ રાણી અહિલ્યાબાઈ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના ચૌંડ ગામમાં થયો હતો. પિતા માણકોજી અને માતા સુશીલાબાઈ. પિતાએ લખતાં-વાંચતાં શીખવ્યું. અહિલ્યાબાઈનાં આઠ વર્ષની ઉંમરે ખંડેરાવ સાથે 1733માં લગ્ન થયાં. 1745માં પુત્ર માલેરાવ અને 1748માં પુત્રી મુક્તાનો જન્મ થયો. 1754માં પતિ ખંડેરાવ મરણ પામ્યા. તેઓ સતી થવા માગતાં હતાં, પરંતુ સસરાએ સમજાવી સતી થતાં અટકાવ્યાં. અહિલ્યાબાઈએ પુત્ર માલેરાવને સૂબેદાર બનાવ્યો. 1766માં માલેરાવનું અવસાન થયું. અહિલ્યાબાઈએ 1766માં મહેશ્વરને પાટનગર તરીકે પસંદ કર્યું અને ત્યાં રહેવા લાગ્યાં. તેમના સુશાસનથી રાજ્યની આવકમાં નોંધપાત્ર વધારો થયો. કાયદામાં સુધારા કર્યા, ન્યાયાધીશોની નિમણૂકો કરી. રાજ્યમાં સ્થિરતા સ્થાપી. તેમના દોહિત્ર નથુબાના અવસાન પછી જમાઈ યશવંતરાવ પણ અવસાન પામ્યા. તેમની પાછળ મુક્તાબાઈ સતી થયાં. સાસુ, સસરા, પતિ, પુત્ર, પુત્રી, જમાઈ અને દોહિત્રનાં ચાલ્યાં જવાથી અહિલ્યાબાઈ એકાકી બની ગયાં. તેમણે અલંકારો ત્યજી શ્વેત અને સાદો પોશાક પહેરવાનું શરૂ કર્યું. તેઓ પૂજા-અર્ચના, ધર્મગ્રંથોનું શ્રવણ, દાન-ભોજન કરીને પછી જ જમતાં. તેઓ રાજ્યનો હિસાબ પોતે જ તપાસતાં. તેમણે કાશી વિશ્વનાથ અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગોનું પુનઃ નિર્માણ કરાવ્યું. તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમણે ભારતભરનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં મંદિરો, ઘાટ, કૂવા, વાવ, ચબૂતરા અને રસ્તાનું નિર્માણ કરાવ્યું. તેમણે ધર્મશાળાઓ બંધાવી અને પરબ તથા અન્નક્ષેત્રો શરૂ કર્યાં. તેમણે મહિલાઓની સેનાની રચના પણ કરી હતી. તેમણે મહેશ્વરમાં હાથસાળના ઉદ્યોગનો વિકાસ કર્યો. અહિલ્યાબાઈની સ્મૃતિમાં મહેશ્વરમાં અહલ્યેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યું છે. સોલાપુર અને ઇન્દોરમાં યુનિવર્સિટીઓનાં નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યાં છે. અહમદનગરનું નામ અહિલ્યાનગર કરવામાં આવ્યું છે. તેમના જીવન આધારિત ટીવી ધારાવાહિક પ્રસારિત થઈ છે. ભારત સરકારે 1996માં બે રૂપિયાની અને 2025માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આફ્રિકા

વિશ્વના ૭ ખંડોમાંનો એક. ભૌગોલિક સ્થાન : ૩૬° ઉ. અ.થી ૩૫° દ. અ. અને ૧૭° ૨૫´ પ. રે.થી ૫૧° પૂ. રે. વચ્ચેનો ૩.૦૩ કરોડ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ખંડ વિશાળતાની દૃષ્ટિએ અમેરિકા પછી બીજા અને વસ્તીની દૃષ્ટિએ એશિયા, યુરોપ પછી ત્રીજા ક્રમે આવે છે. વિષુવવૃત્ત આ ખંડના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આથી આ ખંડનો વિષુવવૃત્તની ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધમાં અને વિષુવવૃત્તની નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત પણ આ ખંડમાંથી પસાર થાય છે. ચારેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો આ ખંડ એક નાની પટ્ટી જેવી ભૂમિ સુએઝ વિસ્તાર દ્વારા એશિયા ખંડ જોડે જોડાયેલો છે. આફ્રિકાની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વે હિંદી મહાસાગર અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર આવેલા છે. આ ખંડમાં કુલ ૫૫ દેશો આવેલા છે. આફ્રિકાનો કિનારો ખાંચાખૂંચી વગરનો હોઈ અહીં બંદરો ઓછાં છે. પૂર્વ કિનારાની ગિરિમાળામાં કિલિમાન્જારો, માઉન્ટ કેન્યા અને માઉન્ટ રૂએન્ઝીરી સૌથી ઊંચાં હિમાચ્છાદિૃત જ્વાળામુખીનાં શિખરો છે. વિશ્વની લાંબામાં લાંબી નાઇલ નદી, કૉંગો, નાઇજર અને ઝાંબેઝી. ઝાંબેઝી નદીમાં વિશ્વનો મોટામાં મોટો ધોધ વિક્ટોરિયા છે.

અહીંનાં વૃક્ષો નાનાં અને ઉપરથી છત્રી આકારનાં હોય છે. અહીંનાં પશુપક્ષીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સિંહ, હાથી, જિરાફ, ગેંડા, ઉરાંગઉટાંગ જેવાં પ્રાણીઓ છે. ગરમ રણપ્રદેશમાં જ્યાં પેટાળમાંથી પાણી મળી રહે છે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઉછેરવામાં આવે છે. ત્યાં કપાસ, ચોખા, શેરડી, તમાકુ, દ્રાક્ષ, જુવાર, બાજરી અને ફળોની ખેતી પણ થાય છે. ગીચ જંગલોવાળા પ્રદેશની મુખ્ય પેદાશ ઇમારતી લાકડું છે. હવે આ જંગલોને સાફ કરી ત્યાં રબર, તેલતાડ, કોકો, કેળાં વગેરેની ખેતી થાય છે. આફ્રિકામાં સોનું, હીરા, કોલસો, તાંબું, યુરેનિયમ અને ખનિજતેલ મળે છે. આફ્રિકાની કુલ વસ્તી આશરે યુ.નો. દ્વારા દર્શાવેલી માહિતી અનુસાર ૧.૫૦ અબજ (૨૦૨૫, આશરે) જેટલી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આફ્રિકા, પૃ. 110)

Categories
વાચન સમૃદ્ધિ

હાનેસ આલ્વેન

જ. 30 મે, 1908 અ. 2 એપ્રિલ, 1995

સ્વીડનના પ્રસિદ્ધ ખગોળ-ભૌતિક વિજ્ઞાની અને પ્લાઝમા વિજ્ઞાની હાનેસ આલ્વેનનો જન્મ સ્વીડનના નોરકૂપિંગમાં થયો હતો. તેમણે અપ્સલા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને 1934માં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1940માં તેઓ સ્ટોકહોમના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અને વિદ્યુતમાન જેવા વિષયના પ્રોફેસર બન્યા. 1945માં તેમને ઇલેક્ટ્રૉનિક્સ વિભાગના અધ્યક્ષનું પદ પ્રાપ્ત થયું. 1963માં તેમને પ્લાઝમા ભૌતિકી-વિજ્ઞાનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1967થી કૅલિફૉર્નિયા યુનિવર્સિટી તેમજ ઑસ્લોની રૉયલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યુત-અભિયાંત્રિકી વિભાગમાં શિક્ષણકાર્ય કર્યું હતું. 1967માં તેમણે થોડો સમય સોવિયત સંઘમાં વિતાવ્યો. ત્યારબાદ અમેરિકામાં જઈ ત્યાં કાર્ય કર્યું. તેમણે પ્લાઝમા ભૌતિકીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમણે અરોરા વિજ્ઞાન, વેન ઍલન વિકિરણ બેલ્ટ, મૅગ્નેટોહાઇડ્રોડાયનેમિક્સ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર ચુંબકીય તોફાનોનો પ્રભાવ, સ્થલીય ચુંબક મંડળ અને મિલ્કીવે વગેરેમાં પાયાનું કામ કર્યું હતું. ચુંબકીય ઝંઝાવાત અને ધ્રુવીય જ્યોતિ (aurora) અંગેના તેમના સંશોધને પૃથ્વીના ચુંબકમંડળ (megneto Sphere) અંગેના આધુનિક સિદ્ધાંત પર ઊંડો પ્રભાવ પાડ્યો. ન્યૂક્લિયર સંલયન(fusion) પ્રક્રિયાને અંકુશમાં રાખવા માટે આલ્વેનનું સંશોધન પથદર્શક (pioneering) હતું. અંતરીક્ષ ભૌતિકશાસ્ત્રનું પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની પ્રક્રિયા અંગેનું ‘ફ્રોઝન-ઇન-ફલક્સ’ પ્રમેય તેમનું અગત્યનું પ્રદાન છે. આનો ઉપયોગ તેમણે કૉસ્મિક કિરણોની ઉત્પત્તિ સમજાવવા માટે કર્યો હતો. 1942માં તેમણે કરેલી વિદ્યુતચુંબકીય તરંગોની શોધને ‘આલ્વેન તરંગો’ કહેવામાં આવે છે. તેમને તેમના જીવનકાળ દરમિયાન અનેક સુવર્ણપદકો તથા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ 1970માં તેમને ફ્રાન્સના લુઇ નીલ સાથે સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.