Categories
વાચન સમૃદ્ધિ

દારેસલામ

ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48´ દ. અ. અને 39° 17´ પૂ. રે.. ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે.  આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર : 1393 ચોકિમી. તેની વસ્તી આશરે 85 લાખ (2025) છે. આ શહેર વિષુવવૃત્તની દક્ષિણે આવેલું છે. ત્યાં હવા ગરમ અને ભેજવાળી હોય છે. આખા વરસ દરમિયાન સરેરાશ તાપમાન 26° સે. રહે છે. વરસ દરમિયાન સરેરાશ 1067 મિમી. વરસાદ પડે છે. અહીં ડાંગર, મકાઈ, શેરડી, રૂ, સીસલ, કૉફી, નારિયેળ, તમાકુ, કાજુ અને લવિંગ ખેતીના પાકો છે. સોનું, હીરા, મીઠું અને ફૉસ્ફેટ એ ત્યાંનાં મુખ્ય ખનિજો છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી આ નગરનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. કાપડ, સાબુ, રંગ, સિમેન્ટ, રસાયણ, દવા, કાચ, સિગારેટ, મોટર વગેરે ઉદ્યોગો ઉપરાંત દારૂ, ધાતુની વસ્તુઓ અને ખોરાકી ચીજો બનાવવાના ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે. 1956 પૂર્વે આ બંદરે આરબ વહાણો અને બજરા (barge) અને લાઇટરો દ્વારા માલની ચડઊતર થતી હતી. 1956માં ઊંડા પાણીમાં પ્રિન્સેસ માર્ગારેટ ધક્કો બંધાતાં કિનારા સુધી સ્ટીમરો આવે છે. આ બંદર દ્વારા રૂ, સીસલ, કૉફી, ચામડાં, હીરા, સોનું, મીઠું અને કાજુની નિકાસ થાય છે; જ્યારે યંત્રો, દવા, પેટ્રોલિયમ, કાપડ વગેરેની આયાત થાય છે. 1907માં દારેસલામને ટાંગાનિકા સરોવર ઉપરના કિગોમાને જોડતી 1,255 કિમી. લાંબી રેલવેલાઇન નંખાઈ. તેની એક શાખા ટબોરાથી ઉત્તરે લેક વિક્ટોરિયા ઉપરના મ્વાંઝા સુધી અને બીજી શાખા કીલોસાથી કિલોમ્બેરો ખીણ અને રૂવુથી ટાંગા લાઇન ઉપરના મન્યુસી સુધી જાય છે. અહીં હવાઈ મથક પણ છે. 1945 પછીથી ત્યાં સરકારી અને વેપારીગૃહોનાં આલીશાન મકાનો બંધાયાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દારેસલામ, પૃ. 311 અથવા જુઓ https://gujarativishwakosh.org/દારેસલામ/)

Categories
વાચન સમૃદ્ધિ

હીરાબાઈ બરોડેકર

જ. 29 મે, 1905 અ. 20 નવેમ્બર, 1989

શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનાં ગાયિકા હીરાબાઈ બરોડેકરનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચંપાકલી હતું. પિતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને માતા તારાબાઈ. તેમણે પુણેની હજુરપાગા સ્કૂલ અને પછી સેન્ટ મેરી કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ તેમના ભાઈ સુરેશબાબુ માને પાસેથી અને પછી ઉસ્તાદ અબ્દુલ વહીદખાન પાસેથી મેળવી. તેમણે 1921માં પુણેના ગાંધર્વ મહાવિદ્યાલયના સંગીતસમારોહમાં પ્રથમ કાર્યક્રમ આપ્યો. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ છોટા ખ્યાલ, બડા ખ્યાલ, ઠૂમરી, મરાઠી નાટ્યસંગીત, અભંગ અને ભજન માટે જાણીતાં હતાં. તેમણે ‘નૂતન સંગીત વિદ્યાલય નાટ્યશાળા’ની સ્થાપના કરી હતી. HMVએ તેમની મરાઠી ભજનોની અને હિન્દીની રેકર્ડસ બહાર પાડી હતી. તેમની 75 જેટલી રેકર્ડસ રિલીઝ થઈ હતી. ચાળીસ જેટલાં રેડિયોસ્ટેશન પરથી તેમનાં ગીતો પ્રસારિત થયાં છે. જલંધરમાં દર વર્ષે યોજાતા હરિવલ્લભ મેળામાં ગાનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે સંગીત ઉપરાંત નાટકમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ‘સૌભદ્ર’, ‘સાધ્વી મીરાંબાઈ’, ‘સંશય કલ્લોલ’, ‘યુગાંતર’, ‘વિદ્યાહરણ’, ‘સ્ત્રી-પુરુષ’ વગેરે નાટકોમાં તેમજ ‘સુવર્ણમંદિર’, ‘પ્રતિભા’, ‘સંત જનાબાઈ’ વગેરે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે પણ કામ કર્યું હતું. 15 ઑગસ્ટ, 1947ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી વંદે માતરમ્ ગાવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે 1949માં દક્ષિણ આફ્રિકા અને 1953માં ચીનની મુલાકાત લીધી હતી. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર, બાલગંધર્વ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકારે તેમને ‘ગાનહીરા’ પદવી આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

બેવડી જવાબદારી

સંખ્યાબંધ યાદગાર કાવ્યોના સર્જક એવા અમેરિકાના પ્રસિદ્ધ કવિ હેન્રી ડબલ્યુ. લૉંગફેલો(ઈ.સ. 1807થી ઈ.સ. 1882)ના જીવન પર અકાળે એક પ્રબળ આઘાત થયો. તોતિંગ વૃક્ષ એકાએક મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડે, તેવી એમના જીવનમાં આઘાતજનક ઘટના બની. મીણને ઓગાળતી એમની પત્નીનાં કપડાંને અચાનક આગ લાગી ગઈ અને એ ચીસાચીસ કરી ઊઠ્યાં. હેન્રી ડબલ્યુ. લૉંગફેલો પોતાની પ્રિય પત્નીને બચાવવા માટે દોડતા ગયા, પરંતુ એ ખૂબ દાઝી ગઈ હતી. ખૂબ દાઝી જવાને કારણે તેમની પત્ની મૃત્યુ પામી. આ ઘટનાએ આ મહાન કવિના હૃદયને વલોવી નાખ્યું. એમને સતત ચીસો પાડતી અને આગથી ઘેરાયેલી પત્નીનું દૃશ્ય નજર સમક્ષ દેખાતું હતું અને એ લગભગ પાગલ જેવી અવસ્થામાં જીવવા લાગ્યા. ભાંગી પડેલા આ કવિએ પોતાના અત્યંત દુ:ખી અને વ્યથિત એવા ત્રણ પુત્રો પર નજર કરી અને મનોમન વિચાર્યું કે હવે આ પુત્રોને માતાની ખોટ પડી છે, માટે પિતા અને માતા બંને તરીકેની ફરજ બજાવવી એ મારું પરમ કર્તવ્ય ગણાય. પત્નીના અણધાર્યા અકાળ અવસાનના શોકમાંથી ધીરે ધીરે બહાર આવીને એ પોતાના પુત્રો સાથે રમવા લાગ્યા. એમને સરસ મજાની વાર્તાઓ કહેવા લાગ્યા, એમની સાથે કવિતા ગાવા લાગ્યા, ગીત ગાઈ સુવાડવા લાગ્યા, વહાલથી ખવડાવવા લાગ્યા અને વખત મળ્યે એમને બહાર ફરવા લઈ જવા લાગ્યા. બાળકો સાથેના આ પ્રેમની વાત એમણે એમના ‘ધ ચિલ્ડ્રન્સ અવર’ કાવ્યમાં હૃદયસ્પર્શી રીતે આલેખી છે. એ પછી એમણે મહાકવિ દાંતેનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. ધીરે ધીરે હેન્રી ડબલ્યુ. લૉંગફેલો કામમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ એમના દર્દની વેદના હળવી થવા લાગી અને સમય જતાં એ મનની શાંતિ અને સ્વસ્થતા સંપાદિત કરી શક્યા. પોતાનાં સંતાનોને સરસ રીતે ઉછેરી શક્યા.