Categories
વાચન સમૃદ્ધિ

દામોદર

બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી ગંગાની ઉપનદી. તેની કુલ લંબાઈ 625 કિમી. તથા જલવહનક્ષેત્ર 20,700 ચોકિમી. છે. તેનું એક ઉદ્ગમસ્થાન બિહારમાં છોટાનાગપુરના મેદાની વિસ્તારમાં આવેલા રાંચીના ઉચ્ચપ્રદેશ પર પાલામાઉ જિલ્લાના તોરી પરગણાના કુરૂ ગામની ઈશાને 16 કિમી. અંતરે છે. સમુદ્રસપાટીથી તેનું આ ઉદ્ગમસ્થાન આશરે 610 મી. ઊંચાઈ પર આવેલું છે. તેનું બીજું ઉદ્ગમસ્થાન તે જ રાજ્યના હજારીબાગ જિલ્લાના બાલુમથ ગામની દક્ષિણે 3 કિમી. પર આવેલું છે. આ બંને ઉદ્ગમસ્થાનથી 20 કિમી.ને અંતરે આ બંને પ્રવાહોનો સંગમ થાય છે. તેના પ્રવાહના શરૂઆતના 42 કિમી. આ નદી ડુંગરાળ પ્રદેશમાંથી વહે છે, ત્યારપછીના 75 કિમી. પૂર્વ તરફના મેદાની વિસ્તારમાંથી વહે છે, ત્યારપછીના 23 કિમી. તે ઈશાન તરફ વહે છે અને છેલ્લે તે ફરી પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે છે. તેના પ્રવાહ દરમિયાન તે બિહાર અને પશ્ચિમ બંગાળના કોલસાક્ષેત્રને આવરી લે છે. ગોમિયા તથા કોનાર નદીઓનો સંયુક્ત પ્રવાહ એને ગોમિયા તથા બેર્મો વચ્ચે મળે છે.

પાનચેટ બંધ

ઉત્તર તરફથી આવતી બારાકાર નામની મોટી અને મહત્ત્વની ઉપનદી દામોદર નદીને રાણીગંજ કોલસાક્ષેત્રના પશ્ચિમ ભાગમાં મળે છે. ત્યાંથી તે અગ્નિદિશા તરફ વળી પશ્ચિમ બંગાળમાં દાખલ થાય છે તથા આ રાજ્યના બે જિલ્લાઓ બરદ્વાન અને હુગલીમાંથી પસાર થઈ કૉલકાતાની નૈઋત્ય દિશામાં આશરે 56 કિમી. અંતરે ફાલ્ટા મુકામે હુગલી નદીને મળે છે. પશ્ચિમ બંગાળમાં આ નદી તેના વિનાશકારી પૂર માટે જાણીતી બની છે. તેમાં અવારનવાર આવતા પૂરને કારણે બરદ્વાન અને હુગલીનાં સપાટ મેદાનોનો પ્રદેશ વારંવાર તારાજીનો ભોગ બન્યો છે. નિગમની સ્થાપનાના મૂળ ખરડામાં નદી પર કુલ સાત બંધ બાંધવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી માત્ર ચાર બંધ તિલૈયા, મૈથૉન, પાનચેટ અને કોનાર પૂરા થયા છે. આ ચારે બંધ બિહાર રાજ્યમાં આવેલા છે. પૂરનિયંત્રણ માટે ખાસ બાંધવામાં આવેલો પાનચેટ બંધ અને તેના પરનું જળવિદ્યુતકેન્દ્ર 1959માં પૂરું કરવામાં આવ્યું હતું. તિલૈયા, મૈથૉન અને પાનચેટ પર જળવિદ્યુતકેન્દ્રો તથા બોકારો, દુર્ગાપુર અને ચંદ્રપુરા ખાતે અણુશક્તિ-વિદ્યુતકેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દામોદર, પૃ. 305 અથવા જુઓ https://gujarativishwakosh.org/દામોદર/)

Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ નાયક

જ. 26 મે, 1901 અ. 29 મે, 1994

સ્વાતંત્ર્યસેનાની અને પંચમહાલના આદિવાસીઓના નિઃસ્પૃહી સેવક ડાહ્યાભાઈ નાયકનો જન્મ સૂરત જિલ્લાના ભાંડુતમાં મધ્ય પરિવારમાં થયો હતો. ડુમ્મસ અને ધરમપુરમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો. 1920માં અસહકારની ચળવળ સમયે કૉલેજ છોડી, ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1922માં ઝાલોદ તાલુકાના જંગલમાં આવેલ મીરાંખેડીમાં ભીલ બાળકોના આશ્રમમાં સંચાલક તરીકે કાર્ય કર્યું. 1923માં મીરાંખેડીમાં સહકારી ક્રૅડિટ સોસાયટી સ્થાપી. 1934 પછી ભીલ સેવા મંડળના મંત્રી તરીકે દાહોદ ગયા. પંચમહાલ જિલ્લા ગ્રામવિકાસ મંડળ અને જિલ્લા લોકલ બોર્ડનું સંચાલન કર્યું. 1939માં દાહોદમાં ભીલ કન્યા આશ્રમ તથા ઝાલોદમાં શબરી કન્યા આશ્રમ શરૂ કર્યા. આ ઉપરાંત સર્વોદય યોજના હેઠળ સેંકડો કૂવા ખોદાવ્યા, સુધારેલું બિયારણ, મરઘા ઉછેર કેન્દ્ર, પશુસુધારણા, ખાદીવણાટ વગેરે પ્રવૃત્તિઓ, 25 શાળાઓ અને પાંચ બાલવાડીઓ શરૂ કરાવી. દુષ્કાળનાં વર્ષોમાં રાહતકાર્યો શરૂ કરાવ્યાં. પંચમહાલ જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ તથા મુંબઈ રાજ્યના પછાતવર્ગ બોર્ડ, વિભાગીય વિકાસ કાઉન્સિલ વગેરેની મહત્ત્વની સમિતિઓના સભ્ય તરીકે ઉમદા સેવા કરી. દેશી રાજ્યોનાં વિલીનીકરણ બાદ આદિવાસીઓ તથા દલિતોના વિકાસ માટે યોજના બનાવી જેમાં 18 આશ્રમશાળાઓ, 22 આશ્રમો, 22 બાળવાડીઓ, 11 માધ્યમિક શાળાઓ, મહિલા અધ્યયન મંદિર, મહિલા તાલીમ કેન્દ્રો, દાઇ કેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે. 1955માં પંચમહાલ જિલ્લા સહકારી બૅન્કની સ્થાપના થઈ તેમાં અધ્યક્ષ રહ્યા. 1964માં જિલ્લા વિકાસ સંઘની રચના કરી. ખાદીવણાટ અને સૂતર-ઉત્પાદનની સંસ્થા શરૂ કરી. આ દરમિયાન દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા બદલ ત્રણ વાર જેલવાસ પણ ભોગવ્યો. 1977થી 1986 સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે યશસ્વી સેવા બજાવી. ભારત સરકારે 1960માં તેમને પદ્મશ્રીનો ઍવૉર્ડ એનાયત કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

મહેનતનો જાદુ

ગરીબીમાં જન્મનારને માટે બાલ્યાવસ્થાથી જ જીવન પડકારરૂપ હોય છે. અમેરિકાના અલ સ્મિથને ગરીબી વારસામાં મળી હતી અને એને એવી આર્થિક ભીંસમાં જીવવું પડ્યું કે એ માધ્યમિક શાળાનો અભ્યાસ પણ કરી શક્યા નહીં. અલ સ્મિથ મક્કમ રીતે માનતા હતા કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તોપણ એમાંથી માર્ગ નીકળી શકે છે. પરિણામે મુશ્કેલીઓ મૂંગે મોંએ સહન કરવાને બદલે એમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા અને જીવનમાં પ્રગતિ સાધતા હતા. આ અલ સ્મિથે લોકસેવાનું કામ શરૂ કર્યું અને ધીરે ધીરે ડેમૉક્રૅટિક પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા માંડ્યા. એમણે ન્યૂયૉર્ક રાજ્યના સરકારી તંત્ર વિશે ઊંડો અભ્યાસ કર્યો. આને માટે એ સોળ સોળ કલાક કામ કરતા હતા. સમય જતાં અલ સ્મિથ ન્યૂયૉર્ક રાજ્યની સરકાર વિશે સૌથી વધુ માહિતી અને સૂઝ ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા. એમની આ કુશળતાને કારણે અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે રાજ્યના લોકોએ એમને ચૂંટી કાઢ્યા અને પછી તો અત્યંત મહેનતુ અલ સ્મિથ સતત ચાર વખત ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે આરૂઢ થયા. એ અગાઉ કોઈ પણ વ્યક્તિએ ચાર ચાર વખત ગવર્નર પદ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી નહોતી. એ પછી 1928માં ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થઈ. અલ સ્મિથની કાર્યકુશળતાને કારણે અમેરિકાની હાર્વર્ડ અને કોલંબિયા જેવી વિખ્યાત છ યુનિવર્સિટીઓએ એમને માનદ ડિગ્રી એનાયત કરી. આર્થિક સંજોગોને કારણે માધ્યમિક શાળાનું બારણું પણ ન જોનાર વ્યક્તિ સોળ સોળ કલાકની મહેનતને પરિણામે પ્રજાનો લાડકવાયો નેતા અને વિખ્યાત યુનિવર્સિટીનો માનદ પદવીધારક બની રહ્યો.