Categories
વાચન સમૃદ્ધિ

હરિદ્વાર (હરદ્વાર)

ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ.

તે ૨૯O ૫૭´ ૩૦´´ ઉ. અ. અને ૭૮O ૧૨´ ૦૦´´ પૂ. રે. પર આવેલું છે. ઉત્તરમાં હિમાલયમાં ભગવાન હર (શિવજી) બિરાજે છે તે કેદારનાથ મંદિર તેમ જ ભગવાન હરિ કે શ્રીવિષ્ણુ બિરાજે છે તે બદરીનારાયણ મંદિર જવાનો પર્વતીય માર્ગ જ્યાંથી શરૂ થાય છે, તે સ્થળને હરદ્વાર કે હરિદ્વાર કહે છે. હિમાલયની તળેટીમાં નીલ અને બિલ્વ નામના બે પર્વતોની વચ્ચે એક સાંકડી ખીણમાં તે વસેલું છે. નીલ શિખર ઉપર ચંડિકાદેવી તથા બિલ્વ શિખર ઉપર મનસા કે મનીષા દેવીનાં મંદિરો આવેલાં છે. અહીં ગંગાનાં સર્વપ્રથમ દર્શન થાય છે. ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને અહીંથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેથી હરિદ્વાર ગંગાદ્વાર તરીકે પણ જાણીતું છે. અહીંથી હિમાલયના પહાડી પ્રદેશનો પ્રારંભ થાય છે. આ તીર્થ ઘણું જ રમણીય છે. મોક્ષદાયિકા સાત પવિત્ર નગરીઓમાં તેનું સ્થાન છે.

હર કી પેડી, બ્રહ્મઘાટ, હરિદ્વાર

આ નગર ઘણું પ્રાચીન ગણાય છે. કહેવાય છે કે અહીં કપિલ મુનિનું તપોવન હતું. તે સમયે આ નગર ‘કપિલા’ નામથી જાણીતું હતું. અહીં પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા અનુષ્ઠિત યજ્ઞ નિમિત્તે ભગવાન શિવને આમંત્રિત ન કરવા બદલ તેમ જ યજ્ઞમાં શિવનો યજ્ઞભાગ ન કાઢવા બદલ પુત્રી પાર્વતીએ યજ્ઞકુંડમાં કૂદી પડીને પોતાના શરીરની આહુતિ આપેલી. અહીંની ગંગા તેના બીજા બધા ભાગ કરતાં વધુ પવિત્ર ગણાય છે. હ્યુ-ઍન-સંગ સાતમી સદીમાં અહીં હરિદ્વાર આવેલા. તેમણે અહીંનું વર્ણન ‘મોન્યુ-લો’ નામથી કરેલું છે. હરિદ્વારનું મોટામાં મોટું આકર્ષણ ‘હર કી પેડી’ છે, તે સ્થળ બ્રહ્મઘાટ તરીકે પણ જાણીતું છે. ત્યાં ગંગાદ્વારનું મંદિર તથા વિષ્ણુનાં ચરણચિહ્નો આવેલાં છે. બારે માસ અહીં લાખો લોકોની અવરજવર રહે છે. યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરીને ચરણચિહ્નોની પૂજા કરે છે તથા પવિત્ર ગંગાજળ સાથે લઈને પાછા ફરે છે. કુંભ મેળા વખતે ભેગા થતા લાખો સાધુઓ આ જ ઘાટમાં સ્નાન કરે છે. એવો આ મહાપવિત્ર ઘાટ છે. આ બ્રહ્મઘાટમાં સ્નાન કરવું એ મહાપુણ્ય મનાય છે. ઘાટની વચ્ચે ઘડિયાળસ્તંભ આવેલો છે. સાંજે ગંગાઆરતી સમયે અહીં મોટી ભીડ જામે છે. ઘાટ પર બીજાં અનેક દેવ-દેવીઓનાં મંદિરો આવેલાં છે. યાત્રાળુઓની સગવડ માટે હરિદ્વારમાં ૨૦૦થી વધુ ધર્મશાળાઓ છે. નિ:શુલ્ક ભોજનાલયો પણ આવેલાં છે. દહેરાદૂન સુધીનો રેલમાર્ગ હોવાથી યાત્રીઓને હરિદ્વાર જવા આવવાની અનુકૂળતા રહે છે. બસની પણ સારી સગવડ છે. હરિદ્વારની નજીક કનખલ તથા જ્વાલાપુર તીર્થો આવેલાં છે. કનખલમાં સંત-સંન્યાસીઓ વસે છે. આઠેક કિમી.ના અંતરે કાંગડી ગુરુકુળ આવેલું છે. નજીકમાં હૃષીકેશ, લક્ષ્મણઝૂલા જેવાં જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. લોકમાન્યતા મુજબ હરિદ્વારમાં મૃત્યુ પામનાર પરમપદને પામે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10

Categories
વાચન સમૃદ્ધિ

ભોગીલાલ ધીરજલાલ લાલા

જ. 7 ડિસેમ્બર, 1877 અ. 30 ઑગસ્ટ, 1965

ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય સૈનિક અને મુંબઈ વિધાન પરિષદના અધ્યક્ષ ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચશિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ 1920માં ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરીને વકીલોને વકીલાત છોડવાની હાકલ કરી ત્યારે, તેમણે ધીકતી કમાણીવાળી પોતાની વકીલાતનો ત્યાગ કરીને ભારતમાતાની મુક્તિ માટેની ચળવળમાં ઝંપલાવ્યું. 1927થી 1932 દરમિયાન તેમણે લૉ કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 1920થી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવતા જાહેર સેવાનાં સર્વ કાર્યોમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન મુજબ કામ કરતા હતા. પરદેશી કાપડ સામે અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ કરવું, ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવો, ગુજરાતમાં રેલસંકટ, દુષ્કાળ, બિહારનો ધરતીકંપ અને અતિવૃષ્ટિ દરમિયાન રાહતકાર્યો કરવાં; સ્વદેશીનો પ્રચાર કરવો વગેરે લોકસેવાનાં કાર્યો તેમણે કર્યાં હતાં. તેઓ ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો તેથી તેમની ધરપકડ થઈ. મુંબઈ રાજ્યની વિધાનપરિષદના અધ્યક્ષ તરીકે 1956માં ચૂંટાયા. સરદાર પટેલના વિશ્વાસુ કાર્યકર થયા. તેઓને લોકોએ ‘લાલા કાકા’નું લાડીલું બિરુદ આપ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !

કબ્રસ્તાનમાં સૂતેલાં મુર્દાંઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એકબીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતાં છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાંઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી કે ટૅરેસ નીચે વસતા લોકો પણ સાથે રહેતા હોવા છતાં એમની વચ્ચે કોઈ સંવાદ નથી. એ ન તો સ્નેહથી એકબીજાને હસ્તધૂનન કરે છે કે ન તો પ્રેમથી આલિંગન કરે છે. જેમ મુર્દામાં જાન નથી, એમ એમના જીવનમાં પણ પ્રાણ નથી. એક જ ઘરમાં પતિ અને પત્ની વસે છે, છતાં એકબીજાને દિલથી મળતાં નથી. એક જ બંગલામાં પિતા-પુત્ર વસે છે, પણ એમની વચ્ચે બોલ્યા-વ્યવહાર નથી. એક જ રસોડે બે ભાઈની રસોઈ થાય છે, છતાં એમના જીવનમાં મીઠાશ નથી. ચાર દીવાલ વચ્ચે સાસુ અને વહુ સાથે રહેતાં હોવા છતાં એમની વચ્ચે પ્રેમનો કોઈ સંવાદ નથી. માત્ર મકાનને જ દીવાલો હોતી નથી. માનવી-માનવી વચ્ચે પણ ‘અદૃશ્ય’ દીવાલો ચણાયેલી હોય છે. આવું ઘર કબ્રસ્તાન નથી તો બીજું શું છે ? જ્યાં જીવનમાં સ્નેહ નથી, ત્યાં આનંદનું સ્વર્ગ ક્યાંથી ઊતરશે ? જ્યાં પરસ્પર માટે પ્રેમ નથી, ત્યાં પારકા માટે અનુકંપા ક્યાંથી જાગશે ? એક જ કુટુંબની વ્યક્તિઓ માત્ર દેહથી સમીપ છે, પણ દિલથી સાવ ભિન્ન છે. એમના ચહેરા અતિ સુંદર છે, પણ એ પરસ્પરને દ્વેષયુક્ત ઝેરભરી નજરે નિહાળે છે. સમાન વાતાવરણમાં જીવતા હોવા છતાં ભિન્ન ભિન્ન દુનિયામાં વસે છે. સ્વાર્થની, ભેદની અને માત્ર પોતાની દુનિયામાં જીવતો માણસ ઘરમાં હોવા છતાં કબરમાં પોઢેલો છે.