Categories
વાચન સમૃદ્ધિ

અબ્દુલ હમીદ

જ. 1 જુલાઈ, 1933 અ. 10 સપ્ટેમ્બર, 1965

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થનાર કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદનો જન્મ ઉત્તરપ્રદેશના ધામુપુર ગામમાં થયો હતો. પિતા મોહમ્મદ ઉસ્માન અને માતા સકીનાબેગમ. ધોરણ આઠ પાસ કરી પિતાને દરજીકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ 27 ડિસેમ્બર, 1954ના રોજ ભારતીય સેનાની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં ભરતી થયા. તેમણે 1962માં ચીની પીપલ્સ લિબરેશન આર્મી સામે નામકા ચૂના યુદ્ધમાં ભાગ લીધો હતો. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં અબ્દુલ હમીદ અને તેમની 4થી ગ્રેનેડિયર્સ બટાલિયનના જવાનો સીમા પાસે ફરજ પર હતા. 8 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે પાકિસ્તાની ટૅન્કોએ હુમલો કર્યો. હમીદે પહેલી ટૅન્કનો નાશ કર્યો. બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્ક છોડીને ભાગી ગયા. એ ટૅન્કોનો નાશ કર્યો. વળી બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્કો મૂકીને નાસી ગયા. 9 સપ્ટેમ્બરે ફરીથી ટૅન્કો આવી પરંતુ ઍન્ટિ ટૅન્ક સુરંગોએ ટૅન્કોનો નાશ કર્યો. બાકીની ટૅન્કો પાછી ફરી. 10 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટૅન્કો સમૂહમાં આવી. હમીદે પાંચમી ટૅન્ક પણ ઉડાવી દીધી. તેમણે સ્થાન બદલીને છઠ્ઠી ટૅન્કનો ખાતમો કર્યો. સાતમી ટૅન્ક નજીક હતી. સાતમી ટૅન્કે તોપગોળો છોડ્યો અને અબ્દુલ હમીદ શહીદ થયા. પોતે શહીદ થયા એ પહેલાં એમણે ટૅન્કનો નાશ કર્યો. હમીદે ત્રણ દિવસમાં સાત પાકિસ્તાની ટૅન્કોનો નાશ કરવાનું અજોડ પરાક્રમ કર્યું હતું. અબ્દુલ હમીદના સર્વોચ્ચ બલિદાન માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2000માં તેમની સ્મૃતિમાં ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં અસલ ઉત્તર ગામમાં  રમતગમત અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

આકાશમાંથી સીધો જમીન પર

ચીનના મહાન સંત અને ચિંતક કૉન્ફ્યૂશિયસે(ઈ. પૂ. 551થી ઈ. પૂ. 479) 17 વર્ષની ઉંમરે ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતનો અભ્યાસ કર્યો અને બાવીસમા વર્ષે તો પોતાના ઘરમાં જ પાઠશાળા સ્થાપીને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. નમ્ર, વિવેકી અને સત્યવક્તા કૉન્ફ્યૂશિયસની શિક્ષણ આપવાની પદ્ધતિ સૉક્રેટિસની જેમ પ્રશ્નોત્તર સ્વરૂપની હતી. એક વાર કેટલાક રાજનીતિજ્ઞો એમની સાથે વિચારવિમર્શ કરવા આવ્યા અને એમાંના એક નેતાએ પ્રશ્ન પૂછ્યો, ‘કૃપા કરીને અમને કહો કે કઈ વ્યક્તિ આદર્શ અને ઉત્તમ શાસક બની શકે ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘મહાનુભાવ, જેની પાસે પ્રજાના પાલન-પોષણ માટે પર્યાપ્ત સાધન હોય, દેશની રક્ષા માટે જરૂરી સેના અને શસ્ત્રાસ્ત્ર હોય અને જેના પર પ્રજાને પૂર્ણ વિશ્વાસ હોય, એ જ વાસ્તવમાં ઉત્તમ અને આદર્શ શાસક સાબિત થઈ શકે.’ રાજનીતિજ્ઞે વળતો પ્રશ્ન પૂછ્યો, ‘પરંતુ આ ત્રણમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત કઈ ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘આ બધાંમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ પ્રજાનો વિશ્વાસ છે. શાસક કે સરકાર પ્રત્યે જો જનતાનો વિશ્વાસ ડગી જાય, તો એનું પતન નિશ્ચિત છે, કારણ કે આધુનિક શસ્ત્રો કે સર્વોત્તમ સાધન વગેરે તો ધનથી ખરીદી શકાય, પરંતુ પોતાનું સર્વસ્વ આપી દેવા છતાં વિશ્વાસ ખરીદી શકાતો નથી.’ આ સાંભળી નેતાએ વળતો પ્રશ્ન કર્યો, ‘પ્રજાનો આવો વિશ્વાસ કઈ રીતે સંપાદિત થાય ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘આ વિશ્વમાં વિશ્વાસ એક એવી બાબત છે કે જે વ્યક્તિ પોતાની દૃષ્ટિ અને આચરણથી પ્રાપ્ત કરી શકે છે. આને માટે આત્માની શુદ્ધતા આવશ્યક છે. જો જનતાનો વિશ્વાસ કોઈ મોટા રાજનેતા પરથી ઊઠી જાય, તો એ જ ક્ષણે પ્રજાની નજરમાંથી આકાશમાંથી સીધો જમીન પર ફેંકાઈ જાય છે.’

Categories
વાચન સમૃદ્ધિ

સારા અબૂબકર

જ. 30 જૂન, 1936 અ. 10 જાન્યુઆરી, 2023

ભારતીય કન્નડ લેખિકા અને અનુવાદક સારા અબૂબકરનો જન્મ કેરલમના કાસરગોડમાં પુદિયાપુરી અહમદ અને ઝૈનબી અહમદના ઘરે થયો હતો. તેમને ચાર મોટા ભાઈઓ હતા. સારા મલયાળમભાષી હોવા છતાં કન્નડ ભાષા પર સારો કાબૂ હતો. કન્નડ વિદ્યાલયમાં તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમને તો હજી આગળ ભણવાની ઇચ્છા હતી, પણ તે સમયના સમાજના માપદંડને કારણે તે શક્ય ન હતું. સામુદાયિક બંધનોને લીધે ઉચ્ચશિક્ષણ મહિલાઓ માટે પ્રતિબંધિત હતું. તેઓ ઈ. સ. 1963માં એક પુસ્તકાલયના સભ્ય થઈ શક્યાં હતાં. તેઓએ કન્નડ ભાષામાં ઉચ્ચકોટિના સાહિત્યનું સર્જન કર્યું છે. તે તેમની સર્જનાત્મક શક્તિ, કુશળતા અને કાર્ય કરવાની લગનીને લીધે શક્ય બન્યું.  એમના લેખનમાં મુખ્યત્વે નવલકથા અને લઘુકથાઓ સામેલ થાય છે. તેમણે તેમના સમાજની ગરીબ સ્ત્રીઓએ વેઠેલાં દુઃખ અને યાતના સમાજ આગળ રજૂ કરી શકાય તે માટે સાહિત્યનું સર્જન કર્યું. પિતૃપ્રધાન વ્યવસ્થાથી મુસ્લિમ સ્ત્રીઓ પર થતા અન્યાય પર તેઓએ સાહિત્યસર્જન કરી ધ્યાન દોર્યું. તેઓ સાદી ભાષામાં સામાજિક, ધાર્મિક અને કોમી હિંસા જેવા વિષયો પર લખતાં જેથી સમાજમાં થતા અન્યાય પર ધ્યાન દોરી શકાય. તેઓ તેમની નવલકથા ‘ચંદ્રગિરિયા થિરાદલ્લી’થી પ્રખ્યાત થયાં હતાં. આ નવલકથાનો અંગ્રેજી અને મરાઠીમાં પણ અનુવાદ થયો છે. આ નવલકથાના આધારે ફિલ્મ ‘બ્યારી’ બનાવવામાં આવી હતી. તેમની નવલકથા ‘વજ્રગાલુ’ પરથી ‘સારાવજ’ ફિલ્મ બનાવવામાં આવી છે. 1914થી તેઓએ તેમના ચંદ્રગિરિ પ્રકાશન કંપની દ્વારા પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમના સાહિત્યસર્જન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, અનુપમા નિરંજના ઍવૉર્ડ, કન્નડ રાજ્યોત્સવ ઍવૉર્ડ, રથનમ્મા હેગડે મહિલા સાહિત્ય ઍવૉર્ડ, દાના ચિંતામણિ અત્તિમબ્બે ઍવૉર્ડ, હમ્પી યુનિવર્સિટી તરફથી નાદોજા ઍવૉર્ડ, માનદ ડૉક્ટરેટ પદવી – મૅંગ્લોર યુનિવર્સિટી તરફથી અને કન્નડ ભાષામાં સાહિત્યસર્જન કરવા માટે નૃપાતુંગ ઍવૉર્ડ વગેરે મળ્યા હતા.