Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ

મધ્યપ્રદેશના ઉજજૈન વિભાગનો જિલ્લો. તે 22° 57´ ઉ. અ. અને 76° 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ જિલ્લાની પૂર્વે શેહોર જિલ્લો, દક્ષિણે હરડા અને ખંડવા જિલ્લાઓ, પશ્ચિમે ખારગોન અને ઇન્દોર જિલ્લા, જ્યારે ઉત્તરે ઉજજૈન અને શહાજહાંપુર જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાની પશ્ચિમે માલવાનો ઉચ્ચપ્રદેશ જે લગભગ સમતળ છે. દક્ષિણે ક્રમશઃ ઊંચકાતી વિંધ્યાચળ હારમાળા આવેલી છે. અહીં ચંબલ અને કાળીસિંધ નદીનાં મૂળ આવેલાં છે. જે આગળ જતાં ગંગા નદીને મળે છે. આ વિસ્તારમાં ગ્રૅનાઇટ જેવી નક્કર ખડક-સંરચના ધરાવતા ઉચ્ચપ્રદેશો આવેલા છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 600થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રકિનારાથી દૂર આવેલો છે, આથી આબોહવા લગભગ ખંડીય પ્રકારની છે. પરિણામે ઉનાળામાં મે માસ દરમિયાન તાપમાન 33° સે.થી વધી જાય છે. જ્યારે શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસમાં તાપમાન 20° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ 3200 મિમી. જેટલો પડે છે. રાત્રિના સમયગાળામાં તાપમાન નીચું અનુભવાય છે.

અહીં સાગ, સાલ, સાદડ, ખેર, ટીમરુ, ચારોળી, પલાસ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. ફળાઉ વૃક્ષોમાં કેરી, પપૈયાં, ચીકુ મુખ્ય છે. વાઘ, દીપડો, વાનરો, જરખ, શિયાળ જેવા વન્યજીવો પણ જોવા મળે છે. અહીં મોટે ભાગે સઘન ખેતી થતી જોવા મળે છે. જેમાં ઘઉં, જવ, બાજરો, તેલીબિયાં, કઠોળ, ડાંગર, શેરડી વગેરેની ખેતી લેવાય છે. જંગલપેદાશોમાં ઇમારતી લાકડું, લાખ, ગુંદર, ટીમરુનાં પાન વગેરે મેળવાય છે. ઇન્દોર–નેમાવર રોડ ઉપર ‘ગિદીયા ખોહ’ પાસે જળધોધ આવેલો છે. જે દેવાસથી 48 કિમી. દૂર છે. આ ઉપરાંત અહીં ચામુંડા ટેકરી, સિદ્ધેશ્વર મહાવીર મંદિર, કેલા દેવ મંદિર, શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર વગેરે આવેલાં છે. આ જિલ્લાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 52 મહત્ત્વનો છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો પણ આવેલા છે. આ જિલ્લામાં ત્રણ રેલવેસ્ટેશનો આવેલાં છે. જેમાં દેવાસ જંકશન સૌથી મહત્ત્વનું છે. આ જિલ્લાનો વિસ્તાર 7,020 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે (2026 મુજબ) 19,20,000 છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે, નીતિન કોઠારી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)

Categories
વાચન સમૃદ્ધિ

મનુભાઈ મહેતા

જ. 22 જુલાઈ, 1868 અ. 14 ઑક્ટોબર, 1946

વડોદરા અને બિકાનેર રાજ્યના દીવાન અને પ્રાધ્યાપક મનુભાઈ મહેતાનો જન્મ સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા નંદશંકર અને માતા નંદા ગૌરી. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક નંદશંકર મહેતાના તેઓ પુત્ર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં અને માધ્યમિક શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં થયું હતું. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા પછી એમ.એ. અને એલએલ.બી. થયા. તેમણે 1891થી 1899 સુધી તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. 1899થી 1906 સુધી બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના ખાનગી સચિવ, 1914થી 1916 સુધી મહેસૂલમંત્રી અને 1916થી 1927 સુધી રાજ્યના મુખ્ય દીવાન તરીકે કાર્ય કર્યું હતું. તેઓ વડોદરાના ઘડતરના મુખ્ય શિલ્પીઓમાંના એક હતા. 1927માં બિકાનેર રાજ્યના સલાહકાર મંડળમાં રહ્યા ત્યાર બાદ તેઓ ગ્વાલિયર રાજ્યના ગૃહમંત્રી અને રાજકીય મંત્રી બન્યા. તેમણે બિકાનેર રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિવય 55થી વધારીને 58 વર્ષ કરી. તેઓ લંડનમાં યોજાયેલી ત્રણ ગોળમેજી પરિષદમાં ભારતીય રજવાડાંઓના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં બંધારણીય સુધારાના અમલ માટેની સંસદીય સમિતિના સભ્ય હતા. તેમણે ચેમ્બર ઑફ પ્રિન્સેસ દ્વારા સમગ્ર રજવાડાંઓમાં બંધારણીય અને લોકશાહી સુધારાઓ માટે પ્રયત્ન કર્યો હતો જે ‘મહેતા વ્યૂહરચના’ તરીકે જાણીતી બની. 1940 સુધીમાં લગભગ બધા મોટાં રજવાડાંઓએ કેટલાક સુધારાઓ અપનાવ્યા હતા. તેમણે ‘હિંદ, રાજસ્થાન એન્ડ ઍનૅલ્સ ઑવ ધ નેટિવ સ્ટેટ્સ’ અને ‘પુરાવાના કાયદાના સિદ્ધાંતો’ એમ બે પુસ્તકો લખ્યાં છે. તેમની વહીવટી કુશળતા બદલ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ તેમને ‘ઉદયાદિત્ય’, બ્રિટિશ સરકારે તેમને ‘સર’ના ઇલકાબથી સન્માનિત કર્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ
:  કલાકૃતિ  :
માધવી પારેખ
કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર
જાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખને
પરિચય : નિસર્ગ આહીર
25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30