Categories
વાચન સમૃદ્ધિ

અવરોધ ઓળંગીએ

ઇન્ડોનેશિયામાં વસતા સુકર્ણોના પિતા નિશાળમાં શિક્ષક હતા. એમનો પુત્ર સુકર્ણો એક દિવસ હઠ લઈને બેઠો કે એ કોઈ પણ સંજોગોમાં નિશાળે જવા માગતો નથી. એને નિશાળમાં સહેજે ગોઠતું નથી. શિક્ષક પિતાએ પુત્રને પ્રેમથી સમજાવવા કોશિશ કરી, ત્યારે સુકર્ણોએ કહ્યું, ‘આ નવી નિશાળમાં તો બધા મારી ખૂબ મજાક ઉડાવે છે. ઠઠ્ઠા-મશ્કરી કરે છે, મને પજવે છે.’ એના પિતાએ સમજાવ્યું, ‘નવી નિશાળમાં જઈએ ત્યારે આવું તો બને જ. થોડો સમય આવું રહેશે, પણ પછી બધા હળીભળી જશે અને તારા મિત્ર બની જશે.’ આમ છતાં નિશાળે જવાની અનિચ્છા ધરાવતા સુકર્ણોએ પુસ્તક નીચે પછાડ્યું. માતા-પિતાએ ખૂબ સમજાવ્યો, પણ બાળક સુકર્ણો તૈયાર ન થયો ત્યારે એના શિક્ષક પિતાએ અનુભવીની મદદ લેવાનું વિચાર્યું. એ અનુભવી સુકર્ણોને એક નાના ઝરણા પાસે લઈ ગયા અને એના વહેતા પ્રવાહની વચ્ચે એમણે એક મોટો પથ્થર ફેંક્યો અને સુકર્ણોને કહ્યું, ‘જો, આ પથ્થર વહેતા ઝરણાના પાણીમાં કેવો અવરોધ કરે છે ?’ બન્યું પણ એવું કે મોટા પથ્થરને કારણે પાણી અટકી ગયું, પરંતુ થોડા જ સમયમાં પોતાની ગતિથી પાણી વહેવા લાગ્યું અને પથ્થર પાણીમાં ડૂબી ગયો. એમણે સુકર્ણોને કહ્યું, ‘બેટા, કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધથી ગભરાવું જોઈએ નહીં. જો તો ખરો ! પાણી પણ અવરોધ પર વિજય મેળવીને કેવું આગળ વધી રહ્યું છે, જ્યારે તું માનવી થઈને મુશ્કેલીઓથી કેમ ગભરાય છે ?’ સુકર્ણોને આ વાત સ્પર્શી ગઈ. એણે બીજા દિવસથી નિશાળે જવાનો પ્રારંભ કર્યો. થોડાક સમયમાં એના સહાધ્યાયીઓ એના મિત્રો બની ગયા. સમય જતાં સુકર્ણો સ્નાતક થયો અને પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને ડચ સરકારની ગુલામીમાંથી મુક્તિ અપાવી અને તે પછી બે દાયકા સુધી દેશના પ્રમુખ રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

કે. કામરાજ

જ. 15 જુલાઈ 1903 અ. 2 ઑક્ટોબર 1975

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ અને મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન કામરાજ કુમારસ્વામીનો જન્મ તમિલનાડુના વિરુધુનગરમાં થયો હતો. છ વર્ષની વયે પિતાને ગુમાવ્યા હતા. તેઓ 1920માં કૉંગ્રેસમાં જોડાયા. તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે ચેન્નાઈમાં તલવાર સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેઓ બે વર્ષ માટે જેલમાં ગયા હતા. તેમને છ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં સત્તુર બેઠક પર જીત્યા. તેઓ 1946માં ભારતની બંધારણ સભામાં અને બાદમાં 1952માં સંસદમાં પણ ચૂંટાયા હતા. તેમણે 13 એપ્રિલ, 1954થી 2 ઑક્ટોબર, 1963 સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી. તેમણે બંધ કરાયેલી 6000 શાળાઓ ફરીથી શરૂ કરી અને 12,000 વધુ નવી શાળાઓ ખોલી. અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું. તેમના વહીવટ દરમિયાન તમિલનાડુ ભારતના શ્રેષ્ઠ વહીવટી રાજ્યોમાંના એક તરીકે જાણીતું બન્યું હતું. 1963માં તેમણે સૂચન કર્યું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંગઠનાત્મક કાર્ય કરવા માટે મંત્રીપદ છોડી દેવું જોઈએ, જે ‘કામરાજ યોજના’ તરીકે જાણીતું બન્યું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. નહેરુના અવસાન પછી વડા પ્રધાન બનવાની ના પાડી હતી. તેમણે તમિલનાડુના મુખ્ય મંત્રી તરીકે આપવામાં આવેલી Z-સ્તરની સુરક્ષાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને ‘કાલવી થંથાઈ’ (‘શિક્ષણના પિતા’) તેમજ ‘મદુરાઈના ગાંધી’ પણ કહેવામાં આવતા હતા. તેમને 1972માં કૉપર બૉન્ડ ઍવૉર્ડ અને 1976માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં ભારત સરકારે 100 અને 5 રૂપિયાના સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા. તેમની સ્મૃતિમાં ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલ-1નું નામ ‘કામરાજ ટર્મિનલ’ અને એન્નોર પૉર્ટનું નામ ‘કામરાજ પૉર્ટ લિમિટેડ’, મરાઈમલાઈ નગર રેલવેસ્ટેશનનું નામ મરાઈમલાઈ નગર કામરાજ રેલવેસ્ટેશન, મદુરાઈ યુનિવર્સિટીનું નામ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. 2004માં તેમની જીવનકથા પર આધારિત ‘કામરાજ’ નામની તમિલ ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઇલોરા

મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું પ્રવાસધામ.

તે ભારતનાં શિલ્પસ્થાપત્ય માટે વિશ્વવિખ્યાત છે. ભૌગોલિક સ્થાન : તે ઔરંગાબાદ(૧૯° ૫૦´ ઉ. અ. અને ૭૫° ૧૫´ પૂ. રે.)થી ઈશાનમાં ૨૯ કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. અહીં આવેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં ગુફાઓ છે. ગુફાઓની અંદર તેમ જ બહાર પથ્થરોને કોતરીને શિલ્પો કંડારવામાં આવેલાં છે. આ સ્થાપત્યરચના શિલાસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. આ સ્થાપત્યો પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી વચ્ચેના જુદા જુદા કાળમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આ ગુફા ‘મ્હારવાડ’ના નામથી ઓળખાય છે. અહીંની ગુફાઓ બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મને લગતી છે. જેમાં દક્ષિણ છેડે ૧થી ૧૨ ગુફાઓમાં બૌદ્ધ ધર્મનાં, વચ્ચે ૧૩થી ૨૯ ગુફાઓમાં હિંદુ ધર્મનાં અને ઉત્તર છેડે ૩૦થી ૩૪ ગુફાઓમાં જૈન ધર્મનાં શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. કેટલીક ગુફાઓમાં શિલાલેખો પણ છે.

બૌદ્ધ ગુફાઓ પૈકીની એકમાં બૌદ્ધવિહાર, બીજી એકમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે પહેલાંની અને પછીની બુદ્ધની અવસ્થા દર્શાવતી પ્રતિમાઓ છે. આ ઉપરાંત બુદ્ધનાં ગુણગાન ગાતા ગાંધર્વો અને દેવગણોની, ધ્યાનસ્થ બુદ્ધની તેમ જ બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ માટે બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ પણ છે. પ્રથમ પાંચ ગુફાઓ એક મજલાની, વિહાર આકારની છે. પાંચમી ગુફા સૌથી વિશાળ છે, તેમાં વિહાર અને ચૈત્યગૃહનું સંયોજન છે. આઠમી ગુફામાં ચૈત્યગૃહનું મહત્ત્વ દર્શાવાયું છે. ‘સુથારી ગુફા’ તરીકે ઓળખાતી દસમી ગુફા વધુ જાણીતી છે. બૌદ્ધ ગુફાઓની સરખામણીમાં હિંદુ ગુફાઓમાં હિંદુ દેવ-દેવીઓનાં શિલ્પો સાથે પ્રસંગોચિત દૃશ્યો છે. આ ગુફાઓનું નિર્માણ સાતમી સદીના પ્રારંભમાં થયેલું છે. ગુફા નં ૧૪માં રાવણને કૈલાસ પર્વત ઉપાડતો તથા ભગવાન શંકર પગના અંગૂઠાથી તેને દબાવી રાખે છે એવું દૃશ્ય આલેખાયું છે. પૌરાણિક કથાઓનાં દૃશ્યો પણ છે. પંદરમી ગુફા દશાવતારને નામે ઓળખાય છે. તે શિલ્પકલાનો અદ્ભુત નમૂનો પૂરો પાડે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇલારો, પૃ. 167)